દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર એક ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા જ્યાં તેમણે સ્ટેજ પરથી વિવાદિત સૂત્રોચ્ચાર કર્યા હતા. આ અંગે દિલ્હીનું રાજકારણ હવે ગરમાઇ રહ્યુ છે, બીજી તરફ આ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર બાદ અનુરાગ ઠાકુરની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. આની નોંધ લેતા દિલ્હીનાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ રિપોર્ટ માંગ્યો છે.
આ વીડિયોમાં અનુરાગ ઠાકુર ચૂંટણી મંચ પરથી સૂત્રોચ્ચાર કરતા જોવા મળી શકે છે. તેઓ કહી રહ્યા છે કે, ‘દેશનાં દેશદ્રોહી લોકોને…, જે પછી નીચે ઉભેલા લોકો કહે છે ‘ગોળી મારો….’ આ વીડિયો સામે આવ્યા બાદ વિવાદ વધતો જ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસે અનુરાગ ઠાકુર પર નિશાન સાધ્યું હતું, જ્યારે વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ભૂષણએ કહ્યું હતું કે અનુરાગ ઠાકુરને કેબિનેટમાં નહીં, જેલમાં હોવું જોઈએ. આ અંગે મહિલા કોંગ્રેસે પૂછ્યું હતું કે શું ચૂંટણી પંચ અનુરાગ ઠાકુર વિરુદ્ધ કાર્યવાહી કરશે? અનુરાગ ઠાકુર ભાજપનાં ઉમેદવાર મનીષ ચૌધરીનાં સમર્થનમાં રેલી કરવા રિઠાલા પહોંચ્યા હતા. દરમિયાન ભાજપનાં નેતા દ્વારા સ્ટેજ પરથી વિવાદિત સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ રેલી દરમિયાન ભાજપનાં સાંસદ હંસરાજ હંસ સહિત ઘણા નેતાઓ મંચ પર જોવા મળ્યા હતા. આ સિવાય અન્ય ઘણા નેતાઓ પણ સ્ટેજ પર હાજર હતા.
આપને જણાવી દઈએ કે, દિલ્હી વિધાનસભાની તમામ 70 બેઠકો માટેની ચૂંટણી 8 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં યોજાશે. જ્યારે ચૂંટણીનાં પરિણામો 11 ફેબ્રુઆરીએ આવશે. દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી સીએમ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળ ચૂંટણી લડી રહી છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર પણ જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે આ બંને પક્ષો ફરીથી સત્તા પરત આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં ભાજપે જેડીયુ સાથે ગઠબંધન કર્યું છે, જ્યારે કોંગ્રેસે આરજેડી સાથે ચૂંટણી ગઠબંધન કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
