ગુજરાતમાં વિધાનસભા – 2022ની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ રાજકીય પક્ષ તરીકે સક્રિય બન્યા છે. દરમિયાન ત્રીજા અને સબળ વિકલ્પ તરીકે આપ પાર્ટી પણ વિધાનસભા ચૂંટણી-2022 માટે નિર્ણાયક સાબિત થશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધીશ થવા જાણે કે રાજકીયપક્ષમાં અત્યારથી જ હોડ લાગી છે. હજી દોઢ વર્ષનો સમય બાકી છતાં અત્યારથી જ પૂર્વતૈયારી કરીને ચૂંટણીજંગ જીતવા ભાજપ અને કોંગ્રેસ બંન્ને રાજકીયપક્ષ સક્રિય બન્યા છે, તો ગુજરાતમાં વર્ષ-2022ની ચૂંટણીમાં ત્રીજા વિકલ્પ તરીકે આપ ઉભરી આવ્યો છે. આપ સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત આવી આ વાતની પ્રતિતિ કરાવી છે. ભાજપ વિધાનસભામાં 182 બેઠકો મેળવવાના સંકલ્પ સાથે રણનીતિ બનાવવામાં વ્યસ્ત બન્યો છે. સરકાર અને સંગઠનના સંકલનથી નિર્ધારિત લક્ષ્યાંક 182 સર કરવાની કવાયત ભાજપે પણ આદરી છે. ગુજરાતમાં કોંગ્રેસ હાલ નેતૃત્વ વિહોણું છે ત્યારે નેતૃત્વ પરિવર્તન સહિતની ચર્ચા ગાંધીનગર થી દિલ્હી સુધી ચાલી છે અને તેમાં મોટા ફેરફાર તોળાઇ રહ્યાં છે. સંગઠનમાં આમૂલ પરિવર્તન કરી કોંગ્રેસે પણ શાસકપક્ષનો વિરોધ કરવા કમર કસી છે. ભાજપ-કોંગ્રેસની સ્પર્ધામાં વર્ષ-2022માં આપની ભૂમિકા મહત્વની પુરવાર થશે.
ગુજરાતમાં સ્વ.ચીમનભાઇ પટેલ , શંકરસિંહ વાઘેલા, કેશુભાઇ પટેલ અને ગોરધન ઝડફીયાએ સત્તા હસ્તગત કરવા તત્કાલીન સમયમાં ભાજપ સામે વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો. ભાજપમાં શંકરસિંહ વાઘેલાને યોગ્ય સ્થાન નહીં મળતાં અન્ય ધારાસભ્યોનું સમર્થન લઇને ખજૂરાહોકાંડ કર્યો અને ત્યારબાદ નવા રાજકીયપક્ષ રાષ્ટ્રીય જનતાપાર્ટીની રચના કરી હતી. તેમાં પણ સફળ નહીં થતાં કોંગ્રેસમાં પણ સામેલ થઇને સત્તાલાલસા છતી કરી હતી.અંતે કોંગ્રેસમાં પદ મેળવ્યા પછી પણ દિલ્હી હાઇકમાન્ડથી નારાજ થઇને કોંગ્રેસથી વિમુખ થયા હતા. આ જ રીતે કેશુભાઇ પટેલ પણ તત્કાલીન સમયમાં નરેન્દ્ર મોદીની નીતિ-રીતીથી નારાજ થઇને અંતે નવા રાજકીય પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી પરંતુ તેમાં સ્વ.કેશુભાઇ સફળ રહ્યા નહીં અને ભાજપમાં જ ફરી ઘરવાપસી થઇ હતી. જ્યારે ગોરધન ઝડફીયાએ એક સમયે ભાજપ સરકારમાં મંત્રીપદ ઠુકરાવીને અસંતોષ જાહેર કર્યા બાદ નવા રાજકીયપક્ષ તરીકે મહાગુજરાત જનતાપાર્ટીની રચના કરી હતી. મજપાના ટૂંકા નામથી ઓળખાતી રાજકીયપાર્ટીએ પણ ગુજરાતમાં કોઇ સફળતા મળી નહીં અને મૂળ સંઘ સાથેના સંબંધોનો ઉપયોગ કરી ફરી ભારતીય જનતા પાર્ટીમાં આવવા કવાયત કરી અને હાલ તેઓ ભાજપના ટોચના નેતા તરીકે સ્થાન પામ્યા છે. આ રીતે ગુજરાતમાં રાજકારણમાં દિગ્ગજ ગણાતાં નેતાઓએ ત્રીજા રાજકીયપક્ષની રચના કરી પરંતુ આજ સુધી ત્રીજા રાજકીયપક્ષ તરીકે તેઓ સફળ રહ્યા નથી.
ગ્રાફીક્સ- ત્રીજાપક્ષ તરીકે ઉભરી સફળ નહીં રહેલાં રાજકીયપક્ષ
નેતા – રાજકીયપશ્ર
-સ્વ.ચીમનભાઇ પટેલ – જનતાદળ
-શંકરસિંહ વાઘેલા – રાષ્ટ્રીય જનતા પાર્ટી
-સ્વ.કેશુભાઇ પટેલ – ગુજરાત પરિવર્તનપાર્ટી
-ગોરધન ઝડફીયા – મહાગુજરાત જનતા પાર્ટી
ગુજરાતમાં અત્યારસુધીનો ઇતિહાસ રહ્યો કે ત્રીજા રાજકીયપક્ષની રચના કરીને સત્તાની સાઠમારી આ દિગ્ગજનેતાઓએ ખેલી પરંતુ તેમાં તેઓ સફળ રહ્યા નથી. જો કે વર્ષ-2022ની વિધાનસભા ચૂંટણીમાં પરિસ્થિતિ બદલાઇ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની નજર ગુજરાત પર કેન્દ્રિત થયેલી છે. અત્યારસુધી ત્રીજા પક્ષનો વિકલ્પ નહીં હોવાથી ભાજપ-કોંગ્રેસ આમને-સામને રહેતાં હતા. કોંગ્રેસના આંતરકલહએ ભાજપને સીધો રાજકીયલાભ કરાવી આપ્યો છે. હવે જ્યારે આપ પાર્ટીએ 182 ઉમેદવારો ઉતારવાના સંકલ્પ સાથે ચૂંટણીમેદાનમાં ઉતરશે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંન્ને રાજકીયપક્ષ માટે વરષ-2022ની ચૂંટણી લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. આપ પાર્ટી વાસ્તવમાં પ્રજાના પ્રશ્નો લઇને ચૂંટણી જંગમાં ઝૂકાવશે તો મહદઅઁશે આમ આદમી પાર્ટીને પ્રજાનું સમર્થન મળે એવી સંભાવના નકારી શકાય એમ નથી. હવે ત્રસ્ત પ્રજાને ભાજપ-કોંગ્રેસમાંથી ઉગારવા આપ કઇ રણનીતિ અપનાવશે તે જોવાનું રહેશે. જો કે આપ સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાત કરીને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં પ્રાણ પુર્યા છે.હવે પછી ભાજપ-કોંગ્રેસનો સામનો કરવા આપની રણનીતિ પર સૌની નજર રહેશે.

