Not Set/ ગોધરાના ભેજાબાજની જાસૂસીના આરોપમાં ધરપકડથી જબરદસ્ત સન્નાટો..!!

ભારતમાંથી ખરીદ કરેલા સીમકાર્ડના નંબરના આધારે વોટ્સએપ ચાલુ કરવા માટે આવેલા ઓ.ટી.પી.નંબર પાકિસ્તાનના આકાઓને આપીને વોટ્સએપના માધ્યમથી ભારતીય સૈન્યની ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓ આઈ.એસ.આઈ.ને પહોંચાડતો હતો

Top Stories Gujarat Others
dhvaja 2 ગોધરાના ભેજાબાજની જાસૂસીના આરોપમાં ધરપકડથી જબરદસ્ત સન્નાટો..!!

આંધ્રપ્રદેશમાં ભારતીય સૈન્યના નેવીના અધિકારીઓની જાસૂસી પ્રકરણ ની તપાસોમાં આંધ્રપ્રદેશ એ.ટી.એસ.અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા “રાઉન્ડ અપ” કરવામાં આવેલા એ ૭ ચહેરાઓ પૈકી ગોધરાના મહંમદી મોહલ્લા ખાતે રહેતા અંદાઝે ૨૪ વર્ષના યુવાન અલ્તાફહુસેન હારૂન ઘાંચીભાઈ ની જાસૂસીના આરોપ સબબ આજ રોજ સત્તાવાર ધરપકડ કરવામાં આવતા ગીતેલી બંધુઓ બાદ વધુ એક આઈ.એસ.આઈ.ના જાસૂસી ચહેરાનો પર્દાફાશ થતા દેશની ગુપ્તચર એજન્સીઓ પણ ચોંકી જવા પામી છે. એટલા માટે કે દેશની આઝાદી બાદ વિખુટા પડી ગયેલા સ્વજનોની ગોધરા અને પાકિસ્તાન વચ્ચેની આ અવર જવરોની મુલાકાતોમાં પાકિસ્તાની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ. ભારતીય લશ્કરની ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓ એકત્ર કરવાના આ જાસૂસી પ્રકરણમાં ગોધરા ખાતે જાસૂસી નેટવર્ક સ્થાપ્યું હોવાનું હવે ક્રમશઃ જે પ્રમાણે બહાર આવી રહયુ છે આ ખૂબ જ ગંભીર બાબત છે.

આંધ્રપ્રદેશના નેવીના ઓફિસરો પાસેથી ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓ એકત્ર કરીને પડોશી દુશ્મન દેશ પાકિસ્તાનની કુખ્યાત ખુફિયા એજન્સી આઈ.એસ.આઈ.ને પહોંચાડવાના આ જાસૂસી રેકેટમાં વિવિધ બેન્ક ખાતાઓમાં ઓનલાઈન નાણાં જમા કરાવવાના,હનીટ્રેપ અને હવાલા કાંડ મારફતે નાણાં ચૂકવવાના બહાર આવેલા ચોંકાવનારા રહસ્યોની તપાસોનો રેલો ગોધરા સુધી પહોંચતા આંધ્રપ્રદેશ એ.ટી.એસ.ના કાઉન્ટર ટેરેરીઝમ ફોર્સના સત્તાધીશો ગોધરા ખાતે આવી પહોંચ્યા હતા અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલનો સંપર્ક કરવામાં આવ્યા બાદ એસ.ઓ.જી.શાખાના પી.આઈ. એમ.પી.પંડયા એલ.સી.બી.શાખાના પી.આઈ.કે.પી.જાડેજા અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા રવિવારની મધ્યરાત્રીએ “ઓપરેશન આઈ.એસ.આઈ.”ના પર્દાફાશ સાથે ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન કરીને એક મહિલા સમેત ૭ શકમંદ ચહેરાઓને “રાઉન્ડ અપ” કરીને સઘન પૂછપરછો હાથ ધરી હતી. એમાં મોહંમદી મોહલ્લા ખાતે રહેતા અલ્તાફહુસેન હારૂન ઘાંચીભાઈની નેવી ઓફિસરોના જાસૂસી પ્રકરણમાં આજરોજ સત્તાવાર ધરપકડ કરવામાં આવતા ભારે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. ગોધરા એસ.ઓ.જી. શાખાના પી.આઈ.એમ.પી.પંડયાએ આઈ.એસ.આઈ.નો આ જાસૂસી ચહેરા અલ્તાફહુસેન હારૂન ઘાંચીભાઈને ગોધરા અદાલત સમક્ષ હાજર કરીને “ટ્રાન્ઝીટ પરમિશન” સાથે આંધ્રપ્રદેશના કાઉન્ટર ટેરેરીઝમ ફોર્સના સત્તાધીશો ને હવાલે કરતા એ.ટી.એસ. ના અધિકારીઓ અલ્તાફહુસેન ઘાંચીભાઈને લઈને આંધ્રપ્રદેશ જવા રવાના હોવાનું કહેવાય છે.

ભેજાબાજ જાસૂસ અલ્તાફહુસેન વોટ્સએપના માધ્યમથી આઈ.એસ.આઈના આકાઓ સાથે સંપર્કમાં હતા.!!
ભારતીય સૈન્યની ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓને પાકિસ્તાનની ખુફિયા એજન્સીઓને પહોંચાડવા માટે ગોઠવાયેલા જાસૂસી નેટવર્કમાં ગોધરાના ગીતેલી બંધુઓ પૈકી ઈમરાન ગીતેલીની વિશાખાપટ્ટનમમાં જાસૂસી કાંડ અને અનસ ગીતેલીની ઉત્તરપ્રદેશ એ.ટી.એસ.દ્વારા “ઓપરેશન મિલીટ્રી” ઈન્ટેલીજન્સના ગુપ્ત અહેવાલને પગલે ધરપકડ કરવામાં આવી હતી. જયારે આજરોજ આંધ્રપ્રદેશ નેવી ઓફિસરો ની જાસૂસી પ્રકરણની તપાસોમાં ગોધરા ખાતેથી ધરપકડ કરવામાં આવેલ અલ્તાફહુસેન હારૂન ઘાંચીભાઈ ૨૦૧૬માં સંબંધીઓને મળવા માટે પાકિસ્તાન ગયો હતો અને કરાંચી શહેરના ગોધરા કોલોનીમાં ૨૪ દિવસો સુધી રોકાઈને ગોધરા પરત આવ્યા બાદ પ્રથમ નજરે નિર્દોષ દેખાતો આ ચહેરો આઈ.એસ.આઈ.નો જાસૂસ બન્યો હતો. અને ભારતમાંથી ખરીદ કરેલા સીમકાર્ડના નંબરના આધારે વોટ્સએપ ચાલુ કરવા માટે આવેલા ઓ.ટી.પી.નંબર પાકિસ્તાનના આકાઓને આપીને વોટ્સએપના માધ્યમથી ભારતીય સૈન્યની ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓ આઈ.એસ.આઈ.ને પહોંચાડતો હતો. આ અલ્તાફહુસેન ઘાંચીભાઈ પાસેથી સંખ્યાબંધ સીમકાર્ડ, મોબાઈલ અને ઈલેક્ટ્રીક ગેઝેટના પુરાવાઓ કબ્જે કરવામાં આવ્યા હોવાનું એસ.ઓ.જી.શાખાના પી.આઈ. એમ.પી.પંડયાએ જણાવ્યું હતું.