Bangladesh News: બાંગ્લાદેશ(Bangladesh)માં વડાપ્રધાન તારિક રહેમાનની માત્ર 9 મહિના જૂની સરકાર સામે રાજકીય અને આર્થિક પડકારો સતત વધી રહ્યા છે. કપડા ઉદ્યોગના મજૂરો પગાર વધારવાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે, જ્યારે શેખ હસીનાની પ્રતિબંધિત પાર્ટી અવામી લીગે રાજકીય પ્રવૃત્તિઓ તેજ કરી દીધી છે. બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટી જમાત-એ-ઇસ્લામીએ પણ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.
Bangladesh : જમાતનું 21 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આંદોલન

જમાત-એ-ઇસ્લામી(Jamaat-e-Islami)એ 21 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી રેલીઓ અને વિરોધ પ્રદર્શનો કરવાની જાહેરાત કરી છે. જમાતનો આરોપ છે કે સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ રહી છે.
નરાઇલમાં પાંચમા દિવસે હિંસા, 50 ઘર-દુકાનોમાં આગ

બગડતી સ્થિતિ જોતા સરકારે 7 જિલ્લાઓમાં સરહદ સુરક્ષા દળની 97 ટુકડીઓ તૈનાત કરી છે. પોલીસે અનેક ધરપકડો પણ કરી છે. તેમ છતાં નરાઇલ જિલ્લામાં સતત પાંચમા દિવસે હિંસા ચાલુ રહી. શુક્રવારે કાલિયા ઉપજિલ્લાના બેંદર ચાર ગામમાં અવામી લીગના નેતાઓ, પૂર્વ સાંસદો અને સમર્થકોનાં લગભગ 50 ઘરો અને દુકાનોમાં આગ (Fire in shops)લગાવવામાં આવી. હુમલાખોરોએ તોડફોડ કરી ફર્નિચર અને કિંમતી સામાન લૂંટ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે.
અવામી લીગને આતંકી સંગઠન જાહેર કરવાના સંકેત
પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દેશ પરત ફરવાની વાત કહી ચૂક્યાં છે, ત્યારથી તણાવ વધ્યો છે.

તાજેતરની હિંસામાં વડાપ્રધાનની પાર્ટી BNPના બે નેતાઓની હત્યા થઈ હતી. 18 નવેમ્બરે સંસદમાં રહેમાને અવામી લીગને ‘આતંકવાદી જૂથ’ ગણાવી, તેના પુનરાગમન સામે તમામ પક્ષોને એકજૂથ થવા અપીલ કરી હતી. વિદેશ રાજ્યમંત્રી હુમાયૂં કબીરે કાનૂની કાર્યવાહીની વાત કહી છે. આ સંકેતો છે કે અવામી લીગને આતંકવાદી સંગઠન જાહેર કરવાની દિશામાં પગલાં લેવાઈ શકે છે.
નાના સંગઠનો અને વિદ્યાર્થીઓ પણ મેદાનમાં
બાંગ્લાદેશમાં નાના સંગઠનોનો સરકાર સામે આક્રોશ વધી રહ્યો છે. 24 નવેમ્બરે બાંગ્લાદેશ ખિલાફત મજલિસ ઢાકાની બૈતુલ મુકર્રમ મસ્જિદ પાસે પ્રદર્શન કરશે. તો 23 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી વિદ્યાર્થી આંદોલનમાંથી બનેલી NCP દેશભરમાં રેલીઓ કરશે. NCPનો આરોપ છે કે સરકાર જુલાઈ ચાર્ટરના સુધારા લાગુ કરવામાં પીછેહઠ કરે છે.
રહેમાને ભારત પ્રવાસ અંગે હજુ નિર્ણય લીધો નથી. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં તેઓ મલેશિયાના વડાપ્રધાન અને ત્યારબાદ માલદીવના રાષ્ટ્રપતિનું યજમાનપદ સંભાળશે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા: અવામી લીગના 30થી વધુ મકાનો સળગાવ્યા, 200 ઘરોને નિશાન બનાવ્યાનો દાવો
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં રાજકીય સંઘર્ષ ઉગ્ર બન્યો, હસીના સમર્થકોનાં 50 ઘર-દુકાનો સળગાવાયાં
આ પણ વાંચો: હસીનાની વાપસીના એલાનથી બાંગ્લાદેશમાં ભડકો, 28 જિલ્લામાં બોમ્બ ધડાકા; યુનુસના પૈતૃક મકાનને આગ
