Tech News: જો તમે ઓફિસ કે અન્ય કોઈના કમ્પ્યુટર પર WhatsApp Webનો ઉપયોગ કરો છો તો સાવધાન (WhatsApp Web Security Alert) થઈ જજો. તમારી એક નાનકડી બેદરકારીથી તમારી ખાનગી ચેટ્સ, કોન્ટેક્ટ્સ અને ગ્રુપની વાતચીત અન્ય વ્યક્તિના હાથમાં જઈ શકે છે. ગૃહ મંત્રાલય હેઠળની ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)એ WhatsApp Webના સુરક્ષિત ઉપયોગ અંગે ચેતવણી (WhatsApp chat leak) આપી છે. ખાસ કરીને કમ્પ્યુટર પર WhatsApp Webમાંથી લોગઆઉટ કર્યા વિના માત્ર બ્રાઉઝર બંધ કરી દેવાની ભૂલ ભારે પડી શકે છે.
I4Cના નેશનલ સાયબર ક્રાઇમ (I4C cyber security alert) થ્રેટ એનાલિટિક્સ યુનિટ (NCTAU)એ 18 નવેમ્બર, 2026ના રોજ આ અંગે એડવાઇઝરી જાહેર કરી હતી. તેમાં જણાવાયું છે કે કમ્પ્યુટર પર WhatsApp Webનું સક્રિય લોગિન સેશન ખુલ્લું રહી જાય તો અન્ય વ્યક્તિ તેનો દુરુપયોગ કરીને તમારા એકાઉન્ટમાં અનધિકૃત પ્રવેશ મેળવી શકે છે.
WhatsApp Web Security Alert: WhatsApp Webથી કઈ માહિતી લીક થઈ શકે છે?
જો કોઈ વ્યક્તિ તમારા સક્રિય WhatsApp Web સેશન સુધી પહોંચ મેળવી લે, તો તે તમારી ખાનગી ચેટ્સ વાંચી શકે છે, તમારા કોન્ટેક્ટ્સ અને ગ્રુપ ચેટ્સ જોઈ શકે છે. એટલું જ નહીં, તમારા WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરીને અન્ય લોકોને તમારા નામે મેસેજ પણ મોકલી શકે છે.
સાયબર ગુનેગારો તમારા ઓળખીતા બનીને મિત્રો, સંબંધીઓ કે સહકર્મચારીઓ પાસે પૈસા માગી શકે છે. નકલી લિંક અને શંકાસ્પદ મેસેજ મોકલીને લોકોને છેતરવાનો પ્રયાસ પણ કરી શકે છે. મેસેજ તમારા અસલી WhatsApp એકાઉન્ટ પરથી આવતો હોવાથી સામેની વ્યક્તિ તેના પર સરળતાથી વિશ્વાસ કરી શકે છે.
માત્ર બ્રાઉઝર બંધ કરવાથી લોગઆઉટ નહીં થાય
I4Cની ચેતવણીનો સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે WhatsApp Webનો ઉપયોગ કર્યા પછી માત્ર બ્રાઉઝર ટેબ કે વિન્ડો બંધ કરવી પૂરતી નથી. આવું કરવાથી તમારું લોગિન (WhatsApp Web Security Alert) સેશન સક્રિય રહી શકે છે.
એટલે કે, તમે કમ્પ્યુટર બંધ કર્યા વિના અથવા લોગઆઉટ કર્યા વિના ત્યાંથી જતા રહો તો પછીથી એ જ કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર વ્યક્તિ તમારા WhatsApp એકાઉન્ટ સુધી પહોંચી શકે છે. તેથી દરેક વખતે કામ પૂરું થયા બાદ WhatsApp Webમાંથી મેન્યુઅલી લોગઆઉટ કરવું જરૂરી છે.
ઓફિસ, સાયબર કાફે અને હોટેલનાં કમ્પ્યુટર પર વધુ સાવચેતી રાખો
શેર કરેલા ઓફિસ કમ્પ્યુટર, સાયબર કાફે, પબ્લિક કિઓસ્ક, હોટેલ બિઝનેસ સેન્ટર અથવા અન્ય વ્યક્તિના કમ્પ્યુટર પર WhatsApp Webનો ઉપયોગ કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. આવા કમ્પ્યુટરનો ઉપયોગ તમારા પછી કોણ કરશે તેની જાણકારી હોતી નથી.

એજન્સીએ કમ્પ્યુટર પર WhatsApp Web દ્વારા સરકારી, સંગઠનાત્મક, નાણાકીય, ગુપ્ત કે અન્ય સંવેદનશીલ માહિતી શેર ન કરવાની પણ સલાહ આપી છે. જો વિશ્વસનીય કમ્પ્યુટર પર WhatsApp Web વાપરવું જરૂરી હોય તો પ્રાઇવેટ અથવા ઇન્કોગ્નિટો બ્રાઉઝિંગ મોડનો ઉપયોગ કરી શકાય છે. જોકે, કામ પૂરું થયા બાદ મેન્યુઅલી લોગઆઉટ કરવું અનિવાર્ય છે.
ફોનથી ચેક કરો, તમારું WhatsApp ક્યાં-ક્યાં લોગિન છે
તમારા WhatsApp એકાઉન્ટ સાથે કયાં ડિવાઇસ (WhatsApp Web Security Alert) લિંક થયાં છે તે ફોનમાંથી સરળતાથી ચેક કરી શકાય છે.
Android યુઝર્સ: WhatsApp ખોલો, ઉપર જમણી બાજુના ત્રણ ડોટ પર ક્લિક કરો અને ‘Linked Devices’ વિકલ્પ પસંદ કરો.
iPhone યુઝર્સ: WhatsAppની Settingsમાં જઈને ‘Linked Devices’ વિકલ્પ ખોલો.
અહીં તમારા એકાઉન્ટ સાથે જોડાયેલા તમામ ડિવાઇસ અને સેશનની માહિતી જોઈ શકશો. જો કોઈ અજાણ્યું કમ્પ્યુટર કે ડિવાઇસ (WhatsApp linked devices) દેખાય અથવા હવે ઉપયોગમાં ન હોય તો તેના પર ક્લિક કરીને તરત જ લોગઆઉટ કરી દો.
WhatsApp Web વાપરતી વખતે આ ભૂલો ટાળો
I4Cએ સુરક્ષિત ઉપયોગ માટે કેટલીક મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે:
જરૂર હોય ત્યારે જ WhatsApp Webમાં લોગિન કરો અને કામ પૂરું થતાં જ લોગઆઉટ કરો.
અજાણ્યા કે જાહેર કમ્પ્યુટર પર QR કોડ સ્કેન કરીને એકાઉન્ટ લિંક ન કરો.
ફોન, કમ્પ્યુટર, ઓપરેટિંગ સિસ્ટમ અને બ્રાઉઝરને અપડેટ રાખો.
સુરક્ષા સોફ્ટવેરને પણ સમયસર અપડેટ કરો.
અજાણી ફાઇલો, શંકાસ્પદ ડાઉનલોડ્સ અને ક્રેક્ડ સોફ્ટવેરથી દૂર રહો.
સમયાંતરે Linked Devicesની યાદી તપાસતા રહો.
જો તમારા એકાઉન્ટમાંથી એવો કોઈ મેસેજ મોકલાયો હોય જે તમે મોકલ્યો નથી અથવા તમારા સંપર્કો અજાણી વાતચીત અંગે પૂછતા હોય, તો તેને અવગણશો નહીં. તરત જ Linked Devices તપાસો અને અજાણ્યા સેશનમાંથી લોગઆઉટ કરો.
આ પણ વાંચો: ફેક્ટરી નહીં, હજારો સ્ટોર્સ નહીં, છતાં એન્થ્રોપિકનું ₹140 લાખ કરોડનું AI સામ્રાજ્ય
આ પણ વાંચો: Gemini 4 Neon આવ્યું, કોડિંગથી રિસર્ચ સુધી બધું કરશે, ગૂગલના નવા AI મોડલની કિંમત અને ખાસિયતો જાણો
આ પણ વાંચો: પૃથ્વીથી 1 લાઇટ ડે દૂર પહોંચનારું પ્રથમ માનવસર્જિત યાન
