Ahmedabad News : અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થો સામેની કાર્યવાહી દરમિયાન બાપુનગર પોલીસે હેરોઈન (Heroin)ના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની માહિતી અનુસાર, આરોપીઓ પાસેથી કુલ 124.11 ગ્રામ હેરોઈન (Heroin), બે મોબાઇલ ફોન, રોકડ રકમ અને ટુ-વ્હીલર સહિત કુલ ₹25,74,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે હાથ ધરવામાં આવેલી ઝુંબેશના ભાગરૂપે કરવામાં આવી હતી.
બાપુનગરમાં બાતમીના આધારે પોલીસની રેડ
અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના મુજબ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને સપ્લાય ચેન સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત બાપુનગર પોલીસ સ્ટેશનની એનડીપીએસ સ્ક્વોડ અને સર્વેલન્સ ટીમને સક્રિય રહેવા સૂચના આપવામાં આવી હતી.
દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે બાપુનગર વિસ્તારમાં લલ્લુ રત્નાના છાપરા સામે સોનેરિયા બ્લોક નજીક જાહેર રસ્તા પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન બે શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા.
બે આરોપી પાસેથી ₹25.74 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે પકડેલા આરોપીઓની ઓળખ રોહિત શેરસિંહ રાજપૂત (ઉંમર 28 વર્ષ) અને આનંદ સોમાભાઈ પ્રજાપતિ (ઉંમર 37 વર્ષ) તરીકે થઈ છે. બંને અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સોનેરિયા બ્લોક ખાતે રહેતા હોવાનું પોલીસની માહિતીમાં જણાવાયું છે.
પોલીસે તેમની પાસેથી 124.11 ગ્રામ હેરોઈન (Heroin), જેની કિંમત ₹24,82,200 દર્શાવવામાં આવી છે, તે ઉપરાંત બે મોબાઇલ ફોનની કિંમત ₹15,000, રોકડ રકમ અને બર્ગમેન ટુ-વ્હીલર જપ્ત કર્યું છે. તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹25,74,700 હોવાનું જણાવાયું છે.
અન્ય શખસોની શોધખોળ, NDPS એક્ટ હેઠળ ગુનો
આ કેસમાં નાનુ ઉર્ફે ભાવેશ નટવરભાઈ પટણી અને ટીનાબેન પપ્પુભાઈ પટણી સહિત અન્ય સંડોવાયેલા શખસોને પકડવાના બાકી હોવાનું પોલીસની માહિતીમાં જણાવાયું છે. તેમની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બાપુનગર પોલીસ (Bapunagar Police)સ્ટેશનમાં ગુનો નંબર 11191007260498/2026 હેઠળ એનડીપીએસ એક્ટ (NDPS Act)ની કલમ 8(સી) અને 22(બી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની માહિતી અનુસાર, પકડાયેલા બંને આરોપીઓ સામે અગાઉ પણ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. જોકે, આ કેસમાં હેરોઈનનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: પશ્ચિમ કચ્છ SOGનો મોટો સપાટો! રૂ.37 લાખનું 185 ગ્રામ હેરોઈન ઝડપાયું, પંજાબના શખ્સની ધરપકડ
આ પણ વાંચો: પાકિસ્તાનથી હેરોઈન તસ્કરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ સરહદે ઘુસણખોરને ઠાર માર્યો
