A relationship/ લગ્ન કરતા પહેલા તમારા પાર્ટનરને અવશ્ય પૂછો આ પ્રશ્નો, સંબંધનો પાયો બનશે મજબૂત

જો તમે જીવનના છેલ્લા શ્વાસ સુધી સંબંધ નિભાવવા માગતા હો, તો સગાઇ કે લગ્ન કરતા પહેલા સામેવાળા પાત્રને કેટલાક જરુરી પ્રશ્નો તમારે અવશ્ય કરવા જ જોઇએ.

Relationships Trending Lifestyle

Relationship: જયારે કોઇ પણ વ્યક્તિ પ્રેમમાં પડે છે કે પછી ઘરસંસાર વસાવવાનું વિચારે છે, ત્યારે લગ્નની સાથે-સાથે ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ અને પડકારો પર એની નજર ભાગ્યે જ પડે છે. આમ જોઇએ તો, જીવનમાં અથવા તો સંબંધોમાં આવનારી અણધારી મુશ્કેલીઓને રોકવી અસંભવ છે, પરંતુ જો તમે અગાઉથી જ અમુક બાબતોનું ધ્યાન રાખશો તો તમારો સંબંધ તમારા પાર્ટનર સાથે યથાસંભવ મજબૂત રહેશે. જો તમે જીવનના છેલ્લા શ્વાસ સુધી સંબંધ નિભાવવા માગતા હો, તો સગાઇ કે લગ્ન કરતા પહેલા સામેવાળા પાત્રને કેટલાક જરુરી પ્રશ્નો તમારે અવશ્ય કરવા જ જોઇએ.
આ અંગે મેરેજ કાઉન્સેલર અને થેરાપિસ્ટના જણાવ્યાનુસાર, ઘણા બધા લોકો સગાઇ થયા પછી જ આ વિષયોની ચર્ચા કરતા હોય છે. આમ તો આ વાતચીત સગાઇ પહેલા જ કરી લેવી જોઇએ, પરંતુ હવે જો તમે સંબંધમાં આગળ વધી જ ચૂક્યા છો, તો પણ તમારે તમારા ભાવિ જીવનસાથી સાથે આ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવામાં લેશમાત્ર મોડું ન કરવું જોઇએ.
અહીં અમે તમને લગ્ન પહેલા તમારા ભાવિ જીવનસાથીને પૂછવા લાયક કેટલાક આવશ્યક પ્રશ્નો દર્શાવીશું.

1- તમારા નાણાકીય લક્ષ્યાંકો કયા કયા છે અને એેને કઇ રીતે સાધી શકાશે?
સૌથી પ્રાથમિક અને આવશ્યક બાબત છે તમારા પાર્ટનર સાથે પૈસાને લગતી બાબતો અંગે સ્પષ્ટતાથી વાતચીત કરવી. મોટાભાગે, પરિણીત યુગલો વચ્ચે ઉદ્ભવતા તણાવનું એક મોટું કારણ નાણાવિષયક પણ હોઇ શકે છે, એટલે શરુઆતથી જ એમાં ચોકસાઇ રાખવી જોઇએ. લોન, ખર્ચાઓ અને બચત જેવી બાબતો અંગે ખૂલીને ચર્ચા કરી લેવી હિતાવહ છે.

2- શું તમે બાળકો ઇચ્છો છો અને જો ગર્ભધારણ કરવામાં અડચણ આવે તો આપણે શું કરીશું?
ઘણા લોકો લગ્ન પહેલા બાળકો વિશે વાતચીત કરી લે છે પરંતુ, હંમેશાં એવું નથી થતું. જો કે, આ અત્યંત નાજુક વિષય પર તમારે તમારા ભાવિ જીવનસાથી સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી લેવી જોઇએ અને એ નક્કી કરી લેવું જોઇએ કે, તમે બંને બાળકો ઇચ્છો છો કે નહિ? સાથે સાથે એ પણ સ્પષ્ટ કરવું જોઇએ કે, કદાચ પ્રૅગનેન્સીમાં કોઇ સમસ્યા નડે તો સામેવાળા પાત્રનું વલણ શું હશે?
પ્રૅગનેન્સી ધારણ કરવામાં કોઇ સમસ્યા ઊભી થાય, તો એ પતિ-પત્નીના સંબંધો માટે ઘણું ખરાબ પરિણામ પણ લાવી શકે છે. એવામાં તમારે બંનેએ સાથે મળીને એ નક્કી કરવું પડશે કે એવા સંજોગોમાં તમે આઈવીઍફ માટે સહમત હશો કે પછી બાળક દત્તક લેવા માટે? શક્ય છે કે સમય સાથે તમારો મત બદલાઇ પણ જાય, પરંતુ અગાઉથી જ ભાવિ જીવનસાથીનો મત જાણી લેવાથી ભવિષ્યમાં ઘણી મદદ મળી શકે છે.

3- બાળસંભાળ અને પેરન્ટિંગ વિશે તમારી શી અપેક્ષાઓ છે?
શું તમે બંને બાળકની ઇચ્છા ધરાવો છો અને જવાબ જો હા હોય, તો કેટલાં ઇચ્છો છો- એ સવાલનો જવાબ મળ્ચાં બાદ તરત જ એ સવાલ થાચ કે એનો ઉછેર કઇ રીતે કરીશું? જો પતિ-પત્ની બંને કામ કરે તો બાળકની સંભાળ કોણ રાખશે? શું એના માટે સ્ત્રી પાત્રે પોતાની કારકીર્દિ છોડીને ઘરે રહેવું પડશે અથવા તો નહિ, આ અંગે એના ભાવિ પતિનું શું વલણ હશે? બાળઉછેર જેવી સંવેદનશીલ બાબતમાં બંને પાત્રો એકમત હોય એ અતિ આવશ્યક છે.

4- તમારા મતે લગ્નનો શો અર્થ છે?
બધી વ્યક્તિઓ માટે લગ્નનો અર્થ એકસમાન નથી હોતો. કેટલાકના મતે, લગ્ન એ જીવનભરની એક પાર્ટનરશિપ છે, તો કેટલાક લોકો એને એક કાયદાકીય સમજૂતી તરીકે મૂલવે છે. પોતપોતાની અપેક્ષાઓ અંગે ખૂલીને વાતચીત કરવાથી એ નક્કી કરવામાં ચોક્કસપણે મદદ મળે છે કે, તમારો આ સંબંધ બંનેમાંથી કોઇની પણ જરુરિયાતો કે અપેક્ષાઓની કસોટી પર ખરો ઉતરશે કે નહિ!

આમ જોઇએ તો, કોઇ પણ લગ્નમાં છૂટાછેડા થશે કે નહિ એ વાતની કોઇ જ ગૅરેન્ટી હોતી નથી. પરંતુ, જો તમે એક-બીજાની ઇચ્છાઓ અને અપેક્ષાઓને લગ્ન પહેલાથી જ જાણી તથા સમજી લેશો તો તમારા સંબંધમાં ઘર્ષણની સ્થિતિ નહિ આવે અને એને સુદ્રઢ બનાવવામાં પણ તમને મદદ મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક