Relationship #virushka: સંબંધ ભલે ને પતિ-પત્નીનો હોય કે પછી ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડનો, દરેક પ્રકારની રિલેશનશિપમાં પરસ્પર પ્રેમ અને વિશ્વાસની જરુર પડે છે. ઘણી વખત સંબંધોમાં કોઇ વિશેષ અનુભૂતિઓની ગેરહાજરીથી પણ એક સારો અને સ્વસ્થ સંબંધ પણ મુરઝાવા લાગે છે. એવામાં, સંબંધને મજબૂતી બક્ષવાના સતત પ્રયાસો તમારે કર્યા જ કરવા પડે છે.
જો તમે પણ તમારી રિલેશનશિપમાં પ્રેમ અને વિશ્વાસ વધે એવું ઇચ્છો છો તો અહિંયા, અમે તમને એવી 7 ટિપ્સ વિશે જણાવીશું જેનાથી તમને તમારા સંબંધની માવજત કરવામાં ઘણી જ મદદ મળશે. રિલેશનશિપ ઍક્સપર્ટસ્ ના મતે, આ 7 ટિપ્સને જો તમે જીવનમાં અપનાવી લેશો તો, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જેવા આદર્શ યુગલની જેમ તમારો સંબંધ પણ મજબૂત બની જશે. તો આવો જાણીએ, કઇ છે આ ટિપ્સ?
રિલેશનશિપમાં પ્રેમ અને વિશ્વાસ વધારવાની ટિપ્સ
1- ઑરલ અને ફિઝિકલ પરફોર્મન્સ જરુરી
કોઇ પણ યુગલ માટે, એમના સંબંધને ઘનિષ્ઠ બનાવી રાખવા માટેની અત્યંત આવશ્યક બાબત એ છે કે, મૌખિક તથા શારીરિક- એમ બંને પ્રકારે પરસ્પર સંવાદ અને જાતીય સહવાસ થતો રહે. અર્થાત્ તમારે પ્રેમ અને સંભાળની ભાવના કેવળ દર્શાવવાની જ નથી પરંતુ, તમારા સાથી સમક્ષ અભિવ્યક્ત પણ કરતા રહેવાની છે. હૂંફ મળવાથી તમારા સાથીદારના હૈયામાં તમારા માટે પ્રેમ અને વિશ્વાસની ભાવના દિન-પ્રતિદિન સોળે કળાએ ખીલતી રહેશે.
2- નાની-નાની વસ્તુઓનો આનંદ લો
તમારો સાથી, જો તમને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, તો એના દ્વારા કરવામાં આવતી નાનામાં નાની વસ્તુનો તથા પાર્ટનર સાથે વિતાવેલી એક-એક પળનો આનંદ ઉઠાવો. આ ઉપરાંત, એના પ્રયાસોની પ્રેમપૂર્વક પ્રશંસા પણ કરો. આવું કરવાથી તમારો સંબંધ પ્રેમાળ અને પ્રગાઢ બનશે.
3- બદલવાનો નહિ, સ્વીકાર કરવાનો પ્રયાસ કરો
કોઇ પણ સંબંધમાં, સામેની વ્યક્તિને હરહંમેશા બદલવાની મથામણ કર્યા વિના, એ જેવી છે એવા જ સ્વરુપે, એનો સ્વીકાર કરવાનો પ્રયત્ન કરો. આમ કરવાથી એ મોકળાશ અનુભવશે એટલું જ નહિ, પરંતુ તમને વધારે સન્માનની ભાવનાથી જોવા લાગશે.
4- મનની ઇચ્છાઓ અને વાતો સાંભળો
રિલેશનશિપમાં પ્રેમ અને વિશ્વાસની વૃદ્ઘિ માટે પ્રથમ જરુરી ડગલું છે સામેની વ્યક્તિનું મન કળવું! આ માટે તમારે તમારા સાથીની વાતોને શાંતિપૂર્વક, રસ લઇને સાંભળવી જોઇએ, જેનાથી એને તમારી સાથે સુરક્ષિત હોવાનું મહેસૂસ થાય.
5- વાતચીતમાં અંતરાય ન આવવા દો
ક્યારેક, કદાચ તમારા બંનેની વચ્ચે કોઇક બાબત અંગે મતભેદ થાય તો પણ શક્ય એટલો પ્રયત્ન કરો કે, તમારા સંબંધમાં કોમ્યુનિકેશન ગૅપ કદી ન ઉદ્ભવે. કારણ કે, બંને પાત્રો જ્યારે અબોલા લે ત્યારે વાત વધુ વણસી શકે છે.
6- સાથીને સ્વતંત્રતા આપો
ચાહે છોકરો હોય કે છોકરી, આજના યુગમાં તમામ લોકોને આઝાદી જોઇએ છે! એથી જ તમારા સાથીને જરુરી મોકળાશ આપવી અત્યંત આવશ્યક છે. આનાથી પ્રેમ અને વિશ્વાસની ભાવના અતૂટ બને છે.
7- સંબંધોમાં ધૈર્ય સૌથી જરુરી
કોઇ પણ સંબંધ લાંબા સમય સુધી અવિરતપણે ચાલતો રહે એ માટે, ધીરજ રાખવી અત્યંત આવશ્યક છે. તમારા જીવનમાં પ્રેમ, વિશ્વાસ, સન્માન કે રોમાન્સ- ભલે ને ગમે તે વસ્તુની કમી હોય, પરંતુ ધૈર્યપૂર્વક પ્રયત્નો કરતા રહેવાથી સમયાંતરે આ કમીઓને દૂર કરી શકાય છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક
આ પણ વાંચો:
