Valsad News : આજકાલ ઘરે બેઠા દાગીના ચમકાવી આપનારા લોકો ઠેર ઠેર ફરતા હોય છે. પરંતુ આવા ગઠિયા દાગીના ચમકાવી આપવાની લાલ આપી તમારા ઘરે આવેતો ચેતી જજો અને તાત્કાલિક પોલીસને જાણ કરજો. આવા ધુતારા ઉપર વિશ્વાસ કરવો ભારે પડી શકે છે. આવા ઠગબાજો દાગીના ચમકાવવાને બદલે દાગીના પર હાથ ફેરો કરીને ફરાર પણ થઈ શકે છે. આવી જ એક ઘટના વલસાડમાંથી સામે આવી છે. વલસાડ જિલ્લા પોલીસે દાગીના ચમકાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી બે ગેંગોને દબોચી લીધી છે. બનાવની વિગતો જોઈએ તો, વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ભોળવી અને સોનાના દાગીના ચમકાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી એક ગેંગ સક્રિય થઈ હતી. અંતરિયાળ વિસ્તારમાં લોકોના ઘરે જઈ અને ભોળા લોકોને ઘરે બેઠા સોનાના દાગીના ચમકાવી આપવાની લાલચ આપી અને દાગીના ચમકાવવાને બદલે દાગીના પર હાથ ફેરો કરી અને છુમંતર થઈ જતી ગેંગે ઘણા સમયથી તરખાટ મચાવ્યો હતો.
ગણેશ મહોત્સવ દરમિયાન પોલીસની ટીમો વિવિધ ગામોમાં જઈ ગણેશ પંડાલોમાં લોકોને દાગીના ચમકાવી આપતી આવી કોઈ ગેંગના શંકાસ્પદ લોકો ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચનો કર્યા હતા. સાથે જ આ વિસ્તારના ગામડાઓના સરપંચોનો પણ એક ગ્રુપ બનાવી અને તેમના ગામમાં કોઈ આવી ગેંગ ફરતી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું.
પોલીસને છેવાડાના એક ગામમાં આવી ગેંગના બે લોકો ફરતા હોવાની બાતમી મળી હતી. આથી ડુંગરી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને જુદા જુદા બનાવોમાં સોનાના દાગીના ચમકાવી આપતી ગેંગના 4 સાગરીતોને દબોચીને સળિયા પાછળ ધકેલી દીધા હતા.ઝડપાયેલા આરોપીઓ પાસેથી દાગીના ચમકાવવાના વિવિધ કેમિકલ અને અન્ય પદાર્થ અને સામાન પણ મળ્યો હતો. આરોપીઓમાં 1 મોહમ્મદ કલામ, 2 મોહમ્મદ બાબર, 3 નિતેશ ઠાકુર, 4 કલાઉદ્દીન સૈયદ તેમની ધરપકડ બાદ પૂછપરછ કરતા આરોપીઓ બિહારના રહેવાસી હતા.
જેઓ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં છુપાઈને રહેતા હતા. આ ગેંગ મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી. જ્યાં ઘરમાં હાજર એકલ દોકલ મહિલાઓ હોય ત્યાં જઈને તેમને સોનાના દાગીના ચમકાવવા આપવાની લાલચ આપતી હતી. પહેલા પોતાની પાસે રાખેલા આવા ચમકતા દાગીના મહિલાઓને બતાવી અને ત્યારબાદ તેઓ મહિલાઓને ભોળવી અને દાગીના ચમકાવવાની લાલચ આપતા હતા અને મોકો મળે ત્યારે આ દાગીનાઓને યુક્તિપૂર્વક સરકાવી અને છુમંતર થઈ જતા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં સોલર-વિન્ડ એનર્જી પ્રોજેક્ટમાં રૂ. 2,500 કરોડનું રોકાણ અટવાયું
