Not Set/ ભાદરવી પૂનમ : યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, આવો જાણીએ મા આંબાના મશહૂર યાત્રાધામનો વૈભવ …..

ભાદરવી પૂનમને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે…  મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા જગદંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.. બોલ મારી અંબે… જય જય અંબેના નાદ સાથે સમગ્ર અંબાજી મંદિરનું પરિસર ગૂંજી ઉઠ્યું છે. આવો જાણીએ મા અંબાનો અને તેમના આ સ્થાનક નો મહિમા ….. ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ […]

Gujarat Navratri 2022
sri ambaji temple 1412747779 ભાદરવી પૂનમ : યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, આવો જાણીએ મા આંબાના મશહૂર યાત્રાધામનો વૈભવ .....

ભાદરવી પૂનમને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે…  મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા જગદંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.. બોલ મારી અંબે… જય જય અંબેના નાદ સાથે સમગ્ર અંબાજી મંદિરનું પરિસર ગૂંજી ઉઠ્યું છે. આવો જાણીએ મા અંબાનો અને તેમના આ સ્થાનક નો મહિમા …..

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પુનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તાર સરસ્વતી નદીનું  ઉદગમસ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે. અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનું બેનમૂન વર્ષો પુરાણું માન સરોવર આવેલું છે. જ્યાં કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

અંબાજીના મંદિરમાં માતાજીની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું હતું, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઉંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિ ભવ્ય મંદિરના ટ્સ્ટ્રીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે.  અત્યારે મંદિરની ઉપરનો કળશ સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યો છે. મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. ખાસ વાત યાદ રાખવા જેવી એ છે, કે આટલી મોટી સંખ્યામા અહી યાત્રાળુઓ આવે છે પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહી હોય કે માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી, પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભુષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર, બપોર ને સાંજે જાણે કે વાધ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે.  આ માતાજી આગળ વર્ષોથી ધીના બે અખંડ દીવા બળે છે.

માતાજીના દર્શન સવારે અંદરનું બારણુ ઉઘડતાં થાય છે. સવારે અને સાંજે એમ બે વખત કરવામાં આવતી આરતીના સમયે પણ દર્શન થાય છે. વર્ષો પહેલા બ્રાહ્મણો અંદર જઈને માતાજીની પુંજા કરી શકતા હતાં. હાલના સમયમાં માત્ર પુજારીઓ જ અંદર જાય છે. બાકીના વખતે તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે. મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા રૂપાના પતરાં મઢેલા બારણા છે, મંદિરના આગલા ભાગ ઉપર ધાબુ છે અને તેના ઉપર ત્રણ શીખર છે.

અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોકવાળી પણ કહેવામાં આવે છે. આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે. યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે.

ગુજરાત રાજ્યમાં આરાસુરના  અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે. આબુ રોડ સ્ટેશનથી લગભગ બાર ગાઉ પર આરાસુર નામનું ગામ છે.અને આ ગામમાં અંબાજીનું મંદિર છે. આરાસુર ગામમાં મુખ્ય મંદિર, એની આસપાસ ધર્મશાળાઓ, પ્રસાદીની દુકાનો અને મોટે ભાગે જંગલી પહાડી લોકો જેને ભાઉડા કહે છે, તેઓના ઝુંપડા દેખાય છે. યાત્રાળુનું કામકાજ પણ આ ભાઉડા જ કરે છે.

અંબાજીની બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. એક તો અંબાજીના કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી. ધી જ જોઈએ. તેલ ખવાય તો નહિ જ. તેમજ માથામાં પણ ન નખાય પરંતુ ઘી નાખી શકાય. બીજુ એ કે આ માતાજીના સ્થાનમાં સ્ત્રીની પવિત્રતા ખાસ જાળવવી જોઈએ. કોઈ પણ પુરૂષથી કોઈ પણ સ્ત્રીની મશ્કરી ના કરી શકાય. વ્યભિચાર તો દુર રહ્યો પરંતુ જેટલા દિવસ આ ગામની હદમાં રહો તેટલા દિવસ કોઈથી સંગ ન થાય. સ્ત્રી સંગ કરનાર ઉપર માતાજી ગુસ્સે થાય છે અને એને મોટું નુકશાન થાય છે એવી માન્યતા પ્રચલિત છે. આ શ્રદ્ધાને પરિણામે જ યાત્રાળુઓ આ સ્થાનમાં પવિત્રતાથી રહે છે.

અંબાજીમાં વર્ષે બે થી ત્રણ મેળાઓ ભરાય છે અને મેળા વખતે ભવાઇ ભજવવામાં આવે છે. દર ભાદરવી પુનમે અહીં મેળો ભરાય છે અને આ સમયે મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવે છે.

આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણ થીયે જુના કાળનું મનાય છે.  રૂક્મણિએ આ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો,માનસરોવરના કિનારા ઉપરના મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિ.સ. ૧૪૧૫ (ઈ.સ. ૧૩૫૯) નો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્રારમાં એક સ. ૧૬૦૧ નો લેખ છે. તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાની લેખો છે, તે ૧૬મા શતકના છે. એક બીજા સં. ૧૭૭૯ ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ કે. ઈ.સ. ૧૪મા શતકથી તો આરાસરુનાં અંબાજીની માન્યતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાના બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમા ચાલુ હોવાનો સંભવ છે. કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીયા કરીને એક ગામ છે. આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ પહાણનાં જૈન દેરાસરો છે. આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે ૩૬૦ દેરાસરો બંધાવ્યા, પણ માતાજીએ પૂછ્યું કે, આ દહેરા કોના પ્રતાપથી પ્રતાપી? ત્યારે વિમળશાહે જવાબ આપ્યો કે ગુરૂના પ્રતાપથી. આ જવાબથી ગુસ્સે થઈને માતાજીએ દેરા બાળી નાંખ્યા અને માત્ર પાંચ રહેવા દીધા.

દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા, એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહી. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું દેવોએ તેમ કરતાં આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયા.

બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી રામે રાવણનો નાશ કર્યો.

દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધી માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઇને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.