Bharuch Dayadra School Viral Video: શિક્ષણના ધામ ગણાતી શાળામાં જ્યારે માસૂમ બાળકોના હાથમાં પેન અને પુસ્તકના બદલે તગારા અને પાવડા જોવા મળે ત્યારે ગંભીર સવાલો ઊભા થાય છે. ભરૂચ જિલ્લાના દયાદરા ગામની પ્રાથમિક શાળામાંથી આવો જ એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં નાના બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
Bharuch : શું છે સમગ્ર ઘટના?
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો મુજબ, દયાદરા ગામની પ્રાથમિક શાળામાં ભણતા નાના ભૂલકાઓ પાસે શાળા પરિસરમાં જ સિમેન્ટ અને કોંક્રિટનો માલ બનાવડાવવામાં આવી રહ્યો છે. વિડીયોમાં બાળકો કાળઝાળ મહેનત કરતા અને બાંધકામની મજૂરી કરતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. એક જાગૃત નાગરિકે આ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી.

શિક્ષકોનો લૂલો બચાવ
આ ઘટના સામે આવ્યા બાદ જ્યારે જાગૃત નાગરિકે રજૂઆત કરી, ત્યારે જવાબદાર શિક્ષકો પોતાની ભૂલ સ્વીકારવાને બદલે બચાવ કરતા જોવા મળ્યા હતા. શિક્ષણના હક્કોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવા છતાં શિક્ષકની આવી બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બાળકોની સુરક્ષા અને શિક્ષણના હક્કો પર સવાલ
ભરૂચ જિલ્લામાં આ વીડિયો વાયરલ થતા જ બાળમજૂરી વિરોધી કાયદા અને શિક્ષણના અધિકાર (RTE) ના અમલીકરણ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે શું બાળકો શાળામાં ભણવા આવે છે કે મજૂરી કરવા? જો આ કામ દરમિયાન કોઈ બાળકને ઈજા પહોંચે તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે. અત્યારે સમગ્ર જિલ્લામાં એ વાત પર જોર અપાઈ રહ્યું છે કે શું શિક્ષણ વિભાગ આવા બેજવાબદાર શિક્ષકો સામે કોઈ કડક પગલાં ભરશે કે નહીં.
આ પણ વાંચો: સુરતમાં બાળકોની બહાદુરી, પોલીસે કર્યો બાળમજૂરી રેકેટનો પર્દાફાશ
આ પણ વાંચો:સુરતમાં સાવકા પિતાએ નજર બગાડી, પુત્રી પર બળાત્કાર ગુજારતા નોંધાઈ ફરિયાદ
આ પણ વાંચો:સુરતમાં તાપી નદીને પ્રદૂષિત કરાયાની ઉઠી ફરિયાદો! કોર્પોરેટરે તપાસનાં આદેશ આપ્યાં
