Bhavnagar News: ભાવનગર શહેરમાં અશાંત ધારા (Ashant Dhara)ના અમલ અને સ્થાનિકોની સુરક્ષા સંબંધિત મુદ્દાઓને લઈને હિન્દુ સંગઠનો અને સ્થાનિક રહેવાસીઓએ વિશાળ રેલી યોજી હતી. ટાઉનહોલથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
રજૂઆત દરમિયાન ગીતા ચોક અને કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા કેટલાક રહેવાસીઓએ આક્ષેપ કર્યો કે તેઓ લાંબા સમયથી વિવિધ પ્રકારની હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. કેટલાક રહેવાસીઓએ દાવો કર્યો કે તેમના રહેણાંક વિસ્તારની આસપાસ માંસના ટુકડા અને ઈંડાના છોતરાં નાખવાની ઘટનાઓ બને છે, તેમજ કેટલાક અજાણ્યા લોકો મકાન વેચવા માટે દબાણ કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા.
Ashant Dhara: સ્થાનિકોની હેરાનગતિ રોકવા તંત્ર પગલાં ભરે
રહેવાસીઓએ વધુમાં વિસ્તારમાં લાઉડસ્પીકરના અવાજ, ટ્રાફિક અને અન્ય પ્રવૃત્તિઓને કારણે અસુરક્ષાની લાગણી ઉભી થતી હોવાની રજૂઆત કરી હતી. તેમણે આ મુદ્દાઓની નિષ્પક્ષ તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પૂર્વ મેયર રીના શાહ અને પૂર્વ કોર્પોરેટર કિશોરભાઈ ભટ્ટે પણ અશાંત ધારા (Ashant Dhara)નો કડક અમલ કરવાની માંગ કરી હતી. તેમણે શંકાસ્પદ મિલકત સંબંધિત ફાઇલોની સમીક્ષા, ગીતા ચોક અને બોરડીગેટ વિસ્તારમાં પોલીસ ચોકી સ્થાપવા તેમજ પોલીસ પેટ્રોલિંગ વધારવાની રજૂઆત કરી હતી.
હિન્દુ સમાજના આગેવાન અશોક ગોહિલે અગાઉ ચર્ચામાં આવેલા એક લાંચ પ્રકરણની તપાસની સ્થિતિ જાહેર કરવાની પણ માંગ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે જો રજૂ કરાયેલા મુદ્દાઓ પર સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
જિલ્લા કલેક્ટર અને પોલીસ તંત્રે આવેદનપત્ર સ્વીકારી રજૂઆતમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની તપાસ કરીને કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું સંગઠનોએ જણાવ્યું છે.
આ પણ વાંચો:ખાનપુરના ‘બાગબાન’ પ્રોજેક્ટ પર હાઈકોર્ટની રોક, અશાંત ધારામાં ગેરરીતિનો આક્ષેપ
આ પણ વાંચો:અમદાવાદમાં અશાંતધારા કાયદાના ભંગ વચ્ચે મુસ્તુફા માણેકચંદના ગેરકાયદે બંગલાને તોડી પાડવામાં આવ્યો
આ પણ વાંચો:અમદાવાદમાં અશાંતિધારા ભંગની ફરિયાદ નોંધાઈ
