Bhuj Food Department Raid: કચ્છના ભુજમાં પાણીપુરી ખાવી અનેક લોકો માટે જોખમી સાબિત થઈ છે. લોડાઈ ગામમાં પાણીપુરી ખાધા બાદ 100 જેટલા લોકોને ફૂડ પોઇઝનિંગ થવાની ગંભીર ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. ખોરાક અને ઔષધ નિયામક તંત્ર દ્વારા ભુજ, માધાપર અને કુકમામાં સઘન ચેકિંગ હાથ ધરીને આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.
Bhuj : લોડાઈની ઘટનાએ તંત્રને દોડતું કર્યું
થોડા દિવસો પહેલા લોડાઈ ગામમાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં પાણીપુરી ખાધા બાદ આશરે 100 જેટલા લોકોને અચાનક ઊલટી, ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદ ઉઠી હતી. આ તમામ લોકોને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવા પડ્યા હતા. જોકે, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આ ઘટના બાદ ફૂડ વિભાગે આખા જિલ્લામાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

માધાપર અને કુકમામાં 55 કિલો ખાદ્યપદાર્થનો નાશ
જિલ્લા ફૂડ અધિકારી એ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમે કુકમા અને માધાપર વિસ્તારમાં કુલ 21 જેટલા ખાદ્ય એકમોની ઓચિંતી તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન અંદાજે 55 કિલો જેટલું પાણીપુરીનું પાણી, દાબેલીનો મસાલો, ચટણી અને હાનિકારક કલરવાળા શંકાસ્પદ પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શંકાસ્પદ જણાતા 9 જેટલા નમૂનાઓ લેબ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે અને વેપારીઓને સ્વચ્છતા જાળવવા તેમજ હલકી ગુણવત્તાના મસાલા ન વાપરવા બાબતે કડક તાકીદ કરવામાં આવી છે.
ઉનાળાની શરૂઆતમાં જ ફૂડ વિભાગ એક્શનમાં
ગરમીની શરૂઆત થતા જ ફૂડ પોઇઝનિંગ અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધી જાય છે. ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ નાસ્તાની લારીઓ અને હોટલો પર આવી ઓચિંતી તપાસ ચાલુ રહેશે. જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈ પણ વેપારીને છોડવામાં આવશે નહીં તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો:ભુજ LCBનો કમાલ, માત્ર 8 દિવસમાં 52 લાખની ઠગાઈની રકમ પરત
આ પણ વાંચો:ભુજની હોટલમાંથી કાશ્મીરી યુવાનોની અટક કરાઈ
આ પણ વાંચો:ભુજમાં મીઠાઈના વેપારીને ભેળસેળના આરોપમાં 6 મહિનાની જેલ અને 1લાખનો દંડ
