ગણતરીની કલાકોમાં રાજ્યભરમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા શરૂ થશે ત્યારે “મંતવ્ય ન્યૂઝ” તમામ પરીક્ષાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અને પરીક્ષા માં ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે શુભેચ્છા પાઠવે છે. આજે રાજ્યના 32 જિલ્લામાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે સેન્ટર ગોઠવવામાં આવ્યા છે. રાજ્યના 32 જિલ્લાના 3,243 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજ્યભરમાંથી પરીક્ષા માટે 10 લાખ 45 હજાર ઉમેદવારો નોંધાયા છે. સચિવાલયના વિવિધ વહીવટી વિભાગો હેઠળના ખાતાના વડાઓની કચેરી, બોર્ડ નિગમ અને સચિવાલય હસ્તકની બિનસચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ -૩ સંવર્ગની સીધી ભરતી માટેની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા આજે 24 એપ્રિલ 2022 રવિવારના રોજ બપોરે 11.00 થી 1.00 કલાક દરમિયાન લેવાનાર છે. છેલ્લા 3 વર્ષમાં 3 વાર પરીક્ષા રદ્દ કરાયેલી પરીક્ષા આજે લેવાનાર છે, ત્યારે સૌની નજર આ પરીક્ષા પર છે.
છેલ્લા કેટલાક સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટતા રહે છે અને ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં થતાં રહે છે ત્યારે આ વખતે પેપર ફરી રદ ન થાય કે ફૂટે નહીં તે માટે આગેતરું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે કોઈપણ પ્રકારનો ફિયાસ્કો ન થાય તે માટે પહેલીવાર જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે એક ખાસ એપ્લિકેશન તૈયાર કરી છે. જેનાથી પેપરની મુવમેન્ટ પર નજર રહેશે. પહેલીવાર જ ભરતી પરીક્ષામાં એપ્લિકેશનથી પેપરનું ટ્રેકિંગ કરાશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી મોનીટરીંગ કરાશે. પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ સાથે પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં ફોટો કોપીની દુકાન ખુલ્લી હશે તો પોલીસ ગુનો નોંધશે સ્ટ્રોંગ રૂમમાં શનિવારે સાંજે પ્રશ્ન પેપર પહોંચી ચૂક્યા છે. પહેલા જે વિસ્તાર પ્રમાણે સ્ટ્રોંગરૂમ રાખવામાં આવતા તેના બદલે હવે શહેર પ્રમાણે એક જ સ્ટ્રોંગ રૂમ રખાયો છે. પહેલીવાર પરીક્ષા કેન્દ્ર પર દરેક ઉમેદવારનું મેટલ ડિટેક્ટર તેમજ ફિઝિકલ એમ બે વખત ચેકિંગ થશે. ઉલ્લેખનીય છે કે પંદર દિવસ પહેલા લેવાયેલી એલઆરડી પરીક્ષા પણ સુરક્ષા ખૂબ કડક હતી. પરીક્ષાર્થીઓને પાણી પીવા માટે ઊભા થવા દેવાયા નહોતા.
ઉમેદવારોની પીડા
ઉમેદવારોએ કહ્યું કે લાંબા સમયથી તૈયારીઓ કરીએ છે, માનસિક પરિસ્થિતિ પર તેની નકારાત્મક અસર થઈ રહી છે. પરિવારમાં બધાને આશા હોય છે કે તૈયારી કરી રહ્યા છે, તો નોકરી મળશે પરંતુ પેપર ફૂટે છે એટલે નોકરીની માત્ર જાહેરાત બાદ તમામ પ્રક્રિયા અટકી પડે છે. અમે અમારા ગામડાઓ છોડી શહેરમાં રહીને સરકારી ભરતી માટે પ્રયાસો કરીએ છીએ. લાયબ્રેરીમાં વાંચવા આવીએ, શહેરોમાં રહીને અભ્યાસ કરીએ છીએ, શહેરોમાં પીજી તરીકે રહેવું પડે છે. દર મહિને અમારો 20,000 રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. આ ખર્ચ અમારે અને પરિવારે લાંબા સમયથી ભોગવવો પડ્યો છે. આખરે પરિવાર પણ અમને સરકારી નોકરીઓની તૈયારી છોડી કોઈપણ નોકરી કરવાની ફરજ પાડે છે. વર્ષોથી તૈયારી કરીએ પણ ભરતી પ્રક્રિયા જુદા જુદા કારણોસર પૂરી થતી નથી એટલે સમય વીતતો જાય છે પણ પરિવારના સ્વપ્ન પૂરા થતા જ નથી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 વર્ષમાં 3 વાર પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે. પહેલીવાર પેપર ફૂટવાને કારણે પરીક્ષા રદ્દ કરાઈ હતી. ત્યાર બાદ પરીક્ષા અંગે લાયકાતમાં ફેરબદલ કરવાના નિર્ણયને લઈ વિરોધ થતા પરીક્ષા રદ્દ થઈ હતી. ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ બદલાતા પરીક્ષા મોકૂફ રહી હતી. લાંબા સમયથી પરીક્ષાનો ઇંતેજાર કરી રહેલા વિદ્યાર્થીઓએ આ વખતે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા યોજાય એવી આશા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : PM મોદી આજે ‘મન કી બાત’ના 88મા એપિસોડને સંબોધિત કરશે

