Ahmedabad News: ઈન્દોર-અમદાવાદ હાઇવે પર ગોધરા નજીક નંદાપુરા પાટિયા પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત (Godhra Accident)ની ઘટના સામે આવી છે. પુરઝડપે પસાર થઈ રહેલા ટ્રેલરે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર બે ભાઈમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ મૃતકનો મૃતદેહ ટ્રેલરના ટાયર નીચે ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી.
મધ્યપ્રદેશથી મજૂરી કામ માટે આવી રહ્યા હતા બંને ભાઈ
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રાજગઢ તાલુકાના અમજર ગામના રહેવાસી અર્જુન જુવાનસિંહ માવી (40) અને તેમના ભાઈ રામુ માવી બાઈક પર સવાર થઈને ગુજરાત તરફ આવી રહ્યા હતા. બંને ભાઈઓ કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલી ભારત સિલીકોન કંપનીમાં મજૂરી કામ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ ઈન્દોર-અમદાવાદ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા.
નંદાપુરા પાટિયા પાસે ટ્રેલરે બાઈકને મારી ટક્કર
બંને ભાઈઓ નંદાપુરા પાટિયા નજીક પહોંચ્યા ત્યારે હાઇવે પરથી પસાર થઈ રહેલા એક ટ્રેલરે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે અર્જુન માવીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત (Godhra Accident) બાદ તેમનો મૃતદેહ અને બાઈક ટ્રેલરના પૈડાં નીચે ફસાઈ ગયા હતા. મૃતદેહને બહાર કાઢવા માટે ઘટનાસ્થળે ક્રેન બોલાવવાની ફરજ પડી હતી.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભાઈને હોસ્પિટલ ખસેડાયો
અકસ્માત (Godhra Accident)ની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત રામુ માવીને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રામુ માવીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે અને તેમને તબીબી સારવાર આપવામાં આવી રહી છે.
પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
અકસ્માતની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતક અર્જુન માવીના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. આ મામલે પોલીસે અકસ્માત (Godhra Accident) અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને ટ્રેલરની ઝડપ સહિતના મુદ્દાઓ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ ગમખ્વાર અકસ્માત (Godhra Accident)ને કારણે હાઇવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મજૂરી કામ માટે ગુજરાત આવી રહેલા બે ભાઈઓમાંથી એકનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
આ પણ વાંચો:અમદાવાદમાં AMC ડમ્પરની અડફેટે સગીરનું મોત: ટ્યુશન જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત
