Morbi News: રાજકારણમાં અસંતોષ અને અસંતુષ્ટ એવા પરિબળો છે જે હંમેશા રાજકારણને સતત ઉકળતું જ રાખે છે. તેને ઠંડુ પડવા દેતા નથી. શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય એક હોદ્દા પર કોઈ નીમાય એટલે કે તેના બીજા દાવેદારોમાં અસંતોષ આપમેળે આવવાનો જ. આવું જ સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લા પ્રમુખપદે જયંતિ રાજકોટીયાના નિમણૂક થયા પછી થયું છે.
અત્યાર સુધી જેમની સુધ પણ લેવાતી ન હતી તે જયંતિ રાજકોટીયા પ્રમુખ બન્યા પછી જાણે તેમનો શનિ વક્રી થઈ ગયો લાગે છે. તેમની પાછળ પક્ષના જ નેતાઓનું અંદરનું જૂથ હાથ ધોઈને પડી ગયું હોવાનું ભાજપના સ્થાનિક વર્તુળો નામ ન આપવાની શરતે જણાવી રહ્યુ છે. તેના કારણે સ્થિતિ એવી આવી રહી છે કે દિવસ વીતે ત્યાં જયંતિને લગતા કોઈને કોઈ વિવાદ સામે આવી રહ્યા છે જે અત્યાર સુધી હતા જ નહી. તેમની છબી એકદમ સ્પષ્ટ અને સાફ વ્યક્તિની હતી. હવે તેની સામે અનેક વિવાદો બહાર આવી રહ્યા છે.
જયંતિ રાજકોટીયાના વિરોધીઓનું કાવતરું
તેની પાછળ તેમનું આરએસએસનું બેકગ્રાઉન્ડ હોવાનું મંતવ્ય પણ ઘણા રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આમ પણ ભાજપમાં જ્યારે પણ આરએસએસનું બેકગ્રાઉન્ડ ધરાવતા આગેવાનની નિમણૂક થાય છે ત્યારે પક્ષની અંદર જ જૂથવાદ સર્જાય છે, તેની કિંમત કદાચ જયંતિભાઈએ ચૂકવવી પડી રહી છે. તે હોદ્દા પર નીમાયા ત્યારથી જ તેમને હટાવવાની ઝુંબેશ જાણે વેગવંતી બની છે. હજી તો તે પ્રમુખપદે નીમાયા ત્યાં માંડ થોડો સમયે થયો ત્યાં જ એક મહિલાનો તેમના ઘર આગળ ઉઘરાણી કરતો વિડીયો વાઇરલ થયો હતો. આ વિડીયો પક્ષના અસંતુષ્ટ જૂથ દ્વારા વાઇરલ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ બધાના કારણે હાલમાં ચાલતી ઠંડીમાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
આ વિવાદ ઓછો પડતો હોય તેમ શાસક પક્ષ ભાજપના મોરબી જિલ્લાના ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટીયાની પુત્રવધુ હાર્દિકાબેને મંગળવારે મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પાંચ જણા પર ઝપાઝપી કરી, ગાળાગાળી કરી અને ખતમ કરી નાખવાની ધમકી આપવાનો આરોપ મૂક્યો છે. આ બતાવે છે કે હવે તેમને હટાવવા માટે મરણિયા બનેલા વિરોધીઓ છેક તેમના ઘર સુધી પહોંચી ગયા છે. તેઓએ નક્કી કરી લીધું લાગે છે કે કોઈપણ રીતે જયંતિભાઈનો કેડો નહીં મૂકવો.
આ આરોપીઓએ હાર્દિકાબહેને તેમની સામે અગાઉ કરેલી અરજી પાછી ખેંચવાનું દબાણ કર્યુ હોવાનું પણતેમણે જણાવ્યું છે. આ આરોપીઓમાં બે મહિલા શોભનાબેન રમશભાઈ જાકાસણિયા, ચાંદનીબેન હિરેનભાઈ અંગોલા, ત્રણ પુરુષો રમેશભાઈ કરસનભાઈ જાકાસણીયા સહિત બીજી બે અજ્ઞાત વ્યક્તિનો સમાવેશ થાય છે.
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જ્યંતિભાઈ રાજકોટીયાના પુત્ર ધ્રુમિતભાઈની પત્ની હાર્દિકાબેનની પરિયાદ મુજબ આ પાંચેય વ્યક્તિઓ કેનાલ રોડ પરના ફ્લોરા-943 વિંગ-એ (નિર્મલ સ્કૂલ પાસે) હાર્દિકાબેનના ફ્લેટના પાર્કિંગમાં પહોંચી ગઈ હતી. તેમણે ત્યાં હાર્દિકાબેનને ધમકાવતાં કહ્યું કે, “અગાઉ તેં પોલીસમાં જે અરજી કરી છે એ તાબડતોબ પાછી ખેંચી લે, નહીં તો પરિણામ ભોગવવું પડશે.” આ દરમિયાન આરોપીઓએ હાર્દિકાબેન સાથે ઝપાઝપી કરી, ગાળો આપી અને જીવે મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.આ ફરિયાદના આધારે મોરબી એ-ડિવિઝન પોલીસે IPCની કલમ 506 (ફોજદારી ધમકી), 354 (મહિલાના સન્માન પર હુમલો), 323, 504, 114 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. તપાસ PSI જે.સી. ગોહિલને સોંપવામાં આવી છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.
સામાન્ય રીતે શાસક પક્ષના નેતાઓની સામે ફરિયાદ આવતી હોય છે, હવે શાસક પક્ષના નેતાએ જ અને તેમા પણ જિલ્લા પ્રમુખની પુત્રવધુએ આ પ્રકારની ફરિયાદ નોંધાવતા પોલીસ પણ માથુ ખંજવાળવા મંડી પડી છે. તેને લાગ્યું છે કે આ તો જાણે અવળી ગંગા વહી રહી છે. પણ પોલીસ ફરિયાદ થાય એટલે કે કાર્યવાહી કર્યા વગર તો છૂટકો નથી. તેથી પોલીસ આ કેસમાં રાજકીય કાવાદાવાથી લઈને ધંધાકીયથી લઈને કૌટુંબિક પરિબળો, કોઈ અદાવત કે બદલાના એન્ગલથી આ કેસની તપાસ કરવાનો પ્રારંભ કર્યો છે. પહેલાં તો પાર્કિંગમાં આવીને ધમકી આપી હોવાથી પોલીસે મકાનના પાર્કિંગ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ મંગાવ્યા છે. તેની સાથે આરોપીઓનો ક્રિમિનલ રેકોર્ડ છે કે નહીં તેની ચકાસણી પણ શરૂ કરી છે. સામાન્ય સંજોગોમાં તો શાસક પક્ષ પોલીસ ફરિયાદ કરવાનું ટાળતો હોય છે, પરંતુ અહીં તો શાસક પક્ષના આગેવાનના ઘરેથી જ ફરિયાદ નોંધાવાઈ છે. તેથી વાત ગંભીર બની ગઈ છે.
આ વાત ફક્ત કાયદાકીય વર્તુળો પૂરતી જ સીમિત રહી નથી. હાર્દિકા બહેનની ફરિયાદ આખા મોરબીમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. આખા મોરબીમાં ચર્ચા થઈ રહી છે કે ભાજપના જિલ્લા પ્રમુખની પુત્રવધુને ધમકાવવામાં આવી. લોકો ચોરેને ચૌટે આ વાતની ચર્ચા કરી રહ્યા છે. જયંતિભાઈ રાજકોટીયા ભાજપના જિલ્લા પ્રમુખ બન્યા ત્યારથી જ તેમની સામે અનેક વિવાદો ઊભા થઈ રહ્યા છે. તેમની સામે વિવાદોની જાણે એક સીરીઝ શરૂ થઈ ગઈ છેહવે તેમની પુત્રવધુને ધમકાવવામાં આવી છે.
આ પ્રકારના ઘટનાક્રમના કારણે શાસક પક્ષના આંતરિક વર્તુળોમાં જ ચર્ચા ચાલી રહી છે જયંતિને મોરબી જિલ્લાના પ્રમુખપદેથી હટાવવા માટે કેટલાય પ્રકારના રાજકીય કાવાદાવા થઈ રહ્યા છે. પક્ષના જ કેટલાક નેતાઓ આયોજિત રીતે આ કાવતરું ઘડી રહ્યા છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે જયંતિભાઈ આરએસએસની પૃષ્ઠભૂમિ ધરાવતા હોવાથી પક્ષના કેટલાક જૂના નેતાઓમાંતેમની સામે નારાજગી છે.
આ બંને ઘટનાઓને કારણે પક્ષની અંદર જ ચર્ચા ચાલી રહી છે કે જયંતીને પ્રમુખપદેથી હટાવવા માટે કેટલાક નેતાઓ આયોજિત રીતે કાવતરું ઘડી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ કાર્યકર્તાએ નામ ન આપવાની શરતે કહ્યું, “જયંતીભાઈની જાહેરાત થઈ તે દિવસથી જ તેમની સામે ષડયંત્રો ચાલી રહ્યા છે. ગાંધીનગરમાંથી હજુ સુધી જિલ્લા ટીમની જાહેરાત ન થાય તેની પાછળ પણ આ જ લોબી કામ કરી રહી છે.”હવે દરેકની નજર ગાંધીનગર પર છે કે આ નવી ઘટના બાદ પક્ષનું ઉચ્ચ નેતૃત્વ કોઈ પગલું લેશે કે ફરી એકવાર મૌન રહેશે તે જોવાનું છે.
આગામી દિવસોમાં મોરબીમાં બનેલું આ પ્રકરણ કયા પ્રકારનો રાજકીય રંગ પકડે છે તે જોવાનું છે. આમ સૌરાષ્ટ્રમાં કૌશિક વેકરિયાના પત્રકાંડ પછી હવે મોરબીમાં ભાજપ જિલ્લા પ્રમુખની પુત્રવધુને ધમકાવવાનો એક નવો જ કાંડ પ્રકાશમાં આવ્યો છે. આ જોતાં જોવાનું છે કે આગામી દિવસોમાં મોરબી બાજપમાં જયંતિ રાજકોટીયાનો જય બોલાય છે કે પછી તેમના હરીફોનો વિજય થાય છે.
આ પણ વાંચો:મોરબીમાં શિક્ષક સંઘના ભૂતપૂર્વ પ્રમુખને દુષ્કર્મ કેસમાં 10 વર્ષની કડક સજા ફટકારાઇ
આ પણ વાંચો:મોરબીમાં સડેલા અનાજનો જાહેરમાં નિકાલ, જનઆરોગ્યને લઈને ગંભીર સવાલ
