Gandhinagar News: ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી માટેનું સત્તાવાર શિડ્યુલ જાહેર કરી દીધું છે. આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ગુજરાત ભાજપના 30 જેટલા દિગ્ગજ નેતાઓ દિલ્હી જશે. 20 જાન્યુઆરીએ ભાજપને નવા રાષ્ટ્રીય સારથિ મળશે, જે પક્ષના આગામી મિશનનું નેતૃત્વ કરશે.
શું છે ચૂંટણીનું આખું શિડ્યુલ?
BJP ના રાષ્ટ્રીય રિટર્નિંગ ઓફિસર કે. લક્ષ્મણ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ:
19 જાન્યુઆરી (બપોરે 2 થી 4): ઉમેદવારી ફોર્મ નોંધાવવાની પ્રક્રિયા.
19 જાન્યુઆરી (સાંજે 5 થી 6): ફોર્મ પાછું ખેંચવાની અને ચકાસણીની પ્રક્રિયા.
20 જાન્યુઆરી: નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત.
ગુજરાતમાંથી કયા નેતાઓ જશે દિલ્હી?
રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં ગુજરાત BJPનું વર્ચસ્વ જોવા મળશે. રાજ્યમાંથી મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ ઉપરાંત નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને દિલીપ સંઘાણી જેવા સિનિયર નેતાઓ સહિત કુલ 30 પ્રતિનિધિઓ દિલ્હી જઈને આ પ્રક્રિયામાં સહભાગી થશે.

નીતિન નબીન બની શકે છે નવા અધ્યક્ષ
હાલમાં પક્ષના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિહારના નીતિન નબીન જવાબદારી સંભાળી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં એવી પ્રબળ સંભાવના છે કે નીતિન નબીન નિર્વિરોધ રીતે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવશે. અત્યાર સુધી કોઈ અન્ય મોટા નેતાએ ચૂંટણી લડવાની ઈચ્છા જાહેર ન કરી હોવાથી તેમની વરણી લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો: બિહાર સરકારની મંત્રી નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
આ પણ વાંચો: ભાજપમાં નબીન પ્રયોગ પછી સંગઠનમાં થશે તળિયાઝાટક ફેરફાર
આ પણ વાંચો: ભાજપનું નવું એક આશ્ચર્ય, પાંચ વખતના વિધાનસભ્ય અને મંત્રી કોણ છે, નવા કાર્યકારી વડા નીતિન નબીન
