Surendranagar News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વાગી રહી છે ત્યારે રાજકીય પક્ષોએ ખાંડા ખખડાવી લીધા છે. ચૂંટણીના કારણે દરેક રાજકીય પક્ષમાં ટિકિટ ન મળતા તેના દાવેદારો અને સમર્થકોમાં અસંતોષ તીવ્ર બન્યો છે. આ અસંતોષમાંથી વિપક્ષ તો ઠીક શાસક પક્ષ પણ બાકી નથી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાલિકાની ચૂંટણી ટિકિટ વહેંચણીથી નારાજ ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પક્ષને રામરામ કર્યા હતા. તેઓ ભાજપમાંથી વિદાય લઈને કોંગ્રેસમાં જોડાયા હતા.
ભાજપના આગેવાન જાદવજી મકવાણા (Gujarat Local Body Election 2026) સહિતના 100થી પણ વધુ કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને તે કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને ભાજપમાંથી વિદાય લીધી હતી. આના કારણે લીંબડીમાં યોજાનારી આગામી ચૂંટણીમાં ભાજપને ફટકો પડે તેમ માનવામાં આવે છે. ટિકિટ વહેંચણીમાં અસંતોષના પગલે આ સ્થિતિ જોવા મળી રહી હોવાનું માનવામાં આવે છે. સામાન્ય રીતે ભાજપ શિસ્તબદ્ધ પક્ષ છે, પરંતુ આ શિસ્તબદ્ધતાના અંચળા હેઠળ ઘણા સ્થળે કાર્યકરોના અવાજને જે રીતે દબાવી દેવામાં આવે છે તે હવે પક્ષના કાર્યકરોથી સહન થતું લાગતું નથી.
તેના કારણે હવે કાર્યકરો પણ કંટાળીને પક્ષને છોડી રહ્યા છે. કાર્યકરોને એક જ ફરિયાદ છે કે ઉમેદવારોની પસંદગીમાં તેમનો અવાજ નથી. તેમના માથે ઉમેદવારો મારવામાં આવી રહ્યા છે. ઉમેદવારોને પસંદ કરવા માટે પક્ષે રાબેતા મુજબ સેન્સ લેવાની પ્રક્રિયા તો કરી, પરંતુ આ લીધેલી સેન્સ મુજબ ઉમેદવારો પસંદ કર્યા નથી. તેના કારણે જાણે ઉમેદવારોની પસંદગીમાં સ્થાનિક કાર્યકરો અને આગેવાનોનો એકડો જ નીકળી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
પક્ષની અંદર જાણે નીચલા સ્તરેથી લોકશાહી અભિગમ જોવા મળતો હતો અને કાર્યકરોની વાતને સાંભળવામાં આવતી હતી તે વાત અને પ્રવૃત્તિનું જ જાણે બાષ્પીભવન થઈ ગયું છે. આજે ભાજપ જે સ્થિતિએ છે તે પક્ષના કાર્યકરોની મહેનતના લીધે છે. હવે તેનો જ અવાજ સંભળાતો બંધ થઈ જાય તો પછી તે પક્ષમાં તે શું કામ કરે. આટલા સમય સુધી નિષ્ઠાથી કામ કરવા છતાં જો ગણતરીમાં જ લેવાતા ન હોય તો પછી કાર્યકર પણ પક્ષની ધૂંસરી શું કામ પકડી રાખે.
આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા
આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ
