Surat News: ગુજરાતના સુરત સહિત દેશભરની કુલ 159 શાળાઓને ગઈકાલે મોડી રાત્રે ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ ભયનો માહોલ સર્જાયો હતો. ઈમેલમાં શાળાઓ પર બોમ્બ વિસ્ફોટ અને ‘બ્લડ બાથ’નો ઉલ્લેખ હતો, ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જીડી ગોએન્કા સ્કૂલ અને પીપલોદમાં આવેલી લેન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા.
ધમકી મળતાં જ વિદ્યાર્થીઓને તાત્કાલિક શાળામાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે, પોલીસને જાણ કર્યા બાદ, વેસુ પીઆઈ, એસીપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક શાળામાં પહોંચી ગયો હતો. બોમ્બ સ્ક્વોડની મદદથી શાળામાં તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પણ બોમ્બ વિસ્ફોટની ધમકી મળી હતી.
[email protected] નામના ઈમેલ આઈડી પરથી કુલ 159 શાળાઓને ઈમેલ મોકલવામાં આવ્યા હતા. આમાં ગુજરાતના સુરત સહિત ભારતભરની શાળાઓનો સમાવેશ થાય છે. આ ધમકીભર્યા ઈમેલ બધી શાળાઓના સત્તાવાર ઈમેલ આઈડી પર મોકલવામાં આવ્યા હતા, જેમાં “શાળાઓમાં બોમ્બ અને રક્તપાત” વિશે વાત કરવામાં આવી હતી.
આજે વહેલી સવારે, અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીને એક અનામી ઇમેઇલ મળ્યો જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઇમેઇલ મળતાની સાથે જ, એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને સુરક્ષા વધારી દેવામાં આવી હતી. અમદાવાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને CISF સહિતની સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક સમગ્ર એરપોર્ટ પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને, ટર્મિનલ બિલ્ડિંગ, પાર્કિંગ એરિયા, કાર્ગો સેક્શન અને અન્ય સંવેદનશીલ વિસ્તારોની સઘન તપાસ કરવામાં આવી હતી. જોકે, રાહતની વાત એ હતી કે કલાકોની સઘન શોધખોળ પછી પણ, સુરક્ષા એજન્સીઓને એરપોર્ટ પર કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

આ પણ વાંચો:ગાંધીનગરમાં CM કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ દળમાં હડકંપ
આ પણ વાંચો:ધમકીભર્યા મેઇલે પોલીસની ચિંતા વધારી, એરપોર્ટ પર સઘન તપાસ શરૂ
