Gandhinagar News : તાજેતરમાં Comptroller and Auditor General of India (CAG)ના અહેવાલમાં ગુજરાતના વિકાસકાર્યોમાં ગંભીર ગેરવહીવટ અને બેદરકારીનો મોટો પર્દાફાશ થયો છે. ખાસ કરીને પોલીસ હાઉસિંગ અને R&B વિભાગના પ્રોજેક્ટોમાં નોંધપાત્ર ખામીઓ સામે આવી છે.
અહેવાલ મુજબ પોલીસ હાઉસિંગ પ્રોજેક્ટોમાં રૂ. 13.08 કરોડનું સીધું નુકસાન થયું છે, જ્યારે કુલ મળીને આવા પ્રોજેક્ટોમાં રૂ. 28 કરોડથી વધુનો નાણાકીય ફટકો પડ્યો હોવાનું સામે આવ્યું છે. ઘણા પ્રોજેક્ટોમાં પૂર્વ મંજૂરી વિના કામ શરૂ કરવામાં આવ્યું હતું, જે નિયમોના ઉલ્લંઘન તરીકે ગણવામાં આવ્યું છે.

તે ઉપરાંત, જમીન મેળવવામાં થયેલા વિલંબ અને વિભાગો વચ્ચે સંકલનના અભાવે પ્રોજેક્ટ ખર્ચમાં વધારો થયો છે. CAGના અહેવાલ અનુસાર કેટલીક કામગીરીમાં 44 મહિનાનો વિલંબ નોંધાયો છે, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.
ROB (રેલવે ઓવર બ્રિજ) અને પોલીસ હાઉસિંગ બંને ક્ષેત્રોમાં ગેરરીતિઓ સામે આવી છે. હાલ પણ 6 પ્રોજેક્ટ અધૂરા હોવાનું અહેવાલમાં ઉલ્લેખ છે, જેનાથી વિકાસકાર્યોની ગતિ અને કાર્યક્ષમતા પર પ્રશ્નો ઉભા થયા છે.
આ સમગ્ર મામલે સ્પષ્ટ થાય છે કે આયોજન, અમલીકરણ અને દેખરેખમાં ખામીના કારણે રાજ્યના ખજાનાને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
