Gandhinagar News/
સરકારી વિભાગોની બેદરકારી સામે કેગનો કડક અહેવાલ
Cag ના રિપોર્ટ મુજબ, માત્ર તાજેતરના વર્ષોમાં જ મોટી બાકીગીરી નોંધાઈ છે
Cag ના રિપોર્ટ મુજબ, માત્ર તાજેતરના વર્ષોમાં જ મોટી બાકીગીરી નોંધાઈ છે
Gandhinagar News : ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા Comptroller and Auditor General of India (Cag)ના તાજા રિપોર્ટ(Report)માં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્ય સરકારના 18 વિભાગોએ છેલ્લા 23 વર્ષ (2001-02થી 2023-24) દરમિયાન કુલ રૂ. 7431.84 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ કર્યો હોવા છતાં, તેના માટે જરૂરી 4258 વપરાશી પ્રમાણપત્રો 31 માર્ચ 2025 સુધી રજૂ કર્યા નથી.
કેગ(Cag)ના રિપોર્ટ મુજબ, માત્ર તાજેતરના વર્ષોમાં જ મોટી બાકીગીરી નોંધાઈ છે. વર્ષ 2022-23 માટે રૂ. 1697.44 કરોડની ગ્રાન્ટ સંબંધિત 874 પ્રમાણપત્રો બાકી છે, જ્યારે 2023-24 માટે રૂ. 4284.56 કરોડની ગ્રાન્ટના 1374 પ્રમાણપત્રો હજુ સુધી રજૂ થયા નથી.

વિભાગવાર જોવામાં આવે તો આદિજાતિ વિકાસ વિભાગ સૌથી આગળ છે, જ્યાં રૂ. 1662.22 કરોડના ઉપયોગ માટે પ્રમાણપત્રો બાકી છે. ત્યારબાદ શહેરી વિકાસ વિભાગ (રૂ. 1567.78 કરોડ), શિક્ષણ વિભાગ (રૂ. 1086.42 કરોડ), કૃષિ અને સહકાર વિભાગ (રૂ. 1044.32 કરોડ) અને પંચાયત, ગામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ (રૂ. 735.57 કરોડ)નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ (રૂ. 681.09 કરોડ), ક્લાઈમેટ ચેન્જ વિભાગ (રૂ. 192 કરોડ), ઉદ્યોગ અને ખાણકામ વિભાગ (રૂ. 179 કરોડ), વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (રૂ. 129.18 કરોડ) તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ (રૂ. 115.45 કરોડ) દ્વારા પણ વપરાશી પ્રમાણપત્રો રજૂ કરવામાં આવ્યા નથી.
આ પરિસ્થિતિ રાજ્યની નાણાકીય પારદર્શિતા અને જવાબદારી પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે, કારણ કે ગ્રાન્ટનો ઉપયોગ થયો હોવા છતાં તેની સત્તાવાર ખાતરી આપતી દસ્તાવેજી પ્રક્રિયા અધૂરી છે.
