Lifestyle News : ભારતીય ઘરોમાં દાળ-ભાત એ મુખ્ય ખોરાક છે. ઘણીવાર એવું બને છે કે જમ્યા પછી થોડા ચોખા કે ભાત (Rice) વધી પડે છે. મોટાભાગના લોકો તેને વાસી સમજીને ફેંકી દે છે અથવા તો તેને ફરીથી ગરમ કરીને ખાતા ડરે છે કે ક્યાંક ફૂડ પોઈઝનિંગ ન થઈ જાય. જો તમે પણ આવું વિચારતા હોવ, તો યુ.કે.ના પ્રખ્યાત સર્જન ડૉ. કરણ રાજનનો આ ખુલાસો તમારા માટે છે.
ડૉ. રાજનના મતે, જો વધેલા ભાત (Rice) ને યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે, તો તે માત્ર સુરક્ષિત જ નથી, પરંતુ તાજા બનાવેલા ભાત કરતા પણ વધુ પૌષ્ટિક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ આ પાછળનું વિજ્ઞાન.

ભાત (Rice) ઝેરી ક્યારે બને છે?
સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે ભાત ખાવાથી લોકો બીમાર કેમ પડે છે? ડૉ. કરણ રાજન સમજાવે છે કે કાચા ચોખામાં ‘બેસિલસ સેરેસ’ (Bacillus Cereus) નામના બેક્ટેરિયાના બીજકણ (Spores) હોય છે. નવાઈની વાત એ છે કે ચોખાને રાંધ્યા પછી પણ આ જીવાણુઓ જીવંત રહી શકે છે. જો તમે રાંધેલા ભાતને ઓરડાના તાપમાને (Room Temperature) લાંબા સમય સુધી ખુલ્લા મૂકી રાખો, તો આ બેક્ટેરિયા ઝડપથી વધવા લાગે છે અને ઝેરી તત્વો પેદા કરે છે. આના કારણે જ ઉલટી કે ઝાડા જેવી ‘ફૂડ પોઈઝનિંગ’ ની સમસ્યા થાય છે. પણ જો તમે તેને યોગ્ય રીતે સ્ટોર કરો, તો આ ખતરો ટળી જાય છે.

વધેલા ભાત (Rice) ને સાચવવાની ‘ગોલ્ડન ફોર્મ્યુલા’ (Storage Rules)
જો તમારે વધેલો ભાત ખાવો હોય અને બીમાર પણ ન પડવું હોય, તો ડૉક્ટરે આપેલા આ 4 નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે:
ભાત રાંધ્યાના 1 થી 2 કલાકની અંદર તેને ઠંડા કરીને ફ્રીજમાં મૂકી દેવા જોઈએ. તેને બહાર રસોડામાં કલાકો સુધી ન રહેવા દો.
જો ચોખા વધારે હોય, તો તેને એક મોટા વાસણમાં ભરવાને બદલે નાના-નાના એરટાઈટ ડબ્બામાં ભરો. તેનાથી તે જલ્દી ઠંડા થશે અને બેક્ટેરિયા નહીં ફેલાય.
ચોખાને ફ્રીજમાં 4°C અથવા તેનાથી ઓછા તાપમાને સ્ટોર કરવા જોઈએ. આ રીતે સ્ટોર કરેલા ચોખા 3 થી 6 દિવસ સુધી સુરક્ષિત રહી શકે છે.
જ્યારે પણ તમે ફ્રીજમાંથી કાઢીને ભાત ખાઓ, ત્યારે તેને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી તેમાંથી વરાળ ન નીકળે (લગભગ 74°C સુધી). અને હા, એકવાર ગરમ કરેલા ભાતને ફરીથી બીજીવાર ગરમ ન કરો.

વાસી ભાત ગરમ ભાત કરતા વધુ હેલ્ધી કેમ? (Health Benefits)
હવે સૌથી મહત્વની વાત. ડૉ. રાજન કહે છે કે વાસી અથવા ઠંડા કરેલા ચોખા (Rice) સ્વાસ્થ્ય માટે જબરદસ્ત ફાયદાકારક છે. તેનું કારણ છે ‘રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ’ (Resistant Starch). જ્યારે ચોખા રંધાઈ જાય અને પછી ઠંડા પડે, ત્યારે તેની અંદરની રાસાયણિક રચના બદલાઈ જાય છે. તેમાં રહેલો સામાન્ય સ્ટાર્ચ ‘રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ’ માં ફેરવાઈ જાય છે. આ એક પ્રકારનું ફાઈબર છે.
આ ‘રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ’ આપણા શરીરમાં સામાન્ય ખોરાકની જેમ જલ્દી પચતું નથી.
તે નાના આંતરડામાં પચ્યા વગર સીધું મોટા આંતરડામાં જાય છે, જ્યાં તે સારા બેક્ટેરિયા (Good Bacteria) માટે ખોરાક બની જાય છે. તેનાથી પાચનતંત્ર સુધરે છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ ફાયદાકારક છે કારણ કે ઠંડા ભાત (Rice) ખાવાથી સુગર લેવલ તાજા ભાતની સરખામણીએ ઓછું વધે છે.
આ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે (તૃપ્તિનો અહેસાસ થાય છે), જેથી તમે ઓછું ખાઓ છો અને વજન કાબૂમાં રહે છે.
તો મિત્રો, હવે પછી ઘરે ભાત (Rice) વધે તો તેને ફેંકી દેવાને બદલે તરત ફ્રીજમાં મૂકી દો. બીજા દિવસે તેને બરાબર ગરમ કરીને ખાઓ. આ રીતે તમે અનાજનો બગાડ પણ અટકાવશો અને તમારા સ્વાસ્થ્યને પણ સુધારશો.
ડિસ્ક્લેમર: આ લેખમાં સૂચવેલ ટિપ્સ ફક્ત સામાન્ય માહિતી માટે છે. કોઈપણ ફિટનેસ પ્રોગ્રામ શરૂ કરતા પહેલા, તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા અથવા કોઈપણ રોગ માટે કોઈપણ પગલાં લેતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લો.
આ પણ વાંચો: રસોડામાં રહેલું આ ‘પીળું સોનું’ અનેક રોગોની દવા છે: કાચી હળદરના ફાયદા જાણીને તમે આજે જ ખાવાનું શરૂ કરી દેશો
આ પણ વાંચો: શું તમારી ચા પણ પાણી જેવી બને છે? જાણો પરફેક્ટ ચા બનાવવાની 2 સિક્રેટ રીત
આ પણ વાંચો: કુકરમાં કઢી ભાત એકસાથે બનાવો, તેનો સ્વાદ એટલો સ્વાદિષ્ટ બનશે કે તમે તેને ખાતા રહેશો
