Delhi car accident: મધ્ય દિલ્હીના આઈપી એસ્ટેટ વિસ્તારમાં રવિવારે રાત્રે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કિરારી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અનિલ ઝા અને કર્ણાટકના ધારાસભ્ય અભય પાટિલ સહિત અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે એલએન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
મળતી માહિતી અનુસાર, આઈપી એસ્ટેટ પોલીસ સ્ટેશનને રાત્રે લગભગ 9:30 વાગ્યે માર્ગ અકસ્માતની માહિતી મળી હતી. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઇનોવા અને સ્વિફ્ટ કાર વચ્ચે ટક્કર થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ, દિલ્હીના આર્ય નગરમાં રહેતા 32 વર્ષીય આશુતોષ પાંડે સ્વિફ્ટ કાર ચલાવી રહ્યા હતા. તેઓ પત્ની અને બે સગીર બાળકો સાથે લક્ષ્મી નગરથી ITO તરફ જઈ રહ્યા હતા. દરમિયાન તેમની કાર પહેલા PWD ઓફિસ નજીક ડિવાઇડર સાથે અથડાઈ હતી. ત્યારબાદ કાર રેલિંગ ઓળંગીને ITOથી લક્ષ્મી નગર તરફ જઈ રહેલી ઇનોવા કાર સાથે અથડાઈ હતી.
ઇનોવા કારમાં કિરારીના ધારાસભ્ય અનિલ ઝા અને કર્ણાટકના ધારાસભ્ય અભય પાટિલ મુસાફરી કરી રહ્યા હતા. ટક્કર બાદ બંને વાહનોમાં સવાર લોકોને ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી.
અકસાનગ્રસ્ત બંને વાહનોને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાહનો હટાવવામાં ન આવે ત્યાં સુધી ITO, DDU માર્ગ, મંડી હાઉસ, પ્રગતિ મેદાન અને સરાય કાલે ખાન તરફ ટ્રાફિક પર અસર પડી હતી અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. બાદમાં વાહનો હટાવી લેવામાં આવતાં ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય થઈ હતી.
હાલમાં પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: અર્જુન બિજલાનીનો કાર અકસ્માત, શૂટિંગથી પરત ફરતી વખતે થયો હાદસો
આ પણ વાંચો: ઝારખંડના લાતેહારમાં રિક્ષા અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત,10 ના મોતની આશંકા
આ પણ વાંચો: લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ટેન્કર-કાર અકસ્માત, એક જ પરિવારના 3નાં મોત
