Mahisagar News: મહીસાગર જિલ્લામાં લુણાવાડા-સંતરામપુર હાઇવે પર આજે ગમખ્વાર માર્ગ અકસ્માત (Mahisagar Accident) સર્જાયો હતો. હરિગરના મુવાડા ગામ નજીક દૂધના ટેન્કર અને કાર વચ્ચે સામસામે અથડામણ થતાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. મૃતકો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
એક જ પરિવારના માતા, પુત્ર અને દાદીનાં મોત
અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણેય લોકો એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. મૃતકોની ઓળખ હાર્દિકભાઈ પ્રશાંતભાઈ પ્રજાપતિ, પુષ્પાબેન પ્રશાંતભાઈ પ્રજાપતિ અને સવિતાબેન કાળુભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે. મૃતકોમાં હાર્દિકભાઈ પુત્ર, પુષ્પાબેન માતા અને સવિતાબેન દાદી હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય ફતેપુરા તાલુકાના તળાવ ફળિયાના રહેવાસી હતા.
Mahisagar Accident: ટેન્કર અને કાર વચ્ચે સામસામે ટક્કર
પ્રાથમિક માહિતી અનુસાર, દૂધ ભરેલું ટેન્કર લુણાવાડા તરફથી સરસણ સિત કેન્દ્ર તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન સંતરામપુર તરફથી લુણાવાડા તરફ આવી રહેલી કાર હરિગરના મુવાડા ગામ નજીક પહોંચી હતી. આ દરમિયાન બંને વાહનો વચ્ચે જોરદાર સામસામે અથડામણ થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો ભારે કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળાં ઉમટ્યાં
અકસ્માની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવને પગલે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતાં સંતરામપુર પોલીસની ટીમ, જેમાં પીઆઈ સહિતનો સ્ટાફ સામેલ હતો, ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત (Mahisagar Accident) અંગેની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી કરી હતી.
ટેન્કર ચાલક અકસ્માત બાદ ફરાર
અકસ્માત બાદ દૂધના ટેન્કરનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર ચાલકને શોધવા માટે તપાસ શરૂ કરી છે. અકસ્માત (Mahisagar Accident)નું ચોક્કસ કારણ જાણવા માટે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
કલેક્ટર અને SP પણ ઘટનાસ્થળે પહોંચ્યા
અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં લઈને મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર અને જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસન પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.બંને અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી અકસ્માત (Mahisagar Accident) અંગેની વિગતો મેળવી હતી. તેમજ સંબંધિત અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી જરૂરી કાર્યવાહી અંગે સૂચનાઓ આપી હતી.
ફતેપુરા પંથકમાં શોકનો માહોલ
એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોતથી દાહોદ જિલ્લાના ફતેપુરા પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. ખાસ કરીને માતા, પુત્ર અને દાદીના એકસાથે મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.હાલ સંતરામપુર પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર ટેન્કર ચાલકની શોધખોળ સહિત અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:રોડના ખાડાથી અકસ્માતમાં મોત થાય તો વળતર મળે? જાણો કાયદો અને નિયમ
આ પણ વાંચો:વાગરા નજીક ભૂખી પુલ પર ગમખ્વાર અકસ્માત, અર્ટિગા કાર નીચે પટકાઈ; ચાલકનું મોત
આ પણ વાંચો:વડોદરાના વોર્ડ નંબર 8માં રસ્તા વચ્ચે વિશાળ ભૂવો, વાહનચાલકો માટે વધ્યો અકસ્માતનો ખતરો
