Kheda News: આજે સવારે લગભગ 8 વાગ્યે ખેડા જિલ્લાના માતર-ત્રાજ રોડ પર ભીમકુઇના ગરનાળા નજીક એક ગંભીર રોડ અકસ્માત સર્જાયો, જેમાં મુસાફરોથી ભરેલી એક કાર રોડની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી ગઈ. કાર તળાવમાં ખાબકી જેમાં સદનસીબે કારમાં સવાર બે નાની બાળકીઓ સહિત કુલ પાંચ લોકોને સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમની ત્વરિત કામગીરીથી સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા.
ઘટના માતર-ત્રાજ રોડ પરના એક વળાંક પાસે બની, જ્યાં એક શ્વાન અચાનક રસ્તા પર આવી ગયું. શ્વાનને બચાવવા માટે એક્ટિવા ચાલકે અચાનક વળાંક લીધો, પરંતુ આ દરમિયાન પાછળથી આવી રહેલી એક કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારી. ટક્કરની અસરથી કારનું ટાયર ફાટી ગયું અને ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતાં કાર સીધી રોડની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી ગઈ.
કારમાં નાની ભાગોળ ગામના રસુલમિયા ભીખુમિયા મલેક અને રસુલમિયા અહેમદમિયા મલેકના પરિવારજનો સવાર હતા, જેમાં બે નાની બાળકીઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં હડકંપ મચાવી દીધો હતો.
ઘટનાની જાણ થતાં જ ખેડા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. સ્થાનિક લોકોની મદદથી ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કારમાં સવાર તમામ પાંચ વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા. આ ઉપરાંત, તળાવમાં ખાબકેલા બંને વાહનો—કાર અને એક્ટિવાને પણ બહાર કાઢવામાં આવ્યા.
અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બે વ્યક્તિઓને નડિયાદની મહાગુજરાત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યારે અન્ય બેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો.
આ પણ વાંચો:અમદાવાદમાં AMTS બસ ચાલકનો ગુસ્સો, ઝડપી ગતિથી અકસ્માત, વાહનને ટક્કર મારી…..
આ પણ વાંચો:રાજકોટમાં જેતપુરમાં બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનો જીવ ગયો
