Gujarat News : ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં આજે આજે એક જ દિવસમાં 68 પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 265 પર પહોંચી છે. હાલ જે એક્ટિવ કેસ છે તેમાં 11 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે 254 દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના પોઝિટિવ 2 દર્દી સારવાર હેઠળ છે. ગત સપ્તાહે બાળકની માતા પણ કોરોના પોઝિટિવ હતી. હાલમાં બાળકની માતાનો રિપોર્ટ નેગેટિવ છે. બાળક જન્મ્યું ત્યારે માતા પોઝિટિવ હતી, જેના કારણે બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે. બાળક અત્યારે બે દિવસનું છે. તેનું વજન ઓછું હોવાથી NICUમાં રાખવામાં આવ્યું છે. હાલ તેની માતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બાળકની નિષ્ણાત ડોક્ટર દ્વારા સારવાર ચાલી રહી છે.
અસારવા સિવિલ હોસ્પિટલમાં 3 દર્દી પૈકી એક બાળક 8 મહિનાનું કોરોના પોઝિટિવ છે. 8 મહિનાના બાળકને અનેક તકલીફ છે અને તે સિરિયસ હોવાથી તેને ઓક્સિજન પર રાખવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોનાના એક જ દિવસમાં 68 કેસ નોંધાયા
ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે એક જ દિવસમાં નવા 68 પોઝિટિવ કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 265 પર પહોંચી છે. જેમાં 11 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 254 હોમ આઈસોલેશનમાં છે. અત્યાર સુધીમાં 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.કેન્દ્રના સંપર્કમાં, વેરિયન્ટ ખતરનાક નથી એટલે SOP બનાવી નથી: આરોગ્યમંત્રી
રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાના વધતા કેસ સામે ડરવાની બિલકુલ જરૂર નથી, પણ સાવચેતી જરૂર રાખવી જોઇએ. અમે કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છીએ, પણ કોઈ એવી સ્થિતિ નથી અને વાઇરસનો વેરિયન્ટ ખતરનાક નથી એટલે હજુ કોઈ SOP બનાવી નથી. જો કોઈ લક્ષણો જોવા મળે તો પરિવાર કે અન્ય કોઈને ચેપ ન લાગે એ માટે પોતાને આઈસોલેટ કરી લેવા જોઇએ.
‘બહુ એડવાન્સ સ્ટેજ સુધી બીમારી થાય તો જ જોખમી’
ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું હતું કે લક્ષણો જણાય ત્યારે તરત મેડિકલ ચેકઅપ કરાવી લેવું. આ ઓમિક્રોનનો વેરિયન્ટ છે અને બહુ એડવાન્સ સ્ટેજ સુધી બીમારી થાય તો જ જોખમી છે. તરત સારવાર મળી જાય તો આ સામાન્ય ન્યુમોનિયા જેવો જ છે. ભારતમાં બે વેરિયન્ટ જોવા મળ્યા છે અને એવા જ સિમ્પ્ટમ્સ ગુજરાતના કેસમાં છે એટલે ગુજરાતમાં પણ ઓમિક્રોનના સબ વેરિયન્ટ્સ LF.7 અને NB.1.8.1 હશે.
રાજકોટમાં એક દિવસમાં કોરોનાના 8 કેસ નોંધાયા
રાજકોટમાં પણ કોરોનાનો કહેર યથાવત્ છે. આજે કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે. 2 મહિલા અને 6 પુરુષ સહિત વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યારસુધીના કુલ કેસની સંખ્યા 24 પર પહોંચી છે. છેલ્લા 3 દિવસમાં જ 19 કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ સતર્ક જોવા મળ્યો છે. ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે.
આજના નવા કેસની વિગતવાર માહિતી
મવડી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય પુરુષ
અંબિકા પાર્ક વિસ્તારમાં રહેતી 68 વર્ષીય મહિલા
સરદાર ટાઉનશિપમાં રહેતા 28 વર્ષીય પુરુષ
લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા 33 વર્ષીય પુરુષ
કોઠારિયા રોડ નજીક રહેતા 35 વર્ષીય પુરુષ
વિરાણી ચોક નજીક રહેતી 22 વર્ષીય મહિલા
ખત્રીવાડમાં રહેતા 21 વર્ષીય પુરુષ
જીવંતીકાનગરમાં રહેતા 31 વર્ષીય પુરુષ
કોરોનાના કેસોમાં અચાનક થયેલો ઉછાળો ચિંતાનો વિષય
રાજકોટમાં કોરોનાના કેસોમાં અચાનક થયેલો ઉછાળો ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને છેલ્લા 3 દિવસમાં 19 નવા કેસ નોંધાવાને કારણે સ્થાનિક પ્રશાસન અને આરોગ્ય વિભાગ વધુ ગંભીર બન્યાં છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને પણ સાવચેતી રાખવા અને કોવિડ-19ના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.સ્ટિંગની પ્રક્રિયા વધુ વ્યાપક બનાવવામાં આવી
રાજકોટ મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તેમજ ટેસ્ટિંગની પ્રક્રિયા વધુ વ્યાપક બનાવવામાં આવી છે અને શંકાસ્પદ કેસોના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ પર નિયમિત નજર રાખવામાં આવી રહી છે અને તેમને જરૂરી તબીબી સલાહ અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓ માટે પૂરતા બેડ અને મેડિકલ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે.
24 કેસ પૈકી 23 દર્દીઓ હોમ આઇસોલેશનમાં
અત્યારસુધીમાં નોંધાયેલા કુલ 24 કેસ પૈકી 23 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 1 દર્દી સ્વસ્થ થઈ ગયો છે. આશા છે કે બાકીના દર્દીઓ પણ જલદી સ્વસ્થ થઈ જશે, જોકે આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટની જનતાને અપીલ કરવામાં આવી છે કે કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું, વારંવાર હાથ ધોવા અને ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું. જો કોઈને કોરોનાનાં લક્ષણો જણાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા અને તબીબી સલાહ લેવાની વિનંતી કરવામાં આવી છે. હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે વધુ કડક પગલાં લેવામાં આવશે એમ અધિકારીઓએ જણાવ્યું છે.જામનગર શહેરમાં એક પોઝિટિવ કેસ
જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાંથી વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ગઈકાલે કામદાર કોલોની વિસ્તારમાં એક પોઝિટિવ કેસ આવ્યો હતો. આમ, જામનગરમાં એક્ટિવ કેસની સંખ્યા 13 પર પહોંચી ગઇ છે.
સુરતમાં ગઇકાલે 4 કેસ નોંધાયા હતા
સુરત શહેરમાં રોજબરોજ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે ગતરોજ કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા છે, જેમાં 44થી 75 વર્ષના લોકો કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. આ ચાર પૈકી બેની ટ્રાવેલ હિસ્ટ્રી પણ મળી છે. આ ચારેય કોરોના દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોઈ તકલીફ નથી. આ સાથે ચારેય કોરોના દર્દી હોમ આઇસોલેશનમાં છે.
પહેલા દર્દી 75 વર્ષીય પુરુષ (રહેઠાણ – સગરામપુરા), જેઓ રિટાયર્ડ છે. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે. તેમના નજીકના સંપર્કમાં હોય તેવા પરિવારની 1 વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી.
બીજા દર્દી 60 વર્ષીય સ્ત્રી (રહેઠાણ-ગોડાદરા), જેઓ ગૃહિણી છે અને 18 મે 2025ના રોજ અમરેલીથી સુરત પરત આવ્યા છે અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે. તેઓના નજીકના સંપર્કમાં હોય તેવા પરિવારની 6 વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી.
ત્રીજા દર્દી 44 વર્ષીય પુરુષ (રહેઠાણ-રામનગર), જેઓ ખાનગી વ્યવસાય કરે છે તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે. તેમના નજીકના સંપર્કમાં હોય તેવા પરિવારની 4 વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી.
ચોથા દર્દી 61 વર્ષીય સ્ત્રી (રહેઠાણ-ઉધના મગદલ્લા રોડ), જેઓ ગૃહિણી છે અને 24 મે 2025ના રોજ ઇન્દોરથી સુરત પરત આવ્યા છે અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે. તેમના નજીકના સંપર્કમાં હોય તેવા પરિવારની 4 વ્યક્તિને હાલમાં કોઈ તકલીફ નથી.
અત્યારસુધીમાં કોરોના કુલ 9 કેસ સામે આવ્યા
ચારેય દર્દીનાં સેમ્પલ સરકારની ગાઈડલાઇન મુજબ જીનોમ સિક્વન્સિંગ માટે GBRC, ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યાં છે. સુરતમાં અત્યારસુધીમાં કોરોના કુલ નવ કેસ સામે આવ્યા છે, જે પૈકી હાલ બે દર્દી જ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જે પૈકી એક સિવિલ હોસ્પિટલમાં અને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બંનેની સ્થિતિ સ્ટેબલ છે.
આ પણ વાંચો:RMVM સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો:ભરૂચમાં બેન્ડ વગાડવા મુદ્દે થઈ મારામારી, કન્યા લેવા જઈ રહ્યા હતા વરરાજા
