Manipur Violence/ મણિપુર બે મહિલાઓને નગ્ન ફરાવવાના કેસમાં કેન્દ્ર સરકારે SCમાં એફિડેવિટ દાખલ કરી,આવતીકાલે થશે સુનાવણી

મણિપુરમાં લગભગ ત્રણ મહિનાથી ચાલી રહેલી વંશીય હિંસાને કારણે અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે

Top Stories India
11 1 2 મણિપુર બે મહિલાઓને નગ્ન ફરાવવાના કેસમાં કેન્દ્ર સરકારે SCમાં એફિડેવિટ દાખલ કરી,આવતીકાલે થશે સુનાવણી

સુપ્રીમ કોર્ટ શુક્રવારે મણિપુરમાં બે મહિલાઓને નગ્ન પરેડ કરાવવાના કેસની સુનાવણી કરશે. આ પહેલા 20 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલે સુઓ મોટુ સંજ્ઞાન લઈને કડક ટિપ્પણી કરી હતી અને કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો હતો.ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે જો સરકાર આ મામલે કાર્યવાહી નહીં કરે તો તેઓ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર સુપ્રીમ કોર્ટને જણાવવા જઈ રહી છે કે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે અને કેસની ટ્રાયલ મણિપુરની બહારની કોર્ટમાં પણ થાય.આ કેસ અંગેની સુનાવણી આવતીકાલે સુપ્રીમ કોર્ટ કરશે.

સમાચાર એજન્સી પીટીઆઈએ ગુરુવારે અધિકારીઓને ટાંકીને કહ્યું કે સરકાર દ્વારા પડોશી રાજ્ય આસામની કોર્ટમાં કેસ ચલાવવા માટે વિનંતી કરવામાં આવશે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય મેઇતેઈ અને કુકી સમુદાયો સાથે સંપર્કમાં છે અને મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે વાતચીત અગ્રેસર તબક્કામાં છે.મણિપુરમાં લગભગ ત્રણ મહિનાથી ચાલી રહેલી વંશીય હિંસાને કારણે અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે. આ મહિને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ 4 મેના રોજ મહિલાઓની ઉત્પીડનની ઘટનાએ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો હતો.

CJIએ શું કહ્યું?

ઉલ્લેખનીય છે  કે 20 જુલાઈના રોજ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે મણિપુરની ઘટનાથી કોર્ટ ખૂબ જ પરેશાન છે. હિંસાના સાધન તરીકે મહિલાઓનો ઉપયોગ અસ્વીકાર્ય છે. ગુનેગારોને પકડવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની ખાતરી કરવા માટે લેવામાં આવેલા પગલાં વિશે કોર્ટને જાણ કરવી જોઈએ. તે જ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની બહાર મીડિયાને કહ્યું કે કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.