Gujarat News : રાજ્યના હાઈવેને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ હાઈવેને લઈને મોટી જાહેરાત કરી છે. જેમાં કેન્દ્ર સરકાર ધોરી માર્ગો માટે 20 હજાર કરોડ રૂપિયા ખર્ચશે. નીતિન ગડકરીએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન આ જાહેરાત કરી હતી. જેમાં ગઈકાલે મળેલી મુખ્યપ્રધાન સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આજે નીતિન ગડકરી સુરત જિલ્લાની મુલાકાતે છે. તેઓએ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી રોડ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા અને સુરત જિલ્લાના બે નેશનલ હાઈવે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરીની સમીક્ષા કરી હતી..
કુલ 300 કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ-વેની પ્રગતિનું ગડકરીએ મૂલ્યાંકન કર્યું હતું. જેમાં એનએચ-53 અને એનએચ-48ના લગભગ 100 કિલોમીટરના રોડનું નિરીક્ષણ સામેલ છે, જ્યારે હેલિકોપ્ટર મારફતે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના 200 કિલોમીટરના ભાગનું તેઓ એરિયલ સર્વે કરશે. માત્ર પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવાનો આ પ્રવાસનો હેતુ નથી, પરંતુ તેમાં આવતી સમસ્યાઓ અને સ્થાનિક ફરિયાદોનો સ્થળ પર જ ઉકેલ લાવવાનો પણ છે.
નીતિન ગડકરી સાથે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ખાસ અધિકારીઓ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. મંત્રી ગડકરીનો આ અભિગમ જમીની હકીકત જાણવા માટેનો હતો, જ્યાં તેઓ ઓફિસમાં બેસીને નહીં પણ રોડ પર વાહન ચાલકો જેવો અનુભવ મેળવીને રોડની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું હતું.

