છોટા ઉદેપુર,
કદવાલ પોલીસના હાથમાંથી પ્રોહીબિશનના કેસનો આરોપી ફરાર જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. કદવાલના પી.એસ.આઈ.અને કોન્સ્ટેબલ ખાનગી ગાડીમાં પાવી જેતપુર પોલીસ મથકે લઇ જતા સ્ટેટ બેંકની સામે ગાડી ધીમી પડતા આરોપી હાથકડી સાથે ગાડીમાંથી કૂદીને ફરાર થઇ ગયો હતો.
આરોપી ફરાર થતા પી.એસ.આઈ.અને કોન્સ્ટેબલ આરોપીને પકડવા રસ્તામાં ગાડી છોડીને પાછળ દોડયા હતા. ૪૦૦ મીટર દૂર બેકરીની ગલીમાં ઘુસી જતા કડવાલ પોલીસના હાથે આરોપી ઝડપાઈ ગયો હતો. પ્રોહીબિશનના ગુનામાં નામ ખુલતા આરોપીની અટકાયત કરાઈ હતી.
આરોપીને જ્યારે કોર્ટમાં રજૂ કરવા માટે લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાંથી ફરાર થઇ ગયો હતો. આરોપી કાળું ઉર્ફે કેસર રૂમાલભાઈ સોલંકી જે જીતપુર, ડેસર, તા. સાવલીમાં રહે છે. જયારે આરોપી પોલીસ પકડમાંથી ભાગ્યો ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
