Gujarat Local Body Election 2026/ વરધી ગામમાં બપોરે 1 વાગ્યા સુધી શૂન્ય ટકા મતદાન, જાણો શું છે ગ્રામજનોની માંગ?

Chhota Udepurના વરધી ગામે પ્રાથમિક શાળાના અધૂરા કામના વિરોધમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. બપોરે ૧ વાગ્યા સુધી એક પણ મત ન પડતા તંત્રમાં દોડધામ મચી છે.

Gujarat Top Stories Others
Chhota Udepur Election Boycott

Chhota Udepur Election Boycott: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વરધી ગામના ગ્રામજનોએ પોતાની પાયાની જરૂરિયાત એવી શિક્ષણની સુવિધાના અભાવે ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કર્યો છે. ગામની પ્રાથમિક શાળાનું ભવન છેલ્લા 4 વર્ષથી અધૂરું હોવાના વિરોધમાં ગ્રામજનોએ એકસંપ થઈ મતાધિકારનો ઉપયોગ ન કરવાનો મક્કમ નિર્ણય લીધો છે.

4 વર્ષથી માત્ર પાયા ખોદીને કામ રઝળી પડ્યું

વરધી ગામના લોકોનો આક્રોશ તંત્રની બેદરકારી સામે જોવા મળી રહ્યો છે, જ્યાં ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા 4 વર્ષથી શાળાના નવા મકાનનું કામ ટલ્લે ચઢ્યું છે અને તંત્ર દ્વારા માત્ર પાયા ખોદીને કામ પડતું મૂકી દેવામાં આવ્યું છે. હાલની ગંભીર સ્થિતિ એવી છે કે ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓ માત્ર 3 જ ઓરડામાં ભણવા મજબૂર બન્યા છે, વળી ચોમાસામાં છત પરથી પાણી ટપકતું હોવાથી બાળકોનું શિક્ષણ પણ જોખમાય છે. આ બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્રના બહેરા કાને હજુ સુધી કોઈ અવાજ પહોંચ્યો નથી.

Chhota Udepur Election Boycott

Chhota Udepur : બપોર સુધી એક પણ મત ન પડતા તંત્રમાં દોડધામ

લોકશાહીના પર્વમાં જ્યારે આખું ગુજરાત મતદાન કરી રહ્યું છે, ત્યારે વરધી ગામમાં બપોરે 1 વાગ્યા સુધી શૂન્ય ટકા મતદાન નોંધાયું છે. મતદાન મથક પર સન્નાટો જોઈ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ગામમાં દોડી આવ્યા હતા. અધિકારીઓએ ગ્રામજનોને મતાધિકાર વાપરવા માટે ખૂબ સમજાવ્યા હતા, પરંતુ ગ્રામજનોએ સ્પષ્ટ કહી દીધું કે, “અમને ઠાલા આશ્વાસન નહીં, લેખિત બાહેધરી આપો.”

શિક્ષણ માટે મતાધિકારનો ત્યાગ

એક તરફ સરકાર ‘ભણશે ગુજરાત’ અને ‘પઢેગા ઇન્ડિયા’ ના નારા આપે છે, ત્યારે બીજી તરફ વરધી ગામના લોકોએ શિક્ષણ જેવી પાયાની સુવિધા માટે લોકશાહીના સૌથી મોટા હથિયાર એવા ‘વોટ’ નો ત્યાગ કરવો પડ્યો છે. શિક્ષણ પ્રત્યેની આ જાગૃતિ તંત્ર માટે લાલબત્તી સમાન છે. હવે જોવાનું એ રહે છે કે સાંજ સુધીમાં કોઈ સમાધાન થાય છે કે આખું ગામ મતાધિકારથી વંચિત રહેશે.


આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા

આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું