કાવેરી/ સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં,ગુજરાતીઓનો ઇમેઇલ તથા ટેલિફોન દ્વારા સંપર્ક કર્યો

સુદાનમાં અર્ધ લશ્કરી દળો અને સૈન્ય વચ્ચે હાલ ચાલી રહેલા આંતરિક યુદ્ધના લીધે ત્યાં વસતા અન્ય દેશોના લોકો પણ ફસાઇ ગયા છે

Top Stories Gujarat
2 1 16 સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં,ગુજરાતીઓનો ઇમેઇલ તથા ટેલિફોન દ્વારા સંપર્ક કર્યો

સુદાનમાં અર્ધ લશ્કરી દળો અને સૈન્ય વચ્ચે હાલ ચાલી રહેલા આંતરિક યુદ્ધના લીધે ત્યાં વસતા અન્ય દેશોના લોકો પણ ફસાઇ ગયા છે. આંતરિક યુદ્ધગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરીકોને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ઓપરેશન “કાવેરી” હાથ ધરવામાં આવ્યું છે.સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહી કાર્યરત છે.

મુખ્યમંત્રીના દિશાદર્શન મુજબ રાજ્ય સરકારે સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓનો ઇમેઇલ તથા ટેલિફોન દ્વારા સંપર્ક કર્યો હતો. સંપર્કમાં આવેલા આ તમામ લોકોને ભારત સરકારના ઓપરેશન “કાવેરી” અંતર્ગત કાર્યરત ૨૪x૭ હેલ્પલાઇન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશન મુજબ રાજ્યના ગૃહ અને બિનનિવાસી ગુજરાતી પ્રભાગના રાજ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીસ્થિત ગુજરાતના રેસિડેન્ટ કમિશ્નરશ્રીની કચેરી અને ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે.

સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓની સલામત વતન-વાપસી માટે ભારત સરકાર સાથે જરૂરી સંકલન કરવામાં આવી રહ્યું છે.રાજ્ય સરકારની આ સંકલિત કામગીરીને પરિણામે ગુજરાતના ૩૮ જેટલા લોકોને જેદ્દાહથી સ્પેશિયલ ઇવેક્યુએશન ફલાઇટ્સ મારફતે દિલ્હી અને મુંબઈ ખાતે લાવવામાં આવશે.આ ઉપરાંત આગામી સ્પેશિયલ ઇવેક્યુએશન ફલાઇટ્સ દ્વારા વધુ ગુજરાતીઓને દિલ્હી અને મુંબઈ ખાતે લાવવા માટે રાજ્ય સરકાર સંબંધિત કેન્દ્રિય મંત્રાલયો સાથે આવશ્યક સંકલન કરી રહી છે.એટલું જ નહીં, ભારત પરત આવેલા તમામ ગુજરાતીઓને દિલ્હી અને મુંબઈથી ગુજરાત લાવવા અંગેની કામગીરી પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.સુદાનમાં ફસાયેલા ગુજરાતીઓ સ્વદેશ હેમખેમ પરત આવે તે માટે રાજ્ય સરકાર ભારત સરકારને મદદરૂપ થવા કટીબદ્ધ છે.