Surat News : અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં સોમવારે સાંજે એક ગંભીર તબીબી ઇમરજન્સી સર્જાતા સુરત એરપોર્ટ (Surat Airport)પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરાવવું પડ્યું હતું. ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલું 3 વર્ષનું બાળક અચાનક બેભાન થઈ જતાં મુસાફરોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. જોકે, પાયલટની સમયસૂચકતા અને એરપોર્ટ તંત્રની ઝડપી કામગીરીના કારણે બાળકને સમયસર સારવાર મળી અને તેનો જીવ બચાવી શકાયો.
અમદાવાદથી મુંબઈ જતી ફ્લાઇટમાં બાળકની તબિયત અચાનક લથડી

મળતી માહિતી મુજબ, ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E-7018 સોમવારે સાંજે આશરે 8:20 વાગ્યે અમદાવાદથી મુંબઈ માટે રવાના થઈ હતી. ઉડાન દરમિયાન માસ્ટર સૌરભ નામનું 3 વર્ષનું બાળક અચાનક બેભાન થઈ ગયું હતું.
પરિસ્થિતિ ગંભીર બનતાં ફ્લાઇટમાં હાજર બે ડોક્ટરોએ બાળકને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની સ્થિતિમાં સુધારો ન થતાં પાયલટે તરત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને મેડિકલ ઇમરજન્સીની જાણ કરી અને સુરત એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ (Emergency Landing)ની મંજૂરી માંગી હતી.
સુરત એરપોર્ટ પર મેડિકલ ઇમરજન્સી જાહેર
ATCને માહિતી મળતાં જ સુરત એરપોર્ટ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું હતું. એરપોર્ટની મેડિકલ ટીમ, CISFના જવાનો અને ઇન્ડિગોની ગ્રાઉન્ડ સ્ટાફે સંયુક્ત રીતે ઇમરજન્સી ઓપરેશન શરૂ કર્યું હતું.
વિમાન લેન્ડ થાય તે પહેલાં જ રનવે નજીક એમ્બ્યુલન્સ, ડોક્ટરો અને જરૂરી તબીબી સાધનો સાથેની ટીમ તૈયાર રાખવામાં આવી હતી જેથી બાળકને તરત સારવાર મળી શકે.
CISF અને એરપોર્ટ ટીમનું ઝડપી સંકલન
વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થતાં જ મેડિકલ ટીમે ફ્લાઇટમાં પ્રવેશ કરીને બાળકની તપાસ કરી હતી. એરપોર્ટ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકને સ્ટેન્ડબાય એમ્બ્યુલન્સ મારફતે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
CISFના જવાનોએ એરપોર્ટ મેનેજમેન્ટ અને મેડિકલ ટીમ સાથે ઝડપી સંકલન કરી બાળકને ઓછામાં ઓછા સમયમાં હોસ્પિટલ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
બાળકની સારવાર ચાલુ, ફ્લાઇટ મુંબઈ માટે રવાના
બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ એરપોર્ટ અને એરલાઇન્સ દ્વારા જરૂરી ટેકનિકલ તેમજ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફ્લાઇટ 6E-7018 તેના નિર્ધારિત ગંતવ્ય મુંબઈ માટે રવાના થઈ હતી.
એરપોર્ટ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર સમગ્ર ઇમરજન્સી ઓપરેશન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું હતું અને તેના કારણે સુરત એરપોર્ટની અન્ય નિયમિત ફ્લાઇટ્સ અથવા ગ્રાઉન્ડ ઓપરેશન પર કોઈ અસર થઈ નહોતી.
