Surat News : સુરત શહેરમાં નામચીન આરોપી ચિરાગ ગોટી(Chirag Goti) ના એક પછી એક કારનામા બહાર આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. પિસ્તોલની અણીએ ઉઘરાણી, લોકોને ઘરે બોલાવી અત્યાચાર, અપહરણ, ખંડણી અને ડ્રગ્સ પ્લાન્ટિંગ જેવી ગંભીર ઘટનાઓ સામે આવી છે. ચિરાગ ગોટી(Chirag Goti)વિરુદ્ધ હવે કતારગામ અને સિંગણપોર વિસ્તારમાં વધુ બે ફરિયાદ નોંધાઈ છે.
47 લાખ અને 20 લાખ પડાવ્યાનો આક્ષેપ

ઉત્રાણ, વીઆઇપી સર્કલ નજીક સિલ્વર પેલેસમાં રહેતા મુકેશ જીણાભાઈ ગજેરા (ઉ.વ.48), જે ટ્રાવેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમની ફરિયાદ અનુસાર વર્ષ 2021માં કોરોનાકાળ બાદ ચિરાગ ગોટી (Chirag Goti) અને યુવરાજ જાદવ નાણાંકીય મદદ માટે તેમના સંપર્કમાં આવ્યા હતા. ચિરાગે 18.75 લાખ અને યુવરાજે 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા.
નક્કી સમયમર્યાદામાં રૂપિયા પરત ન કરતાં મુકેશે ઉઘરાણી કરતાં ગોટી અને તેના સાગરીતોએ ઘરે ધસી જઈ હંગામો કર્યો હતો. ચિરાગ ગોટી(Chirag Goti) એ રિવોલ્વર તાકી “આ કોઈની સગી નહીં થાય” કહી ધમકી આપી હતી. આરોપ છે કે 19.75 લાખ ઉપરાંત 5 હજાર રૂપિયા બળજબરીથી પડાવ્યા હતા.
આ મામલે સિંગણપોર પોલીસએ ચિરાગ ઘનશ્યામ ગોટી, નિરાંત ઉર્ફે લાલો ગોટી અને યુવરાજ લક્ષ્મણ જાદવ સામે ખંડણી અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
અપહરણ અને 42 લાખની ખંડણી
વેડ રોડ વિસ્તારમાં રહેતા જિજ્ઞેશ મગનભાઈ વ્યાસને માર મારતો વીડિયો વાયરલ થયા બાદ ચોકબજાર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ત્યારબાદ તેમના ભાઈ પ્રભાતે પણ ચિરાગ ગોટી અને યુવરાજ જાધવ વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી.
આક્ષેપ મુજબ 15 ઓક્ટોબર 2021ના રોજ જિજ્ઞેશ વ્યાસનું અપહરણ કરી 10 લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં જમીન વિવાદ મામલે 42 લાખ રૂપિયા લઈ દસ્તાવેજ કરાવી આપ્યા, પરંતુ 7/12માં નામ ચઢાવવાના કાગળ અટકાવી વધુ 4.81 લાખના હીરા પણ પડાવ્યા હતા.
એક મિટિંગ દરમિયાન ચિરાગ ગોટીએ પિસ્તોલમાંથી છ બુલેટ બહાર કાઢી “આ બધી બુલેટ તારી પાછળ ફોડવાની છે” કહી ખુલ્લેઆમ ધમકી આપી હતી.
‘ટોર્ચર હાઉસ’માં અત્યાચાર

ચિરાગ ગોટી પોતાની પાસે ઉઘરાણી કે વ્યાજના નાણાં લેતા લોકોને સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલી પોતાની સોસાયટીમાં ઘરે અથવા સાગરીતોની ઓફિસમાં બોલાવી ગોંધી રાખતો હતો. અહીં બેરહેમીથી મારપીટ, અપશબ્દો અને માનસિક-શારીરિક અત્યાચાર કરતો હતો.
અત્યાચારના વીડિયો બનાવી પીડિતોને વધુ ધમકાવતો હતો. હાલ આ વીડિયો પોલીસ માટે મહત્વના પુરાવા સાબિત થયા છે.
ડ્રગ્સ પ્લાન્ટિંગનો કિસ્સો
આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે વેડ રોડ ગુરુકુલ પાસે અલ્પેશ મિયાણી નામના વ્યક્તિને 70 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. તપાસમાં સામે આવ્યું કે તેલના ધંધામાં અણબનાવને કારણે ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત અને પિતા ઘનશ્યામ ગોટીએ મળીને અલ્પેશની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ખોટા કેસમાં ફસાવ્યો હતો.
આ કેસ બાદ ગોટી ફરાર થઈ ગયો હતો અને તેના વિરુદ્ધ કલમ-70 હેઠળ વોરંટ જારી થયું હતું.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ચિરાગ ગોટી એક યુવકને ગાદલા પર સુવડાવી લાકડીથી માર મારતો દેખાય છે. અન્ય વીડિયોમાં પોતાના ડ્રાઈવરને તમાચા મારતો અને ગણેશોત્સવ દરમિયાન જાહેરમાં રિવોલ્વરથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરતો પણ દેખાયો છે.
સુપ્રીમ કોર્ટની ટકોર બાદ સરેન્ડર

આઠ મહિના સુધી પોલીસને ચકમો આપ્યા બાદ 11 ફેબ્રુઆરીએ ચિરાગ ગોટી(Chirag Goti) એ Supreme Court of Indiaની કડક ટકોર બાદ સુરત કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.
ગુજસીટોક હેઠળ કાર્યવાહી શક્ય
પોલીસે ખંડણી, અપહરણ, આર્મ્સ એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધ્યા છે. સંગઠિત ગુનાખોરીને ધ્યાનમાં રાખી ગોટી ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે.
શહેરમાં ચિરાગ ગોટીના આતંકનો ભંડાફોડ થતાં એક પછી એક પીડિતો હવે આગળ આવી રહ્યા છે અને વધુ ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો:સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઈન ડેડ જાહેર : પરિવારની અંગદાનની જાહેરાત
આ પણ વાંચો:અમેરિકાના ટેરિફ ઘટાડાથી સુરત સહિત ગુજરાતના હીરા ઉદ્યોગમાં તેજીના દ્વાર ખુલશે
આ પણ વાંચો:સુરતમાં ગુજસીટોક આરોપીનો ખુલ્લો પડકાર, ફરી દાદાગીરીનો વીડિયો વાયરલ
