Delhi News/ દિલ્હી મેટ્રોમાં CISF જવાન સાથે મુસાફરોની ઝપાઝપી, યુવતીના ફોટા લેવાનો આરોપ

દિલ્હી મેટ્રોના AIIMS સ્ટેશન પર CISF જવાન પર યુવતીના પરવાનગી વગર ફોટા પાડવાનો આરોપ લાગ્યો. મામલો વધતા મુસાફરોએ જવાનનો ફોન લીધો અને ઝપાઝપી થઈ. ઘટના બાદ જવાનને સસ્પેન્ડ કરી તપાસ શરૂ કરાઈ.

Top Stories India
CISF

Delhi Metro News: દિલ્હી મેટ્રોના AIIMS સ્ટેશન પર CISFના એક જવાન સાથે મુસાફરોની ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક મુસાફરો જવાનનો ફોન પોતાના કબજામાં લેતા અને તેનો કોલર પકડીને પૂછપરછ કરતા જોવા મળે છે.

મળતી માહિતી મુજબ, એક યુવતીએ CISF જવાન પર તેની જાણકારી કે પરવાનગી વગર ફોટા પાડવાનો આરોપ લગાવ્યો હતો. યુવતીએ આ અંગે જવાનને પૂછતાં તેણે ફોટા પાડ્યા હોવાનો ઇનકાર કર્યો હતો. જોકે, જવાનના ફોનની ગેલેરી તપાસવામાં આવતા યુવતીના કેટલાક ફોટા મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફોટા ડિલીટ કરવાની માંગને લઈને મેટ્રો કોચમાં હોબાળો વધી ગયો હતો. વાયરલ વીડિયોમાં મુસાફરો જવાનને સવાલ કરતા અને ફોન અંગે વાતચીત કરતા જોવા મળે છે. યુવતીને પણ પોતાના ફોટા ડિલીટ કરવાની માંગ કરતી સાંભળી શકાય છે.

માહિતી અનુસાર, ઘટનાના સમયે જવાને મુસાફરો તરફ બંદૂક તાણી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ દાવા અંગે સત્તાવાર રીતે વધુ વિગતો સામે આવી નથી.

આ ઘટના શનિવારે મોડી રાત્રે દિલ્હી મેટ્રોની યલો લાઇન પર આવેલા AIIMS મેટ્રો સ્ટેશનમાં બની હોવાનું જાણવા મળ્યું છે. તેનો વીડિયો રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

મેટ્રો પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે રાત્રે લગભગ 12:40 વાગ્યે ઘટનાને લઈને PCR કોલ મળ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવતીએ CISF જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ન હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારબાદ સમગ્ર મામલાની જાણ CISFના અધિકારીઓને કરવામાં આવી હતી.

CISF સૂત્રોના જણાવ્યા મુજબ, ઘટનાની જાણ થયા બાદ સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો:  એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરનો હંગામો: વિન્ડો પર મુક્કા મારી નુકસાન પહોંચાડ્યું, CISFએ ઝડપી લીધો

આ પણ વાંચો: ફોન ઓટો-રીસેટ કરતા બેંક ખાતું ખાલી! મુંબઈમાં નવા સાયબર ફ્રોડથી CISF જવાનને ₹95 હજારનો ફટકો

આ પણ વાંચો: સુરત એરપોર્ટ પર તૈનાત CISFની વિજિલન્સ ટીમે સોનાની દાણચોરી પકડી