Gandhinagar News: ગુજરાતમાં પ્રદેશપ્રમુખની નિમણૂક થયા પછી મંત્રીમંડળનો ગંજીફો ચીપાવવાના આરે છે. સીએમ ભુપેન્દ્ર પટેલ આના માટે મંગળવારે દિલ્હી ગયા હતા રાત્રે જ પરત ફરે તેવી વાત હતી, હવે તે દિલ્હીમાં રોકાતા ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ભાજપના વર્તુળોમાં રાજકીય અટકળોએ વેગ પકડ્યો છે. આના પગલે તે માન્યતા પ્રબળ બની છે કે સીએમ પરત ફરે એટલે મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ થઈ જ જશે. આમ દિવાળી પહેલા જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે. આમ ધનતેરસે જ આ કેબિનેટનું વિસ્તરણ થાય તેમ મનાય છે. તેની સાથે નવા નીમાનાર ધારાસભ્યોની ધનતેરસ સુધરશે અને બરતરફ થનારા ધારાસભ્યોને ત્યાં ધનતેરસે જ કાળીચૌદસ બેસી જશે.
ફક્ત સીએમ ભુપેન્દ્ર પટેલ જ દિલ્હીમાં છે તેવું નથી, પક્ષપ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકર શેટ્ટી પણ ત્યાં જ છે. આમ મંત્રીમંડળના વિસ્તરણને લઈને સઘન ચર્ચા ચાલી રહી છે. ઉત્તર ગુજરાતમાંથી બેથી ત્રણ ધારાસભ્યની લોટરી લાગી શકે છે. આ ઉપરાંત મંત્રીમંડળમાં બે મહિલા ધારાસભ્યોને પણ સ્થાન પણ મળી શકે છે. સીએમ ભુપેન્દ્ર પટેલની દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે પાંચ કલાક સુધી બેઠક ચાલી હતી.
આના પગલે સીએમ ભુપેન્દ્ર પટેલનો કૃષિ મહોત્સવ કાર્યક્રમ રદ કરી દેવાયો છે. તેથી હવે ભાજપના રાજકીય વર્તુળોમાં માની લેવાયું છે કે મંત્રીમંડળનો ગંજીફો ગમે ત્યારે ચીપાઈ શકે છે. તેમા અર્જુન મોઢવાડિયા, જયેશ રાદડિયા, રીવાબા જાડેજા, સંજય કોરડિયાનું સ્થાન નિશ્ચિત મનાય છે. મંત્રીમંડળમાં 11 સભ્યો પડતા મૂકવામાં આવે તેમ માનવામાં આવે છે. તેની સામે 16 ધારાસભ્યને સ્થાન આપવામાં આવે તેમ મનાય છે.
આ મંત્રીમંડળમાં અલ્પેશ ઠાકોર, અમિત ઠાકર, ઉદય કાનગડ, હીરા સોલંકી, દર્શિતા, શાહ, કૌશિક વેકરિયા, પ્રદ્યુમ્ન વાંજા, શંકર ચૌધરી, જીતુભાઈ વાઘાણી, કેયુર રોકડિયા, જીતુ ચૌધરી, સંગીતા પાટિલ અને સી.જે ચાવડાને સ્થાન મળી શકે છે. જ્યારે બચુખાબ, રાઘવજી પટેલ, ભીખુસિંહ પરમાર, કનુભાઈ દેસાઈ,પરસોત્તમ સોલંકીની વિદાય નિશ્ચિત મનાય છે.
મ્યુનિસિપલ ચૂંટણીઓ અને વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોટા ફેરફારો કરવામાં આવશે. રાજ્યમાં 2027 માં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. મંત્રીમંડળમાં ફેરબદલનો હેતુ જાતિ અને પ્રાદેશિક સંતુલન જાળવવાનો રહેશે. 2022 માં મળેલા પ્રચંડ વિજય પછી રાજ્યમાં કોઈ મંત્રીમંડળમાં ફેરબદલ થયો નથી. તાજેતરમાં, ભાજપે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી. ઓબીસી નેતા જગદીશ વિશ્વકર્માને ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી પણ છે. પરિણામે, એક વ્યક્તિ, એક પદના સિદ્ધાંત હેઠળ, તેમણે તેમના મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડશે.
આ પણ વાંચો: Gujarat News/દિવાળીના શુભેચ્છા કાર્ડમાં મંત્રી લખવું કે ધારાસભ્ય! મંત્રીઓ મૂંઝવણમાં કેમ?
આ પણ વાંચો: Gujarat News/મુખ્યમંત્રીએ મંત્રી મંડળના વિસ્તરણ અંગે મંત્રીઓ સામે શું કહ્યું? જો વિસ્તરણ થાય તો કોને મળી શકે છે સ્થાન
આ પણ વાંચો: MANTAVYA Vishesh/તંત્રથી તો તોબા-તોબાઃ ધારાસભ્યો તંત્રની તુમારશાહીથી અકળાયા, શિસ્તના ઉડ્યા લીરેલીરા
