Colombia Earthquake News: કોલંબિયામાં સોમવારે આવેલા 7.4ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 111 પર પહોંચી ગયો છે, જ્યારે ઓછામાં ઓછા 87 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અનેક મકાનો અને અન્ય ઈમારતોને નુકસાન પહોંચતા અસરગ્રસ્ત વિસ્તારોમાં ભયનો માહોલ છે.
યુએસ જીઓલોજિકલ સર્વે (USGS)ના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર રાજધાની બોગોટાથી આશરે 400 કિલોમીટર દૂર ચોકો પ્રદેશના સાન જોસ ડેલ પાલ્મર નજીક હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર લગભગ 107 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું નોંધાયું છે.
અનેક વિસ્તારોમાં નુકસાન, લોકો ઘરની બહાર
ભૂકંપની અસર ચોકો ઉપરાંત રિસારાલ્ડા, વેલે ડેલ કાકા અને કેલ્ડાસ સહિતના વિસ્તારોમાં જોવા મળી છે. કેટલીક ઈમારતોને નુકસાન થતાં ધરાશાયી થવાની આશંકાને પગલે અનેક લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. બચાવ ટીમો દ્વારા નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ભૂકંપ બાદ 2.8 અને 4.8ની તીવ્રતાના આફ્ટરશોક પણ નોંધાયા છે. સંભવિત વધુ આફ્ટરશોકને ધ્યાનમાં રાખીને કટોકટી વિભાગોને સાવચેત રાખવામાં આવ્યા છે.
રાહત કામગીરીમાં મુશ્કેલીઓ
ચોકો પ્રદેશ ભૌગોલિક રીતે ખૂબ જ મુશ્કેલ અને દૂરના વિસ્તારમાં આવેલો હોવાથી રાહત અને બચાવ કામગીરી પડકારજનક બની છે. ખરાબ રસ્તાઓ, મર્યાદિત માળખાકીય સુવિધાઓ અને મુશ્કેલ ભૂપ્રદેશને કારણે બચાવ ટીમોને અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે.

સરકારે પરિસ્થિતિને ગંભીરતાથી લેતાં રાષ્ટ્રીય સ્તરે આપત્તિ વ્યવસ્થાપન તંત્રને સક્રિય કર્યું છે. કટોકટી કેન્દ્રમાંથી રાહત અને બચાવ કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. સરકારનું કહેવું છે કે અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ પહોંચાડવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
પાડોશી દેશોમાં પણ અનુભવાયો આંચકો
અહેવાલો અનુસાર, ભૂકંપના આંચકા કોલંબિયાની બહારના કેટલાક પાડોશી દેશોમાં પણ અનુભવાયા હતા. જેમાં ઇક્વાડોર, વેનેઝુએલા અને પનામાનો સમાવેશ થાય છે. જોકે, કોલંબિયા સિવાયના દેશોમાં મોટા પાયે નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા નથી.
કોલંબિયાની ભૂસ્તરશાસ્ત્રીય સેવા અનુસાર, આ ભૂકંપ છેલ્લા એક દાયકામાં દેશમાં નોંધાયેલા સૌથી શક્તિશાળી ભૂકંપોમાંનો એક હોવાનું માનવામાં આવે છે. હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાં જાનમાલના નુકસાનનું વધુ ચોક્કસ આકલન કરવા માટે કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચો: ઇજિપ્તમાં ભૂકંપના આંચકાથી ધ્રુજી ધરા; રિક્ટર સ્કેલ પર 5.4 રહી તીવ્રતા
આ પણ વાંચો: જાપાનમાં 7.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 13નાં મોત; અનેક ઇમારતો ધરાશાયી
આ પણ વાંચો: ઈરાનના ખુઝેસ્તાનમાં 5 ની તીવ્રતાનો ભૂકંપ, ઈમરજન્સી એલર્ટ જાહેર
