પ્રફુલ્લ ત્રિવેદી, એસોસિયેટ એડિટર
અમદાવાદ મ્યુનિ.ના ભ્રષ્ટ ગણાતા ટોપ-10 ખાતાઓમાં TDO-એસ્ટેટખાતાનો સમાવેશ પહેલા ત્રણમાં થાય છે. ત્રણ-ત્રણ વખત ઇમ્પેક્ટફી લાવવા છતાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે. પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક રૂ. 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. તેના પ્રત્યાઘાતો પણ અત્યંત ગંભીર પડ્યા છે. ટીડીઓનો વહીવટ સુધારવા કમિશ્નર એમ થેન્નારાસને નવો પરિપત્ર બહાર પાડ્યો છે, જોઈએ તંત્ર કેટલું સુધરે છે.
શહેરના પૂર્વઝોનના TDO ખાતાના બહાર આવેલા કૌભાંડો અને આસિસ્ટન્ટ TDO હર્ષદ ભોજક રૂ. 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો તેમજ તેના ઘરમાંથી રૂ. 70 લાખની રોકડ સહિતની મિલકતો ઝડપાઈ તે મુદ્દે હલચલ મચી ગઈ છે. પૂર્વ ઝોનના ડેપ્યુટી ટીડીઓના પ્રમોશનના મુદ્દે પણ ગરમાગરમ ચર્ચા શરૂ થઈ છે. આ 20 લાખમાં કેટલા ભાગીદાર થવાના હતા, તે પણ મુદ્દો તપાસ માંગી લે છે. દરમિયાનમાં મ્યુનિ. કમિશ્નર એમ થેન્નારાસને વહીવટી સુધારણાનો નવો પરિપત્ર બહાર પાડ્યો છે, જેમા જનસંપર્કની પદ્ધતિ સુધારવી, ઓનલાઇન પ્રક્રિયા પર ભાર મૂકવો, સીસીટીવી કેમેરા ચાલુ રાખવાની બાબત પર ભાર મૂક્યો તેમજ બીયુ બિલ્ડિંગ યુઝ પરમિશનની પ્રક્રિયામાં ક્રાંતિકારી પરિવર્તન કરવાની બાબત સૂચવવામાં આવી છે.
પરિપત્રમાં જણાવાયું છે કે બીયુ-બિલ્ડિંગ યુઝ પરમિશન સેન્ટ્રલી ઇનવર્ડ થશે અને પછી કેસ સંબંધિત વોર્ડમાં જવાના બદલે ચકાસણી માટે અન્ય ઝોનના ટીડીઓ-એસ્ટટેટ અને સંબંધિત એન્જિનિયરોને મોકલવાની વ્યવસ્થા ડેપ્યુટી કમિશ્નર (યુડી)એ ગોઠવવાની રહે છે. વોર્ડના રેન્ડમ સિલેકશનની પસંદગી ડ્રો-સિસ્ટમથી કરાશે. સ્થળ તપાસનો રિપોર્ટ બંધ કવરમાં મોકલવાનો રહેશે. બીયુ પરમિશનની માંગણી નામંજૂર કરાઈ હોય તેવા કેસોમાંથી રેન્ડમ 10 ટકા કેસો અલગ તારવી જે અધિકારીએ માંગણી નકારી હોય તેના ઉપરના અધિકારી ચકાસણી કરશે.તેનું અઠવાડિક મોનિટરિંગ ડે. કમિશ્નર (યુડી) કરશે.
ઉપરાંત તમામ ઝોનના ડેપ્યુટી કમિશ્નરોએ તેમના ઝોનના ડેપ્યુટી ટીડીઓ ખાતામાં એક જનસંપર્ક અધિકારી બેસાડવાનો રહેશે. અરજદારો અધિકારીઓનો સીધો સંપર્ક નહીં કરી શકે. જનસંપર્ક અધિકારી જ જે-તે પ્રશ્નોના જવાબો મુલાકાતીને આપશે. ઝોનલ કચેરીઓમાં સીસીટીવી કેમેરા ના હોય તો લગાડવાના રહેશે અને જે હોય તે ચાલુ છે કે નહી તેની અવારનવાર ચકાસણી કરવાની રહેશે. ટીડીઓ-એસ્ટેટ ખાતામાં સરકારશ્રીના ઇ-સરકાર મોડ્યુલર સાથે સંલગ્ન થઈ શકે તેવું પોર્ટલ સોફ્ટવેર ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર (ઇ-ગવર્નન્સ)એ બનાવવાનું રહેશે. તેમા ડેશબોર્ડ સાથે રિપોર્ટ અને રિવ્યુ સિસ્ટમ ગોઠવવાની રહેશે.
આ સુધારાની અસર આગામી દિવસો બિલ્ડરો, કન્સલ્ટન્ટો, એન્જિનિયરો અને ટીડીઓ-એસ્ટેટ ખાતાના અધિકારીઓમાં કેવી પડે છે. તેમજ ભ્રષ્ટાચારનો ભરડો કેટલો ઢીલો પડે છે તે જોવાનું રહે છે. જો કે ગંભીર પ્રકારના કોર્ટ કેસો ચાલતા હોય તેવા પ્લોટો પર રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર જીડીસીઆરને કોરાણે મૂકીને અપાતી બાંધકામની મંજૂરી અંગે મૌન સેવવામાં આવ્યું છે. કોર્ટ કેસ ચાલુ હોવા છતાં બીયુ પરમિશન બાબતે પણ કોઈ ઉંડાણથી છણાવટ નથી કરાઈ. જો અરજદારની તરફેણમાં ચુકાદો આવે તો મ્યુનિ. બીયુ રદ કરશે? મ્યુનિ. તંત્ર કઈ રીતે ન્યાય અપાવી શકશે તેવો પ્રશ્ન ઠેરનો ઠેર રહે છે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો: સાળંગપુર કષ્ઠભંજન દેવનો જુઓ દિવ્ય શણગાર, જોઈને અભિભુત થઈ જશો!
આ પણ વાંચો: પાટણમાં શ્રાવણીયો જુગાર રમતા 27 ઝડપાયાં
આ પણ વાંચો: બનાસકાંઠાની વિદેશ ગયેલી શિક્ષિકાનો આચાર્ય પર લાંચ માંગ્યાનો આરોપ