સ્થાનિક સ્વરાજ ચૂંટણી/ અમદાવાદ મનપામાં કોંગ્રેસની 192 બેઠકનો હિસાબ

@સોનલ અનડકટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ – અમદાવાદ મનપા માટે નેતાઓના મળતિયાઓને ટિકીટ – ભરતસિંહ સોલંકી જૂથના 53 દાવેદારો ફાવ્યા – સિનિયર નેતાઓની ભલામણો ધ્યાને જ ન લેવાઈ રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે પ્રદેશ કોંગ્રેસમાં હજુ પણ ઉમેદવારોની પસંદગી મુદ્દે ખેચતાણ ચાલી રહી છે. એક તરફ કોંગ્રેસી નેતાઓ પૈસા […]

Ahmedabad Gujarat
congress 1 અમદાવાદ મનપામાં કોંગ્રેસની 192 બેઠકનો હિસાબ

@સોનલ અનડકટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

– અમદાવાદ મનપા માટે નેતાઓના મળતિયાઓને ટિકીટ
– ભરતસિંહ સોલંકી જૂથના 53 દાવેદારો ફાવ્યા
– સિનિયર નેતાઓની ભલામણો ધ્યાને જ ન લેવાઈ

રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે પ્રદેશ કોંગ્રેસમાં હજુ પણ ઉમેદવારોની પસંદગી મુદ્દે ખેચતાણ ચાલી રહી છે. એક તરફ કોંગ્રેસી નેતાઓ પૈસા લઈને ઉમેદવારોની પસંદગી કરતા હોવાનો આક્ષેપ ખુદ કોંગ્રેસીઓ જ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ જ મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રાજીનામુ ધરી દઈ પ્રેશર ટેકનીક અપનાવી છે. કોંગ્રેસમાં ચૂંટણી સમયે હંમેશા જૂથવાદ સપાટી પર નહી પણ ડંકાની ચોટ પર હોય છે. કોંગ્રેસના પ્રત્યેક નેતાએ પોતાના ઉમેદવારોના સોગઠા મનપા ચૂંટણીમાં ગોઠવી દીધા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્યા નેતાના કેટલા ઉમેદવાર ક્યા ગોઠવાયા તેના આંકડા મંતવ્ય ન્યુઝ પાસે આવ્યા છે.

પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના દાવેદારો મેદાન મારી ગયા
કોંગ્રેસમાં હંમેશા ચૂંટણી પક્ષ નહી પણ નેતાઓ લડતા હોય છે, કારણ કે કોંગ્રેસીઓ પક્ષને જીતાડવા નહી પણ પોતપોતાના જૂથના મોભી એવા નેતાઓના પ્યાદાને જીતાડવા સક્રિય હોય છે. ચૂંટણી સમયે કોંગ્રેસના નેતાઓના જૂથવાદ સપાટી પર આવે છે અને સૌ પોતાના માનીતાઓને ગોઠવવા સક્રિય થાય છે. જે નેતા વધુ મજબુત હોય તેના પ્યાદા વધુ ગોઠવાય છે. અત્યારે ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી વધુ મજબુત છે અને માટે જ તેમના જૂથના દાવેદારો વધુ ટિકીટ મેળવી ગયા છે. ભરતસિંહની પ્રદેશ પર પક્કડ એટલી મજબુત છે કે ચાર ચૂંટણી પ્રભારીઓ દિપક બાબરીયા, સી. જે. ચાવડા, અલ્કાબેન ક્ષત્રિય અને યુનુસ પટેલનું પણ કંઈ ચાલ્યુ નથી. ભરતસિંહ જૂથના 53 દાવેદારોને ટિકીટ આપવામાં આવી છે. ભરતસિંહના જૂથમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, શહેર પ્રમુખ શશિકાંત પટેલ, નિતિન પટેલ (નારણપુરા), ધર્મેશ પટેલનો સમાવેશ થાય છે. માધવસિંહ સોલંકીના નિધનથી ભરતસિંહ પોતે જ કોગ્રેસમાં સીધા સક્રિય થતા તેમના જૂથને ઘીકેળા થઈ ગયા. જાેકે ભરતસિંહના સક્રિય થવાથી અન્ય નેતાઓના જૂથને મોટો ફટકો પડ્યો છે.

વર્ષોથી નિષ્ક્રિય નેતાઓની ભલામણો ધ્યાને લેવાઈ
અમદાવાદ મનપા માટે ઉમેદવારોની પસંદગીમાં એવા નેતાઓની માગણીઓને પ્રધાન્ય આપાયુ છે જે ગુજરાત કોંગ્રેસમાં લાંબા અરસાથી નિષ્ક્રિય છે. શહેરની બિલ્ડર લોબી સાથે સંકળાયેલા મિહીર શાહ અને જે. બી. પટેલની ભલામણોને પ્રાધાન્ય આપી જાેધપુર અને વેજલપુર વોર્ડમાં તેમની ભલામણ મુજબના ઉમેદવારોને ટિકીટ અપાઈ છે. આ બંને નેતાઓની ભલામણથી પાંચ ટિકીટ અપાઈ છે.

કોંગ્રેસના જાણીતા નેતાઓની ભલામણો ધ્યાને લેવાઈ
પ્રદેશ કોંગ્રેસના જાણીતા કેટલાક નેતાઓની ભલામણોને આધારે ઉમેદવારોની પસંદગી કરાઈ છે. પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ, હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, રાજકુમાર ગુપ્તા, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, સી. જે.ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, લઘુમતિ મોરચા પ્રમુખ વજીરખાન પઠાણની ભલામણોને ધ્યાને લઈ ઉમેદવારોની પસંદગી થઈ છે. એનસીપીની ગઠબંધનના કારણે નોંધ લેવાઈ છે. જાેકે આ તમામ નેતાઓએ ચારથી વધુ ટિકીટો માટે ભલામણો કરી હતી પણ કોઈની બેથી વધુ ભલામણો ધ્યાને લેવાઈ નથી.

કોંગ્રેસના સિનિયર નેતાઓની ભલામણો ધ્યાને જ ન લેવાઈ
પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, સાંસદ અને વિરોધપક્ષના પૂર્વ નેતા શક્તિસંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ સહિતના સિનિયર નેતાઓએ પોતાના દાવેદારો માટે ભલામણ કરેલી પણ તેને ધ્યાને લેવાઈ જ નથી. માટે આ નેતાઓના જૂથના દાવેદારો હાથ ઘસતા રહી ગયા છે.

હાર્દિક પટેલની જૂજ ભલામણો ધ્યાને લેવાઈ
પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે 10થી 11 ટિકિટની માગણી કરી હતી પણ તેની ભલામણો પૈકી જૂજ ભલામણોને ધ્યાને લેવાઈ છે. નિખિલ સવાણી જે એનએસયુઆઈ પ્રમુખ છે અને હાર્દિક પટેલ જૂથના છે તેમના પત્નીને ટિકીટ ફાળવાઈ છે. હાર્દિકે તેના નજીક ગણાતા જયેશ પટેલ માટે ટિકીટ માગેલી પણ તેને અપાઈ નથી.

યુથ કોંગ્રેસ માટે ગેહલોતની ભલામણ
યુથ કોંગ્રેસમાંથી ટિકીટ આપવા માટે અશોક ગેહલોતે ભલામણ કરતા જગદીશ માલીને ટીકીટ ફાળવવામાં આવી છે

સર્વસંમતિવાળી ટિકીટો પણ ફાળવાઈ
કોંગ્રેસમાં નેતાઓની ભલામણ વગરની અને માત્ર લાયકાતને આધારે પસંદગી થઈ હોય તેવી 56 ટિકીટો વહેંચાઈ છે જેમાં વિવિધ વોર્ડમાં નેતાઓની ભલામણ ઉપરાંતના ઉમેદવારો મુકવામાં આવ્યા છે.

મહિલા અને યુવા મોરચાની અવગણના
ઉમેદવારોની પસંદગી માટે યુવા મોરચો, મહિલા મોરચો સહિતના મોરચાઓને ધ્યાને લઈ તેમનામાંથી પણ ઉમેદવારોની પસંદગી કરાતી હોય છે પણ કોંગ્રેસે તેમા પણ આંખ આડા કાન કરતા મહિલા કોંગ્રેસમાં પણ ભડકો થયો છે.

રાજીવ સાતવ માગી રહ્યા છે લેખિત રજૂઆત
કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ પક્ષના જૂથવાદ તેમજ સળગતા મુદ્દાઓ કે પછી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહેલા નેતાઓ વિશે અવારનવાર ધ્યાન દોરે છે પણ રાજીવ સાતવ સિનિયર નેતાઓ પાસે તમામ રજૂઆતો લેખિતમાં માગતા હોવાનો ગણગણાટ કાર્યકર્તાઓમાં થઈ રહ્યો છે. સિનિયર નેતાઓ વાસ્તવમાં મૌખિક રીતે પ્રભારી તરીકે સાતવનું ધ્યાન દોરવા માગતા હોય છે પણ લેખિત રજૂઆત માગીને સાતવ આ રજૂઆતો પર પડદો પાડી દેવાનું વલણ અપનાવતા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.

ક્યા નેતાના નામ પર કેટલી ટિકીટ?
1. ભરતસિંહ સોલંકી – 53
2. રાજકુમાર ગુપ્તા – 04
3. ચેતન રાવલ – 02
4. હિંમતસિંહ પટેલ – 14
5. શૈલેષ પરમાર – 18
6. ગ્યાસુદ્દીન શેખ – 09
7. ઈમરાન ખેડાવાલા – 06
8. મહિલા કોંગ્રેસ – 05
9. યુથ કોંગ્રેસ – 01
10. આઈ. ટી. સેલ – 06
11. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ – 01
12. સી. જે. ચાવડા – 02
13. નિરંજન પટેલ – 05
14. એનસીપી – 01
15. પરેશ ધાનાણી – 02
16. વજીરખાન પઠાણ – 02
17. સર્વસંમતિવાળી બેઠકો – 56
18. મિહીર શાહ અને જે. બી. પટેલ – 05

ક્યા નેતાનુ ક્યા વોર્ડમાં ચાલ્યુ ?
1. શશિકાંત પટેલ – ગોતા, ચાંદલોડિયા, સાબરમતી, ઘાટલોડિયા, થલતેજ, અમરાઈવાડી
2. ભરતસિંહ સોલંકી – ચાંદખેડા
3.નિતિન પટેલ – નવા વાડજ, સ્ટેડિયમ, નવરંગપુરા
4. ભરતસિંહ અને યુથ કોંગ્રેસ – અસારવા
5. રાજકુમાર ગુપ્તા – શાહીબાગ
6. ગ્યાસુદ્દીન શેખ – શાહપુર, દરિયાપુર
7. બોડકદેવ – સર્વસંમતિ
8. મિહીર શાહ, જે. બી. પટેલ – જાેધપુર, વેજલપુર
9. હિંમતસિંહ પટેલ,શૈલેષ પરમાર – ઠક્કરબાપાનગર, નિકોલ, વિરાટનગર,રામોલ
10. હિંમતસિંહ પટેલ, ચેતન રાવલ – ઈન્ડિયા કોલોની
11. હિંમતસિંહ પટેલ – સરસપુર, બાપુનગર
12. અમિત ચાવડ, શાહનવાઝ હુસૈન – ખાડીયા
13. શૈલેષ પરમાર, ઈમરાન ખેડાવાલા – જમાલપુર
14. મહિલા કોંગ્રેસ, મિહીર શાહ – સરખેજ
15. ભરતસિંહ સોલંકી, વજીરખાન – મક્તમપુરા
16. શૈલેષ પરમાર – બહેરામપુરા
17. સર્વસંમતિ – મણિનગર
18. શૈલેષ પરમાર, સર્વસંમતિ – ગોમતીપુર, દાણીલીમડા
19. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, સર્વસંમતિ – ઓઢવ
20. ધર્મેશ પટેલ,સર્વસંમતિ – વસ્ત્રાલ, ઈન્દ્રપુરી, ભાઈપુરા, ખોખરા
21. ધર્મેશ પટેલ, શશિકાંત પટેલ – ઈસનપુર
22. લાખા ભરવાડ, સર્વસંમતિ – લાંભા
23. નિરંજન પટેલ – વટવા