Ahmedabad News/ ગુજરાત યુનિવર્સિટીમાં બોટનિકલ ગાર્ડન મામલે રાજકારણ ગરમાયું, કોંગ્રેસના કઠવાડિયાના ગંભીર આક્ષેપ

ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ના બોટનિકલ ગાર્ડન મામલે કોંગ્રેસના ગંભીર આક્ષેપ. યુનિવર્સિટી તંત્રએ રિસ્ટ્રક્ચરિંગનો કર્યો દાવો.

Breaking News Ahmedabad Gujarat
Gujarat University

Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)ના બોટનિકલ ગાર્ડન અને તળાવને લઈને કોંગ્રેસે યુનિવર્સિટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આરોપ લગાવ્યો છે કે બે પૂર્વ કુલપતિઓના કાર્યકાળ દરમિયાન ગાર્ડન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું અને ડોમના બાંધકામ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.

Gujarat University ના ગાર્ડનને લઈ કોંગ્રેસના આક્ષેપ 

કોંગ્રેસના જણાવ્યા મુજબ વર્ષ 2021માં પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યાના કાર્યકાળ દરમિયાન અર્બોરેટમ (Arboretum)ના બાંધકામ માટે આશરે 9.55 કરોડ રૂપિયાનું ટેન્ડર આપવામાં આવ્યું હતું. આ કામ 18 મહિનામાં પૂર્ણ કરવાનું હતું. ત્યારબાદ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન અર્બોરેટમના ઇન્ટિરિયર ડેવલપમેન્ટ ઉપરાંત આરોગ્ય વન, નક્ષત્ર વન અને રાશિ વન માટે અલગ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. કોંગ્રેસના દાવા મુજબ આ કામ માટે આશરે 15 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

કોંગ્રેસે બંને કામની કુલ રકમને લઈને યુનિવર્સિટી તંત્ર પાસે સ્પષ્ટતા માગી છે. પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ડોમનું કામ પૂર્ણ ન થયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

9 કરોડમાં માત્ર બે ડોમ બનાવ્યાનો કોંગ્રેસનો દાવો

કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે બોટની વિભાગની પાછળ આવેલા બોટનિકલ ગાર્ડન (Botanical Garden)પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, અર્બોરેટમના નામે પ્રથમ આશરે 9 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મંજૂર થયો હતો અને તેમાં બે ડોમ બનાવવામાં આવ્યા હતા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓક્ટર્સ નામની એજન્સીઓને માત્ર સલાહ-સૂચન માટે 1.92 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

ગાર્ડન પર બુલડોઝર કોના આદેશથી ફેરવાયું?

કઠવાડિયાએ સવાલ ઉઠાવ્યો કે બોટનિકલ ગાર્ડન (Botanical Garden)માં 150થી વધુ પ્રકારના પ્લાન્ટ અને સ્પીસીસ હતી અને વિદ્યાર્થીઓ અહીં રિસર્ચ કરતા હતા. તેમ છતાં ગાર્ડન પર બુલડોઝર કોના આદેશથી ફેરવવામાં આવ્યું? કોંગ્રેસે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓના નાણાંનો યોગ્ય ઉપયોગ થયો નથી અને અલગ-અલગ કુલપતિઓના કાર્યકાળ દરમિયાન મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવાના પ્રયાસ થયા હતા. કોંગ્રેસના કાર્યકરોએ બોટનિકલ ગાર્ડન ખાતે પોસ્ટરો સાથે યુનિવર્સિટી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

કુદરતી તળાવ અને મોરના બ્રિડિંગ ઝોન અંગે પણ સવાલ

કઠવાડિયાએ યુનિવર્સિટીના કુદરતી તળાવ (Natural Lake) અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમના દાવા મુજબ, આ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર માટે બ્રિડિંગ ઝોન હતો, જેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ માત્ર વિદ્યાર્થીઓના રિસર્ચનો મુદ્દો નથી, પરંતુ બાયોડાયવર્સિટી (Biodiversity)ને પણ નુકસાન પહોંચાડવાનો મામલો છે. સમગ્ર મુદ્દે તેમણે બોટની વિભાગના વડાને રજૂઆત કરી હતી.

‘ડેવલપમેન્ટ પ્લાન મુજબ રિસ્ટ્રક્ચરિંગ થઈ રહ્યું છે’: વિભાગના વડા

કોંગ્રેસના આક્ષેપો વચ્ચે બોટની વિભાગના વડા હિતેશ સોલંકીએ અલગ પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગાર્ડનનું ડેવલપમેન્ટ 2021ની આસપાસ શરૂ થયું હતું અને તળાવોનો નાશ થયો નથી. તેમના જણાવ્યા મુજબ, ડેવલપમેન્ટ પ્લાન પ્રમાણે તળાવોનું રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટી દ્વારા ત્રણ ડોમમાં નક્ષત્ર વન કોન્સેપ્ટ આધારિત ગાર્ડન વિકસાવવામાં આવી રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓના રિસર્ચના વિષયો અલગ-અલગ હોય છે. બાયોકેમેસ્ટ્રી અને ફિઝિયોલોજી ઉપરાંત કેન્સર, લીવર અને કિડની સંબંધિત બીમારીઓમાં વિવિધ કમ્પોનન્ટ્સની અસરકારકતા અંગે મોલેક્યુલર ડોકિંગ સુધીનું સંશોધન વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. તેથી વિદ્યાર્થીઓનું રિસર્ચ માત્ર બોટનિકલ ગાર્ડન પર આધારિત છે એવું કહી શકાય નહીં.


આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી વિવાદ: પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના સમયના તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ, લાગવગથી કર્મચારીઓને લગાવ્યા નોકરીમાં, ABVPનો ઉગ્ર વિરોધ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ VC નીરજા ગુપ્તા સામે કરોડોના પગાર ખર્ચનો આક્ષેપ, ABVPએ કરી તપાસની માંગ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટીમાં B.Comની પરીક્ષામાં મોટો લોચો, વિદ્યાર્થીઓને વહેંચી દીધા ખોટા પેપર