– રાજ્યમાં 25 વર્ષથી ભાજપનું શાસન છતાં ભરતી નહી: વિરજી ઠુમર
– રાજ્યમાં કોરોનાના ફેલાવા માટે સરકાર જવાબદાર
સોમવાર, ગાંધીનગર
વિધાનસભા ગૃહમાં આરોગ્ય વિભાગની માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા કોગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમરે આરોગ્ય ક્ષેત્રે સરકાર પર આક્ષેપ કર્યા હતા. સરકારી હોસ્પિટલમાં તબીબો સહિતના સ્ટાફની ઘટ મુદ્દે વિરજી ઠુમરે આક્ષેપ કરી કોરોનાના બીજા તબક્કા માટે સરકારે જવાબદાર ઠેરવી હતી. જે મુદે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે વિરોધ નોંધાવ્યો હતો.
ગૃહમાં આરોગ્ય વિભાગની માગણીઓ પરની ચર્ચામાંં ભાગ લેતા વિરજી ઠુમરે જણાવ્યુ કે ભાજપ સરકારનું રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી શાસન છે તેમ છતાં હજુ સુધી સરકારી હોસ્પિટલોમાં તબીબો સહિતના સ્ટાફની ઘટ જાેવા મળી રહી છે. સરકાર ખાલી જગ્યા પર નિમણુક કરતી નથી અને લોકો પરેશાન થાય છે. આ નિમણુકો કરવાના બદલે ભાજપ સરકાર સતત અગાઉની કોંગ્રેસ સરકાર પર આક્ષેપો કરી રહી છે પણ છેલ્લા 25 વર્ષમાં ભાજપ સરકારે આરોગ્ય ક્ષેત્રે શુ કર્યુ તેના તરફ નજર નાખવી જાેઈએ. કોરોનાના સંક્રમણના ફેલાવા મુદ્દે વિરજી ઠુમરે સીધી જ સરકારને જવાબદાર ઠેરવતા કહ્યુ કે ચૂંટણી પ્રક્રિયા, રાજકીય મેળાવડા અને ભાજપના નેતાઓના જન્મદિવસની ઉજવણી માટે કરાતા તાયફાઓના કારણે કોરોનાના કેસ રાજ્યમાં વધ્યા છે. તાયફા શબ્દ સાંભળતા જ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ભડક્યા હતા અને તેમણે અધ્યક્ષને વિનંતિ કરી હતી કે ઠુમરને તેઓ અધવચ્ચે જ બોલતા અટકાવે. તાયફા શબ્દ ખોટો છે અને તે ન વાપરવો જાેઈએ. નિતિન પટેલની રજૂઆત બાદ તાયફા શબ્દ અધ્યક્ષે રેકર્ડ પરથી દૂર કર્યો હતો. વિરજી ઠુમરે જણાવ્યુ કે દેશમાં 66 ટકા લોકો રોજનુ કમાઈને રોજ ખાનારા છે ત્યારે વધી રહેલા કેસોના પગલે કર્ફયુ જેવી પરિસ્થિતિનુ થતુ નિર્માણ નાગરિકો માટે મુશ્કેલરુપ બની રહ્યુ છે.
આ મુદ્દે ગૃહની બહાર કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યુ કે નમસ્તે ટ્ર્મ્પના કાર્યક્રમના લીધે કોરોના આવ્યો. ચૂંટણીઓના કારણે કેસ વધ્યા .ચૂંટણીમાં કોરોના ગાઈડલાઈનનુ પાલન ચુસ્તપણે નહી થઈ શકે તે નક્કી હોવા છતાં પણ સરકારે ચૂંટણી યોજી. સરકાર ધારે તો ચૂંટણી મુલત્વી રાખી શકાઈ હોત. મોદી સ્ટેડિયમની ભીડ બધાએ જાેઈ હતી. સ્ટેડિયમમાં રાજ્યકક્ષાના કેટલાક મંત્રીઓ પણ મેચ જાેવા બેઠા હતા. સરકારે એએમટીએસ અને બીઆરટીએસ બંધ કરી પણ એસટી બસ હજુ ચાલુ રાખી છે. એસટી બસમાં કોરોના નથી હોતો તેવો સવાલ ગ્યાસુદીન શેખે કરી કોરોનાના ફેલાવા માટે સરકારને જવાબદાર ઠેરવી હતી. પોલીસ કમિશનર માસ્ક ન પહેરવાના દંડની વસુલાત મુદ્દે પોલીસકર્મીઓને ટાર્ગેટ આપે છે તે પણ અયોગ્ય હોવાનું શેખે જણાવ્યુ હતુ.