આવેદનપત્ર/ સુરત ગ્રામીણમાં ઇન્જેકશન અને વેક્સિનની અછત મામલે કોંગ્રેસે કલેકટરને આવેદન આપ્યુ

સુરતમાં કોંગ્રેસે કલેકટરને આવેદન આપ્યું

Gujarat
congress સુરત ગ્રામીણમાં ઇન્જેકશન અને વેક્સિનની અછત મામલે કોંગ્રેસે કલેકટરને આવેદન આપ્યુ

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે ત્યારે સુરત જીલ્લા ગ્રામીણ વિસ્તારમાં ઇન્જેક્શન,વેક્સિન સહિત મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની અછત હોવાને કારણે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી કચેરીની સામે દેખાવો કર્યા હતાં. જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા પીએચસી અને સીએચસી હેલ્થ સેન્ટરો સહિત રેફરેલ હોસ્પિટલમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની અછત તેમ જ રેમડેસીવીર ખૂબ જ જરૂરિયાત ઉભી થતા કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરી બહાર આજરોજ રવિવારે મૌન દેખાવો કર્યા હતા. આ અંગે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારે મોટા પાયે વેક્સિનની જાહેરાત કરી દીધી છે. પરંતુ, ગ્રામીણ વિસ્તારમાં વેક્સિનનો જરૂરીયાત મુજબ સ્ટોક ન હોવાના કારણે અહીં સંક્રમણ વધ્યું છે. આજે પણ લોકો વેક્સિનથી વંચિત રહ્યા છે.

ગ્રામીણ વિસ્તારમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ હોવા છતાં રેમડેસીવીર ઇન્જેક્શનની યોગ્ય વ્યવસ્થા નથી. મેડિકલ સહિત પેરામેડિકલ સ્ટાફની પણ અછત છે. આરટીપીસીઆર ટેસ્ટની કિટ પણ ખૂંટી પડી છે. ગ્રામીણ વિસ્તારમાં પણ કોવિડ આઇસોલેશન સેન્ટરો ઉભા કરવામાં આવે તેવી રજૂઆત સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે ગામડાંમાં પણ કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે. તે અનુસંધાનમાં સરકારે સત્વરે પગલાં લેવા જોઇએ.