Ramrajya Vs Secularity/ રામમંદિરનું નિર્માણઃ ભાજપનું ‘ઉત્તરાયન’ અને કોંગ્રેસનું ‘દક્ષિણાયન’

રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને 22મી જાન્યુઆરીએ થવાની છે. આ 500 વર્ષ કરતાં પણ વધુ જૂના મુદ્દાનો ઉકેલ લાવીને ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં તેના જ્વલંત વિજયને અત્યારથી જ સુનિશ્ચિત કરવાની દિશામાં પગરણ માંડી દીધા છે.

Top Stories Mantavya Vishesh
BJP Ramtemple Congress રામમંદિરનું નિર્માણઃ ભાજપનું 'ઉત્તરાયન' અને કોંગ્રેસનું 'દક્ષિણાયન'

રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને 22મી જાન્યુઆરીએ થવાની છે. આ 500 વર્ષ કરતાં પણ વધુ જૂના મુદ્દાનો ઉકેલ લાવીને ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં તેના જ્વલંત વિજયને અત્યારથી જ સુનિશ્ચિત કરવાની દિશામાં પગરણ માંડી દીધા છે. જ્યારે રાબેતા મુજબ કોંગ્રેસે પોતાના પગ પર કુહાડો મારવાની વૃત્તિ જારી રાખતા રામમંદિરની ઇવેન્ટને ભાજપ પ્રેરિત રાજકીય ઇવેન્ટ ગણાવી છે.

અહીં સૌથી મહત્વની વાત એ છે કે રામમંદિર મુદ્દે કોંગ્રેસની અંદર પણ તડા પડી ગયા છે. કોંગ્રેસના ઉત્તર ભારતના નેતાઓ રામમંદિર નિર્માણનું આંતરિક સ્તરે સ્વાગત કરે છે, પણ કોંગ્રેસનું હવે ઉત્તર ભારતમાં કોઈ જનપ્રતિનિધિત્વ જ રહ્યું નથી. તેથી કોંગ્રેસની અંદર ઉત્તર ભારતીય નેતાઓની પણ કોઈ પીપૂડી વાગતી નથી. કોંગ્રેસના પ્રમુખથી લઈને તેનો બધો જનાધાર કહો તે દક્ષિણમાં જ છે. આમ રામમંદિરના લીધે ભાજપનું ઉત્તરાયન તો કોંગ્રેસનું દક્ષિણાયન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

આજે કોંગ્રેસ પાસે ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશને બાદ કરતાં કોઈ રાજ્યમાં સત્તા નથી. તેમા કેટલાય રાજ્યોમાં તો તે બીજા નંબરે પણ નથી. તેની સામે દક્ષિણમાં કોંગ્રેસ પાસે ગયા વર્ષે જીતેલા કર્ણાટક અને તેલંગણામાં જ સત્તા છે. કેરળમાં તેમણે ડાબેરીઓને સમર્થન આપેલું છે. હવે સમગ્ર દેશનો રાજકીય પરિવેશ જોઈએ તો ઉત્તર ભારતનો મિજાજ ભાજપ તરફી તો દક્ષિણના અમુક રાજ્યનો મિજાજ કોંગ્રેસ તરફી છે. હવે આગામી લોકસભા ચૂંટણીમાં જોવાનું એ છે કે દક્ષિણમાં રામમંદિર નિર્માણનું કેટલું પ્રતિબિંબ પડવાનું છે. રામમંદિરના સથવારે ભાજપ દક્ષિણમાં કેટલી સીટો અંકે કરી શકે છે.

Congress રામમંદિરનું નિર્માણઃ ભાજપનું 'ઉત્તરાયન' અને કોંગ્રેસનું 'દક્ષિણાયન'

કોંગ્રેસે હિમાચલ, કર્ણાટક અને તેલંગણામાં કોંગ્રેસના વિજયનો શ્રેય રાહુલ ગાંધીની યાત્રાને આપ્યો છે, પરંતુ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં પરાજયની જવાબદારી ત્યાંના આગેવાનો પર ઢોળી છે. આ પ્રકારની નીતિ સાથે કોંગ્રેસ કેટલો સમય આગળ રહી શકશે. ગાંધી પરિવાર આજે પણ કોંગ્રેસનો ચહેરો છે અને કોંગ્રેસ આ હકીકતથી આજે પણ અળગી થઈ શકી નથી. કોંગ્રેસ આજે પણ ગાંધી પરિવાર વગર તેનું અસ્તિત્વ જ નથી તે રીતે વર્તી રહી છે.

તેની સામે ભાજપે વંશવાદી પાર્ટીઓથી દેશના રાજકારણને મુક્ત કરો તે રાગ રામમંદિરની સાથે આલાપ્યો છે. તેની સાથે રામમંદિરના આમંત્રણને નકારનારા રાજકીય પક્ષોને હવે સનાતન વિરોધીઓનું લેબલ આપવાનું શરૂ કર્યુ છે. પોતાના રાજકીય હરીફોને સનાતન વિરોધી ગણવાની ભાજપની આ નવી વ્યૂહરચનાનો જવાબ કોંગ્રેસ કઈ રીતે આપવાનો છે તે જોવાનું છે. કોંગ્રેસ ભાજપે રામમંદિર આંદોલન ઉપાડ્યું ત્યારથી તેનો યોગ્ય રીતે જવાબ આપવામાં નિષ્ફળ ગઈ છે. ભાજપે રામમંદિરનો મુદ્દો ઉપાડીને તેને હિંદુત્વ સાથે જોડ્યો અને ભગવાન શ્રીરામને રાષ્ટ્રપુરુષ અને રાષ્ટ્રનાયક તરીકે દર્શાવી દીધા. હવે કોંગ્રેસની બિનસાંપ્રદાયિકતા સામે ભાજપે રામરાજ્યની પરિકલ્પના મૂકીને તેના બિનસાંપ્રદાયિક રાજકારણનો છેદ ઉડાડી દીધો છે.

ભાજપે ભગવાન શ્રીરામને અને તેમની રામરાજ્યની કલ્પનાને સર્વસમાવેશી ગણાવી છે. તેની સામે કોંગ્રેસની બિનસાંપ્રદાયિકતાની નીતિ ખોખલી સાબિત થઈ રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો ભાજપે તેના હિંદુત્વ સામેના પડકારો ઉદભવે તે પહેલા જ તેની હિંદુત્વની બ્રાન્ડને ભગવાન શ્રીરામમાં વિલીન કરી દીધી છે અને કોંગ્રેસ સમક્ષ રામરાજ્ય સામે લડવાનો પડકાર મૂક્યો છે. હાલમાં દેશમાં ભગવાન શ્રીરામના નામની ચાલતી અખંડ ધૂનની સાથે દિવસો વીતવાની સાથે-સાથે કોંગ્રેસ વધુને વધુ ખંડિત થઈ રહી છે.

BJP Modi Ramtemple રામમંદિરનું નિર્માણઃ ભાજપનું 'ઉત્તરાયન' અને કોંગ્રેસનું 'દક્ષિણાયન'

ભાજપ તેના પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા દરેક પ્રહારને પહેલા હિંદુત્વના પ્રહાર, હવે સનાતની વિરોધી અને ભગવાન રામ વિરોધી તરીકે ગણાવવામાં સફળ રહ્યુ છે. તેમા કોંગ્રેસે રામસેતુના કરેલો વિરોધ, ભગવાન રામને કાલ્પનિક ગણાવીને ભારતની વિવિધ કોર્ટોમાં કરેલી એફિડેવિટને લોકો સમક્ષ દર્શાવી રહ્યુ છે. આ રીતે ભાજપ કોંગ્રેસ હિંદુ, હિંદુત્વ, હિંદુ સંસ્કૃતિ અને હવે સનાતન સંસ્કૃતિના વિરોધી તરીકે ગણાવવામાં સફળ નીવડી રહ્યુ છે. તેના લીધે કોંગ્રેસનો ભાજપ વિરોધી દરેક પ્રહાર બૂમરેંગ નીવડી રહ્યો છે.

કોંગ્રેસ ભાજપની આર્થિક મોરચે નિષ્ફળતાઓ ગણાવવા જાય તો સામે ભાજપ એમ જ કહે છે કે કોંગ્રેસ તેના 70 વર્ષના શાસનમાં દેશની ગરીબી દૂર કરી શકી નથી અને અમારી પાસે એક જ દાયકામાં બધી જ ગરીબી દૂર કરવાની આશા કઈ રીતે રાખી શકે. કોંગ્રેસની આ શાસકીય નિષ્ફળતાના લીધે તો પ્રજાએ અમને ચૂંટ્યા છે અને અમારામાં વિશ્વાસ જગાવ્યો છે.

હવે કોંગ્રેસ ચીને ભારત પર કરેલા હુમલાની વાત કરે તો ભાજપ કહે છે કે નેહરુ હતા ત્યારે હિંદીચીની ભાઈભાઈના લીધે ભારતે વેઠવો પડેલો શરમજનક પરાજયથી આજે પણ સમગ્ર દેશ વિદિત છે. તેનાથી વિપરીત અમે તો ચીનાઓને રીતસરના સરહદ પર અટકાવ્યા છે, પછી તે ડોકલામ હોય કે લડાખમાં ચીનની આગેકૂચ હોય. આશ્ચર્યની વાત તો એ છે કે કોંગ્રેસે પોતે 1991માં આર્થિક સુધારા શરૂ કર્યા તેનું શ્રેય પણ તે લઈ શકતી નથી, કારણ કે આ સુધારા નરસિંહરાવ દ્વારા કરવામાં આવ્યા હતા. હવે આ જ નરસિંહરાવ ગાંધી કુટુંબના વિરોધી મનાતા હોવાથી કોંગ્રેસમાં નરસિંહરાવની તરફેણમાં કોઈ બોલવા તૈયાર નથી.

કોંગ્રેસની મનરેગા યોજનાને ભાજપે તેની શાસકીય નિષ્ફળતાનું પ્રતીક ગણાવી છે અને જણાવ્યું છે કે આઝાદીના 70 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસે આ પ્રકારની યોજના શરૂ કરવી પડી તે તેની આર્થિક નીતિઓની નિષ્ફળતા દર્શાવે છે. તેની સામે ભાજપ પોતે ખેડૂતો અને વંચિતોના ખાતામાં સીધી રકમ ટ્રાન્સફર (ડીબીટી) કરે છે તેને વંચિતો અને સમાજના તળિયાના લોકોને આપવામાં આવતી મદદ ગણાવે છે. તેની સાથે કોરોના કાળથી 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની શરૂ કરવામાં આવેલી યોજના ભાજપે હજી પણ ફૂડ સિક્યોરિટીના નામે જારી રાખી છે. આ યોજના આગામી પાંચ વર્ષ ચાલવાની છે.

Ramtemple રામમંદિરનું નિર્માણઃ ભાજપનું 'ઉત્તરાયન' અને કોંગ્રેસનું 'દક્ષિણાયન'

ગુજરાતમાં ભાજપે તેના શાસનમાં રાજ્યના દરેક ગ્રામીણ વિસ્તારને પણ વીજળી, પાણી, પાક્કા રોડ, ગટર વ્યવસ્થા વગેરેથી સાંકળી લીધા તથા નાના શહેરોનો વિકાસ કર્યો હવે તે જ ગુજરાત મોડેલનું પુનરાવર્તન રાષ્ટ્રીય સ્તરે થઈ રહ્યુ છે.

ભાજપ દાવો કરે છે કે આઝાદીના સાત દાયકાના શાસન છતાં પણ કોંગ્રેસ દેશના બધા ખૂણામાં 24 કલાક વીજળી પૂરી પાડવામાં નિષ્ફળ રહી હતી. તેની સામે ભાજપના શાસનના દાયકામાં જ દેશના શહેરોમાં દૈનિક ધોરણે મળતી વીજળીની સરેરાશ 2014ના 12થી 14 કલાકથી વધીને 23.30 કલાક થઈ છે અને ગ્રામીણ વિસ્તારોમાં છથી આઠ કલાક માંડ-માંડ મળતી વીજળીની સરેરાશ વધીને 23 કલાક થઈ છે. આ કામ ફક્ત દાયકામાં થયુ છે. આ સિવાય પોણા બે લાખ ગામડાના ઓપ્ટિકલ ફાઇબરના ઇન્ટરનેટથી જોડી દેવાયા છે. આ આંકડા ભાજપ સરકારે નહીં પણ વિશ્વ બેન્કના અહેવાલમાં આપવામાં આવ્યા છે, જે વિશ્વના દરેક દેશોના શહેરો, ગ્રામીણ વિસ્તારોના પ્રગતિના માપદંડો પર તેની સમીક્ષા કરે છે.

તેથી ભાજપે તેના વિકાસના નવા યુગને રામરાજ્યનું નામ આપ્યું છે અને કોંગ્રેસને રામરાજય તથા વિકાસવિરોધી ગણાવવાના વ્યૂહમાં સફળતા મેળવી છે. આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંદુત્વ પુરુષમાંથી વિકાસ પુરુષ તરીકેની છબી મજબૂત કરી છે. ભાજપનો હિંદુત્વથી લઈને સનાતનથી રામરાજ્યનો વ્યૂહ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના બિનસાંપ્રદાયિક રાજકારણના અસ્તિત્વનો અંત લાવનારો નીવડી શકે છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ