Rajkot News : રાજકોટમાં 20 જેટલા કરાટે એકેડમી ચલાવતા સંચાલકોએ આરોપ કર્યો હતો કે, રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજના અંતર્ગત કૌભાંડ કરવામાં આવે છે. જેના જવાબમાં આજે કોન્ટ્રાક્ટર રણજીતભાઈ ચૌહાણ તેમની ટીમ સાથે મીડિયા સમક્ષ આવ્યા હતા અને આ તમામ આરોપો ફગાવ્યા હતા. તેને જણાવ્યું હતું કે, પૂરેપુરા 36 દિવસ તાલીમ આપીને, ગુગલ લિંક સાથે ફોટો-વીડિયો અપલોડ થયા બાદ પેમેન્ટ મળે છે. એટલે તેમાં કૌભાંડનો કોઈ સવાલ જ નથી. માત્રને માત્ર વ્યવસાયિક પ્રતિસ્પર્ધાનાં કારણે આ આરોપ લગાવાયો છે.આ યોજનામાં કોઈ કૌભાંડ ન થયું હોવા અંગે તેણે નિયમોનાં પુરાવા પણ રજૂ કર્યા હતા.
રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજનાનો કોન્ટ્રાકટ લેનાર રણજીતભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, સ્વરક્ષણ યોજનામાં કૌભાંડનાં આરોપો ખોટા, અમારી પાસે જેતપુર તેમજ જામકંડોરણા તાલુકાનો કોન્ટ્રાક્ટ છે. આ માટે નિયમ મુજબ ટેન્ડર ભર્યા બાદ સૌથી ઓછા ભાવ હોવાને કારણે અમને કામ આપવામાં આવ્યું હતું. જેમાં સરકાર દ્વારા મને 2 તાલુકાનો 36 દિવસની તાલીમ માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે અને પુરેપુરા 36 દિવસ તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં ગૂગલ લિંક સાથે વીડિયો અને ફોટો બનાવી 36 દિવસની તાલીમની વિગતો અપલોડ થાય છે અને ત્યાર બાદ પેમેન્ટ મળે છે. ત્યારે કૌભાંડ કરવાનો કોઈ સવાલ જ ઉપજતો નથી.
વધુમાં તેને જણાવ્યું કે, રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજનામાં અમે સ્કૂલ દીઠ રૂ. 15 હજારનું કૌભાંડ કર્યુ હોવાનો આક્ષેપ અમારા પર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, માત્ર અમુક કલાકોની તાલીમ આપવામાં આવે છે. તેમાં કોઈ તથ્ય નથી અમારા ઉપર આરોપનો એકમાત્ર ઈરાદો વ્યવસાઇક પ્રતિસ્પર્ધા હોઈ શકે છે. ટેન્ડર ભરીને કામ કર્યું છે જેમાં સૌથી ઓછા ભાવ આપનારને કામ મળે છે. ત્યારે વિરોધીઓ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપો સદંતર ખોટા અને પાયા વિહોણા છે.
રાજકોટમાં ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી રાણી લક્ષ્મીબાઈ સ્વરક્ષણ યોજનાના નામે કૌભાંડ થતું હોવાનો આરોપ 20થી વધુ કરાટે કોચ દ્વારા લગાવવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ રાજયમાં એક સ્કૂલ દીઠ તાલિમ આપનારને રૂ. 15 હજાર અપાય છે. જેમાં અમુક સ્કૂલોમાં લાયકાત વિનાના લોકો 36 દિવસને બદલે એક સ્કૂલમાં માત્ર 1 કે 5 દિવસ તાલીમ આપી ફોટા પાડીને સરકારમાં મોકલી અપાય છે. રાજકોટ શહેર જિલ્લાનો કોન્ટ્રક રણજીત ચૌહાણ પાસે હોય તે કૌભાંડ આચરતા હોવાનો પણ આરોપ લગાવાયો હતો.
તેમજ શહેર અને જિલ્લાની 600થી વધુ સ્કૂલમાં ટ્રેનિંગ નામે કૌભાંડ થયું હોવાનું જણાવાયું હતું. જેને લઈને સમગ્ર મામલે કરાટે કોચ એસોસિએશન દ્વારા કાનૂની લડતના મંડાણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જોકે આજે કોન્ટ્રાકટ રાખનાર રણજીત ચૌહાણે તમામ આરોપો ફગાવ્યા છે અને આરોપ લગાવનારાઓ સામે કાનૂની લડત લડીને કાયદાકીય પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો: રાજકોટમાં BZ ગ્રુપ જેવું કૌભાંડ સામે આવ્યું, 300 કરોડથી વધુની છેતરપિંડી
આ પણ વાંચો: જૂનાગઢ બન્યું મગફળી કૌભાંડીઓનું ગઢ
આ પણ વાંચો: સુરતમાં કઠોરની જમીન કૌભાંડ મામલે CID ક્રાઈમમાં ફરિયાદ
