New Delhi News: 80મા સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમ દરમિયાન વંદે માતરમના ગાનને લઈને શરૂ થયેલો વિવાદ હવે સોનિયા ગાંધી (Sonia Gandhi)ના વિદેશી મૂળના મુદ્દા સુધી પહોંચી ગયો છે. કેન્દ્રીય મંત્રી એચ. ડી. કુમારસ્વામીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ કોંગ્રેસે પણ આકરો વળતો પ્રહાર કર્યો છે.
Sonia Gandhi વિશે મંત્રીની વિવાદાસ્પદ ટિપ્પણી
કેન્દ્રીય મંત્રી એચ. ડી. કુમારસ્વામી (H D Kumaraswamy)એ વંદે માતરમના વિરોધ (Vande Mataram Controversy)ના મુદ્દે સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે સોનિયા ગાંધીના ઇટાલિયન મૂળનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, ‘તેમની પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય? શું તેઓ આપણા દેશના છે? તેઓ લગ્ન પછી આપણા દેશમાં આવ્યા છે અને તેમની નસોમાં વહેતું લોહી ઈટાલિયન છે. કોંગ્રેસને કદાચ વંદેમાતરમ્ પસંદ નથી અને પક્ષના નેતાઓએ આ બાબતે સંકુચિત માનસિકતા દર્શાવવાની જરૂર નથી.’
સોનિયા ગાંધીના ત્યાગ અંગે પણ સવાલ
કુમારસ્વામીએ સોનિયા ગાંધીના દેશ માટેના યોગદાન અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે રાજીવ ગાંધી દેશ માટે બલિદાન આપી ચૂક્યા છે, પરંતુ સોનિયા ગાંધીએ દેશ માટે શું ત્યાગ કર્યો છે? સાથે જ તેમણે વંદે માતરમના ઐતિહાસિક મહત્વનો ઉલ્લેખ કર્યો. તેમના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના એક અધિવેશનમાં મહાત્મા ગાંધીની હાજરીમાં આ ગીત ગવાયું હતું અને રવીન્દ્રનાથ ટાગોરે પણ વંદે માતરમ ગાયું હતું.
કોંગ્રેસનો વળતો પ્રહાર
કુમારસ્વામીના નિવેદન બાદ કોંગ્રેસના નેતા રિઝવાન અરશદે આકરો જવાબ આપ્યો. તેમણે કુમારસ્વામીને નિરાશ અને હતાશ વ્યક્તિ ગણાવતાં કહ્યું કે જો તેઓ આવી ટિપ્પણી કરી રહ્યા હોય તો તેમણે સોનિયા ગાંધીના ભારત પ્રત્યેના યોગદાનને સમજવું જોઈએ. રિઝવાન અરશદે કહ્યું કે સોનિયા ગાંધી ઘણા ભારતીયો કરતાં પણ વધુ ભારતીય છે. તેમના પરિવારના સભ્યોએ દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે અને સોનિયા ગાંધી એકતા તથા ન્યાયપૂર્ણ ભારતના નિર્માણ માટે સતત કામ કરી રહ્યાં છે.
કોંગ્રેસે વંદે માતરમના વિરોધના આરોપને ફગાવ્યો
કોંગ્રેસે વંદે માતરમના સંપૂર્ણ ગાનને રોકવાના કોઈ પ્રયાસનો ઇનકાર કર્યો છે. પક્ષનું કહેવું છે કે વાયરલ થઈ રહેલા વીડિયો અને ઘટનાને રાજકીય રીતે અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, કાર્યક્રમ દરમિયાન લાંબા સમયથી ઊભા રહેલા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે માટે ખુરશી માંગવાનો માત્ર ઇશારો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે તેનો અર્થ વંદે માતરમના વિરોધ તરીકે લેવો યોગ્ય નથી.
વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વધ્યો
15 ઓગસ્ટના ધ્વજારોહણ કાર્યક્રમ દરમિયાન વંદે માતરમના ગાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોને લઈને એવો દાવો કરવામાં આવ્યો હતો કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ગીત દરમિયાન ઈશારા કરીને વાંધો વ્યક્ત કરી રહ્યાં હતાં.
આ મામલે ભાજપ (BJP) સાથે જોડાયેલા વિકાસ કે. અને રાજગોપાલ દ્વારા કર્ણાટકના મેંગલુરુ સ્થિત ઉર્વા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 16 ઓગસ્ટે દિલ્હીના IP એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં પણ એક વકીલ દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ફરિયાદમાં રાહુલ ગાંધીએ કથિત રીતે ‘અમે વંદે માતરમ નહીં ગાઈએ’ એવું કહ્યું હોવાનો આરોપ લગાવી તપાસની માગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :વંદે માતરમના ગાનને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે, સોનિયા ગાંધી પર આરોપ
આ પણ વાંચો :પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ મંદિર માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા સોનિયા ગાંધી, કસ્ટડી બાદ નેતાઓ રિલીઝ
