સમગ્ર નાધેર પંથકમાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવ્યો છે. સ્થાનિક હોસ્પિટલ સહીત જીલ્લાની તમામ હોસ્પિટલમાં ક્યાંય જગ્યા નથી ત્યારે સામાન્ય લોકોએ હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. આ બધાની વચ્ચે કોરોના કાળમાં હોસ્પિટલમાં પ્રાણવાયુ સમાન ઓક્સીજનની અછત સર્જાય હોવાનું જાણવા મળી રહ્યુ છે. એક તરફ દિનપ્રતિદીન કોરોના કેસના આંકાડામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ દર્દીઓ બીજી હોસ્પીટલમાં સારવાર માટે દોડા દોડી કરી રહ્યા છે. અને તેમાંય અધુરામાં પુરૂ ઓક્સીજનની અછત ત્યારે દર્દી જાય તો જાય ક્યાં તેવો સવાલ ઉઠી રહ્યા છે.
ત્યારે હાલ ઉનામાં અઠવાડીયા પહેલા શરૂ થયેલ 22 બેડની કોવીડ હોસ્પિટલમાં ઓક્સીજનની અછત ન થાય તે માટે કોવીડ હોસ્પિટલના સંચાલકો દ્વારા સવારથી રાત સુધી ઓક્સીજનની વ્યવસ્થા કરવામાં દોડધામ કરતા હોવાનું જાણવા મળી રહ્યુ છે. ત્યારે હોસ્પિટલમાં સુત્રો માંથી જાણવા મળતી વિગતો મુજબ થોડા દિવસો પહેલા 24 કલાક ઓક્સીજનનો પર્યાપ્ત જથ્થો મળી જતો પરંતુ હાલ ઓક્સીજનનો જથ્થો મેળવવા અઠવાડીયા સુધી રાહ જોવી પડે છે. આ સીવાય ગીરગઢડા તાલુકામાં પણ રવિવારે કોવીડ હોસ્પીટલનો પ્રારંભ થયો જ્યાં 8 બેડ ઓક્સીજન સાથેના છે. તે તમામ બેડ પર હાલ દર્દીઓ સારવાર હેઠળ છે. અને રવિવારે કોવીડ હોસ્પીટલનો પ્રારંભ થયા બાદ બે દિવસમાં બે વખત ઓક્સીજનનો જથ્થો મંગાવવો પડયો હોવાનું તબીબે જણાવેલ હતું.
ઓક્સીજનનો જથ્થો મેળવવા પણ હાલ વેઇટીંગ હોવાનું જાણવા મળી રહ્યુ છે. ત્યારે સવાલ એ ઉઠવા પામે છેકે ઓક્સીજનની અછતના કારણે પણ દર્દીઓને સારવારન મળતી હોય અને દર્દીઓના સગા વ્હાલાઓએ ઓક્સીજન મેળવવા જ્યાં ત્યાં ભટકવું પડી રહ્યું છે. ત્યારે નાધેર પંથકમાં અસંખ્ય દર્દીઓ હોસ્પીટલમાં જગ્યા મળતી ન હોવાને લીધે ખાનગી તબીબોની સલાહ અનુસાર ઘરે સારવાર લઇ રહ્યા છે.
નાધેર પંથકમાં કોરોના કહેર વચ્ચે સેવા ભાવીઓ દ્વારા દર્દીઓને બનતી મદદ કરી રહ્યા છે. પરંતુ જ્યાં સારવાર માટે જગ્યા નથી અને જગ્યા છે ઓક્સીજન નથી ત્યા સેવાભાવી લોકોને પણ અફસોસ થાય છે.
મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની એન્ટ્રી
કોરોનાની પ્રથમ લહેરમાં ગ્રામ્ય વિસ્તાર સુધી કોરોનાની એન્ટ્રી થઇ ન હતી. પરંતુ બીજી લહેર વાયુવેગે પ્રસરી રહી છે. તેમ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. 550 ની વસ્તી ધરાવતા ગામમાં 15 થી 20 કેસ જોવા મળી રહ્યા છે.