Surendranagar/ પાટડીના ફત્તેપુરમાં એરંડાના પાન ખાવાથી 100 ઘેંટા અને 5 બકરાના મોત

પશુ ચિકિત્સક અધિકારી સહિતની ટીમેં ફત્તેપુર ગામે દોડી જઇ 14 ઘેંટાને બચાવ્યા

Gujarat Others
A 106 પાટડીના ફત્તેપુરમાં એરંડાના પાન ખાવાથી 100 ઘેંટા અને 5 બકરાના મોત

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

પાટડી તાલુકાના ફત્તેપુર ગામે મોડી સાંજે ખેતરમાં એરંડાના પાન ખાવાથી 100 જેટલા ઘેંટા અને 5 બકરા ટપોટપ મરી જતા પશુપાલકોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો. આ ગોઝારી ઘટનાની જાણ થતાં પશુ ચિકિત્સક અધિકારી સહિતની ટીમેં ફત્તેપુર ગામે દોડી જઇ 14 ઘેંટાને બચાવી પોસ્ટ મોર્ટમ સહિતની કામગીરી હાથ ધરી હતી.

પાટડી તાલુકાના સૌથી છેવાડે આવેલા ફત્તેપુર ગામની સીમમાં ગરીબ પશુપાલકો પોતાના ઘેંટા-બકરા સહિત અબોલ પશુઓને ચરાવી રહ્યાં હતા. ત્યારે ખેતરમાં ઉભેલા મોલમાં એરંડાના પાન ખાવાથી મીંઇઢો ચઢી જવાથી ઘેંટા અને બકરા ટપોટપ મરવા લાગી ગયા હતા. જેમાં જોતજોતામાં જ 100 જેટલા ઘેંટા અને 5 બકરા અકાળે મોતને ભેંટતા પશુપાલકોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો. આ ઘટનાની જાણ થતા ફત્તેપુર ગામના આગેવાન સુરાભાઇ રબારી અને સોનાજી ભારાણી સહિતના ગામ આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ફત્તેપુર ગામની સીમમાં ઘેંટા અને બકરાના મોતની ઘટના અંગે પશુ ચિકિત્સક અધિકારી ડો.પ્રિતેષ પટેલને જાણ કરતા વેટરનીટી વિભાગની આખી ટીમ ફત્તેપુર ગામે દોડી ગઇ હતી.

A 108 પાટડીના ફત્તેપુરમાં એરંડાના પાન ખાવાથી 100 ઘેંટા અને 5 બકરાના મોત

14 જેટલા માંદા મરવા પડેલા ઘેંટાને દવા આપી બચાવી લેવામાં આવ્યા હતા. અને મૃત ઘેંટાના પોસ્ટ મોર્ટમ સાથે ફત્તેપુર ગામના સરપંચ પસાભાઇ ધામેચા અને દૂધ ડેરીના મંત્રી માધાભાઇ ખટાણા સહિત ગામના પાંચ આગેવાનો હાજરીમાં પંચ રોજકામ કરી ગામમાં બીજો કોઇ રોગચાળો ન ફેલાય એ માટે ગામથી થોડે દૂર ખાડો ખોદી મૃત ઘેંટા અને બકરાને દાટી દેવાની કામગીરી તાકીદે હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા પશુ પાલકો અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા.

મૃત ઘેંટા-બકરાની યાદી

        માલિક                   મૃત ઘેંટા      મૃત બકરા

રૂગનાથભાઇ ખટાણા         30                3

લાલાભાઇ ખટાણા               20                1

વાલજીભાઇ ખાંભલા             20    

શંકરભાઇ ખાંભલા                20    

ચેહરાભાઇ ખાંભલા               5                   1

લક્ષ્મણભાઇ ભાટીયા             5    

                                     ———–         ——

                                          100                 5

 

પાટડીના ફત્તેપુર ગામે 100 જેટલા ઘેંટા અને બકરાના મોતની ઘટના બાદ પશુ ચિકિત્સક અધિકારી સહિતની ટીમ ફત્તેપુર ગામે દોડી આવી હતી. અને આજે સુરેન્દ્રનગરથી પણ સરકારી અધિકારીઓની ટીમે ફત્તેપુર ગામની મુલાકાત લીધી છે. જ્યારે આ ઘટનાથી ગરીબ પશુપાલકોને મોટું નુકશાન આવતા આ બાબતે સરકારમાં પશુપાલકોને વળતર મળી રહે એ માટે રજૂઆત પણ કરવામાં આવશે.

A 107 પાટડીના ફત્તેપુરમાં એરંડાના પાન ખાવાથી 100 ઘેંટા અને 5 બકરાના મોત

ફત્તેપુરમાં કેટલા ઘેંટાના મોત થયા છે ?

ફત્તેપુરમાં રંડાના પાન ખાવાથી ઝેરી અસરના લીધે 100 ઘેંટા અને 5 બકરાના મોત થયા છે.

આટલા બધા ઘેંટા મરવાનું કારણ શું હોઇ શકે ?

આ ઘેંટા અને બકરાઓેએ એરંડાના પાન વધારે માત્રામાં ખાઇ લેવાથી એમના પેટમાં એસીડ બનવાથી હોજરી ફાટી જવાના કારણે મોતને ભેટ્યાં હોવાનું સામે આવ્યું છે.

હજી કેટલા ઘેંટા બિમાર છે ?

ફત્તેપુરમ‍ાં 100 ઘેંટા અને 5 બકરાના મોતની ઘટના બાદ સમયસર દવા આપી 14 જેટલા બિમાર ઘેંટાઓને બચાવી લેવાયા છે.