Gujarat News: ગુજરાતની ગાંધીનગરની એડિશનલ સેશન્સ કોર્ટે ગૌહત્યાના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા (Cow Slaughter Case) ફટકારી છે. 26 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર થયેલા ચુકાદામાં કોર્ટે ગાયના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વનો ઉલ્લેખ કરવા મનુસ્મૃતિ અને વેદોના સંદર્ભ ટાંક્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે ગાયોની નિર્દયતાથી હત્યા કરીને 277 કિલો માંસ વેચવાની તૈયારી કરવામાં આવી હતી. આ કેસમાં ત્રણેય દોષિતોને આજીવન કેદ ઉપરાંત પ્રત્યેકને 3 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
![]()
આ ચુકાદા બાદ ગૌહત્યા અંગેનો કાયદો, ગાયનું ધાર્મિક મહત્ત્વ અને પ્રાચીન ધર્મગ્રંથોમાં ગૌમાંસ અંગેના ઉલ્લેખો ફરી ચર્ચામાં આવ્યા છે. આખરે આ કેસ શું હતો? કોર્ટે કયા કાયદા હેઠળ સજા ફટકારી? મનુસ્મૃતિ અને વેદોમાં ગાય વિશે શું લખવામાં આવ્યું છે? તેમજ દેશનાં અલગ-અલગ રાજ્યોમાં ગૌહત્યા અંગે કેવા નિયમો (Cow Slaughter Law in India) છે? જાણીએ આજના એક્સપ્લેનરમાં…
Cow Slaughter Case: ગૌહત્યા કેસમાં ત્રણ લોકોને આજીવન કેદનો સમગ્ર મામલો શું છે?
ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં જામળા નામના ગામમાં 22 ઓગસ્ટ, 2024ના રોજ પોલીસે એક ઘરમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 6 લોકોની ધરપકડ ( Gujarat Animal Preservation Act) કરી હતી.
સરકારી વકીલની દલીલ મુજબ, પોલીસને સ્થળ પરથી 277 કિલો ગૌમાંસ, ગાયોની કતલ કરવા માટે ઉપયોગમાં લેવાતાં હથિયારો અને માંસની હેરફેર માટે વપરાતું એક વાહન મળી આવ્યું હતું.
![]()
ફરિયાદી પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે વસીમ કુરેશી અને મોહમ્મદ રફીક કુરેશી નબળી અથવા દૂધ ન આપતી ગાયો અને ભેંસો ખરીદતા હતા. ત્યારબાદ તેઓ અમદાવાદથી ચાર લોકોને બોલાવી પશુઓની કતલ કરાવતા હતા. ગુલામ મોઈન નામનો વ્યક્તિ તેમની પાસેથી માંસ ખરીદતો હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.
પોલીસે આ કેસમાં ગૌહત્યા ઉપરાંત પ્રતિબંધિત માંસનો સંગ્રહ, પરિવહન અને વેચાણ કરવા સહિતના આરોપો હેઠળ છ લોકો સામે કાર્યવાહી કરી હતી. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે 54 સાક્ષીઓ અને 18 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા.
લાંબી સુનાવણી બાદ ગાંધીનગરની એડિશનલ સેશન્સ કોર્ટે વસીમ કુરેશી, મોહમ્મદ રફીક કુરેશી અને અસફાક બહેલિમને દોષિત ઠેરવ્યા હતા. 26 ઓક્ટોબર, 2026ના રોજ જજ બી.આર. રાજપૂતે ત્રણેયને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ ઉપરાંત પ્રત્યેક આરોપીને 3 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
કોર્ટે મનુસ્મૃતિ અને વેદોનો ઉલ્લેખ કરીને શું કહ્યું?
ચુકાદામાં જજે ગાયના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વને સમજાવવા માટે મનુસ્મૃતિ, વેદો અને અન્ય ધાર્મિક સંદર્ભોનો ઉલ્લેખ કર્યો હતો.
![]()
મનુસ્મૃતિમાં ગાયને સમૃદ્ધિ, સમાજ અને ધર્મ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી છે. પ્રાચીન પરંપરાઓમાં પશુઓની સંભાળ અને સુરક્ષાની જવાબદારી પણ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી હતી. વૈદિક પરંપરામાં ગાય અને બળદનું ધાર્મિક તથા સામાજિક જીવનમાં વિશેષ સ્થાન રહ્યું છે.
હિંદુ ધાર્મિક માન્યતાઓ અનુસાર ગાયને માતા સમાન માનવામાં આવે છે. કેટલીક ધાર્મિક પરંપરાઓમાં ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. તેના ચાર પગને ચાર વેદોના પ્રતીક તરીકે પણ રજૂ કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતા પ્રમાણે સમુદ્રમંથન અને દિવ્ય પરંપરાઓ સાથે જોડાયેલી કામધેનુ ગાયને તમામ ગાયોની આદ્ય ગાય તરીકે ઓળખવામાં (Vedas Cow Reference) આવે છે. બીજી તરફ, ઋગ્વેદમાં ગાય માટે ‘અઘ્ન્યા’ શબ્દનો ઉલ્લેખ મળે છે, જેનો અર્થ સામાન્ય રીતે ‘જેની હત્યા ન કરવી જોઈએ’ એવો થાય છે.
કોર્ટે ચુકાદામાં સંસ્કૃતનો એક શ્લોક પણ ટાંક્યો હતો:
त्वं माता सर्वदेवानां त्वं च यज्ञस्य कारणम्। त्वं तीर्थं सर्वतीर्थानां नमस्तेऽस्तु सदानघे॥
તેનો ગુજરાતી અર્થ થાય છે કે, ‘તમે તમામ દેવતાઓની માતા છો અને તમામ પવિત્ર યજ્ઞોનું કારણ છો. તમે તમામ પવિત્ર તીર્થસ્થળોમાં સૌથી પવિત્ર છો. હે નિષ્પાપ માતા, તમને સદાય નમન છે.’
ગુજરાતમાં ગૌહત્યા માટે કયા કાયદા હેઠળ આજીવન કેદની જોગવાઈ છે?
ગુજરાતમાં ગૌહત્યા રોકવા માટે ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ અમલમાં છે. આ કાયદામાં સમયાંતરે સુધારા કરીને ગૌહત્યા, ગૌમાંસના પરિવહન અને વેચાણ સામે કડક જોગવાઈઓ કરવામાં આવી છે.
વર્ષ 2011માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે કાયદામાં સુધારો કરીને ગાયોની કતલ, ગૌમાંસના પરિવહન અને વેચાણ પર પ્રતિબંધને વધુ મજબૂત બનાવ્યો હતો.
ત્યારબાદ વર્ષ 2017માં ગુજરાત સરકારે ફરી કાયદામાં સુધારો કર્યો હતો. આ સુધારા બાદ ગૌહત્યા માટે સજામાં વધારો કરવામાં આવ્યો હતો.
સુધારેલી જોગવાઈઓ મુજબ, ગૌહત્યા માટે ઓછામાં ઓછી 10 વર્ષની જેલથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. આ ઉપરાંત 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
તેવી જ રીતે ગૌમાંસનું પરિવહન, સંગ્રહ અથવા વેચાણ કરવા બદલ 7થી 10 વર્ષની જેલ અને 1 લાખથી 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
ગુજરાતમાં આ પહેલાં પણ ગૌહત્યાના કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી ચૂકી છે. નવેમ્બર, 2025માં અમદાવાદની એક કોર્ટે એક જ પરિવારના ત્રણ સભ્યો કાસિમ સોલંકી, સત્તાર અને અકરમને ગૌહત્યાના કેસમાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
મનુસ્મૃતિ અને વેદોમાં ગૌમાંસ ખાવા અંગે શું લખ્યું છે?
ગૌહત્યા અને ગૌમાંસના સેવન અંગે પ્રાચીન ભારતીય ઇતિહાસ, ધર્મગ્રંથો અને ઇતિહાસકારોમાં અલગ-અલગ અર્થઘટનો જોવા મળે છે. ઇતિહાસકાર ડી.એન. ઝા અને અન્ય સંશોધકોએ પ્રાચીન ગ્રંથોના આધારે આ વિષયનો અભ્યાસ કર્યો છે.
પ્રાચીન સમયથી લઈને મધ્યકાલીન યુગ સુધી ગાય અંગેની ધાર્મિક અને સામાજિક માન્યતાઓમાં પરિવર્તન આવતું રહ્યું છે. આ સમગ્ર ઇતિહાસને મુખ્ય ત્રણ તબક્કામાં સમજી શકાય છે.
પ્રથમ તબક્કો: વૈદિકથી મૌર્યકાળ (ઈ.સ. પૂર્વે 1500થી 200)
આ સમયગાળામાં ધાર્મિક અનુષ્ઠાનો દરમિયાન પશુબલિ અને માંસાહારની પરંપરા હોવાના ઉલ્લેખો મળે છે.
દિલ્હી યુનિવર્સિટીના ઇતિહાસના પૂર્વ પ્રોફેસર ડી.એન. ઝાએ તેમના પુસ્તક ‘ધ મિથ ઓફ ધ હોલી કાઉ’માં વૈદિક સમયગાળાના ગ્રંથોનો અભ્યાસ કરીને લખ્યું છે કે તે સમયે પશુઓનું માંસ ખાવાની પરંપરા હતી. ધાર્મિક વિધિઓમાં પશુઓની બલિ આપીને તેમના માંસનો ઉપયોગ કરવામાં આવતો હોવાના ઉલ્લેખો પણ મળે છે.
તેમના અભ્યાસ મુજબ વૈદિક કાળથી મૌર્યકાળ સુધી પશુબલિ અને માંસાહારની પરંપરા વિવિધ સ્વરૂપે ચાલુ રહી હતી. જોકે આ સમયગાળામાં ગૌમાંસના સેવન અંગેના ઐતિહાસિક પુરાવાઓ અને તેમના અર્થઘટન અંગે વિદ્વાનોમાં મતભેદ જોવા મળે છે.
બીજો તબક્કો: મૌર્યકાળથી પ્રારંભિક મધ્યકાળ (ઈ.સ. પૂર્વે 200થી ઈ.સ. 1000)
આ સમયગાળામાં મનુસ્મૃતિ જેવા ધર્મગ્રંથોનું મહત્ત્વ વધ્યું હતું. મનુસ્મૃતિમાં આહાર, ધાર્મિક ફરજો અને સામાજિક વ્યવસ્થા અંગેના નિયમોનો ઉલ્લેખ છે.
મનુસ્મૃતિના પાંચમા અધ્યાયમાં કયા પ્રાણીઓનું માંસ ખાઈ શકાય તે અંગેના ઉલ્લેખો મળે છે. મિથોલોજિસ્ટ દેવદત્ત પટનાયકના અર્થઘટન મુજબ, શ્લોક 5.18માં કેટલાક પાંચ નખવાળાં પ્રાણીઓના માંસના સેવનનો ઉલ્લેખ છે. આ ઉપરાંત એક જ જડબામાં દાંત ધરાવતા કેટલાક પ્રાણીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યાદીના અર્થઘટનને આધારે ગાય અંગે ચર્ચા કરવામાં આવે છે.
બીજી તરફ મનુસ્મૃતિના 11મા અધ્યાયમાં ગૌહત્યાને પાપની શ્રેણીમાં મૂકવામાં આવી છે. તેને ‘ઉપપાતક’ એટલે કે નાના પાપોમાં ગણવામાં આવી હોવાનું અર્થઘટન કરવામાં આવે છે.
આ જ સમયગાળામાં મનુસ્મૃતિના ભાષ્યકાર મેધાતિથિએ કેટલાક શ્લોકોની વ્યાખ્યા કરતાં વૈદિક પરંપરામાં માંસાહારના ઉલ્લેખોનો સ્વીકાર કર્યો હતો.
યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં પણ અતિથિસત્કાર સાથે જોડાયેલા કેટલાક ઉલ્લેખો જોવા મળે છે. તેના રચયિતા યાજ્ઞવલ્ક્યના સંદર્ભમાં વિદ્વાન બ્રાહ્મણના સ્વાગત માટે બળદ, બકરા અને સ્વાદિષ્ટ ભોજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 9મી સદીના વિશ્વરૂપ અને 12મી સદીના લક્ષ્મીધર જેવા ટીકાકારોએ પણ આ પરંપરાઓ અંગે પોતાના અર્થઘટનો રજૂ કર્યા હતા.
ત્રીજો તબક્કો: મધ્યકાલીન યુગ અને ત્યાર બાદ (ઈ.સ. 1000 પછી)
ઇતિહાસકાર ડી.એન. ઝાના અભ્યાસ મુજબ, સમય જતાં ભારતીય સમાજમાં ખેતી અને પશુપાલનનું મહત્ત્વ વધ્યું હતું. રાજાઓ અને શાસકો દ્વારા બ્રાહ્મણોને જમીન તથા ગાયોનું દાન આપવામાં આવતું હતું. આર્થિક અને સામાજિક જીવનમાં ગાયનું મહત્ત્વ વધતાં ગૌહત્યાનો વિરોધ પણ વધુ મજબૂત બન્યો હતો.
મહાભારત અને પુરાણોમાં ગાયનું દાન કરવાના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. એક હજાર ગાયોના દાનને ‘ગૌ-સહસ્રદાન’ તરીકે ઓળખવામાં આવે છે અને તેને મહત્ત્વપૂર્ણ ધાર્મિક દાન માનવામાં આવ્યું છે.
આ સમયગાળામાં કલિયુગની માન્યતા સાથે કેટલીક જૂની પ્રથાઓને ત્યજવાની વિચારધારા પણ મજબૂત બની હતી. વિવિધ ધર્મશાસ્ત્રો અને સ્મૃતિગ્રંથોમાં ગૌહત્યાને અયોગ્ય ગણાવી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.
પારાશર અને દેવલ સ્મૃતિઓમાં પણ ગૌહત્યા માટે પ્રાયશ્ચિત્તની જોગવાઈઓનો ઉલ્લેખ જોવા મળે છે. અપરાર્ક, રઘુનંદન, નીલકંઠ અને મિત્ર મિશ્ર જેવા મધ્યકાલીન ટીકાકારોએ પણ કલિયુગમાં ગૌહત્યા ન કરવી જોઈએ તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
મુઘલ શાસન દરમિયાન અકબર અને જહાંગીરના સમયમાં પણ કેટલાક પ્રસંગોએ ગૌહત્યા અને અન્ય પશુઓની કતલ પર પ્રતિબંધ મૂકતા આદેશો આપવામાં આવ્યા હતા. આ આદેશો પાછળ જૈન ધર્મના પ્રભાવનો પણ ઉલ્લેખ ઇતિહાસમાં મળે છે.
17મી સદીમાં મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજને ગાય અને બ્રાહ્મણોના રક્ષક તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 19મી સદીમાં શીખ કૂકા અથવા નામધારી આંદોલનના નેતા રામસિંહે પણ ગૌહત્યાના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો.
વર્ષ 1882માં આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ ગૌરક્ષિણી સભાની શરૂઆત કરી હતી. આ સમયગાળામાં ગૌરક્ષાનો મુદ્દો સામાજિક અને રાજકીય ચર્ચાનો મહત્ત્વપૂર્ણ વિષય બન્યો હતો. આઝાદી બાદ અલગ-અલગ રાજ્યોએ ગૌહત્યા અંગે પોતાના કાયદા અને નિયમો બનાવ્યા હતા.
ભારતમાં ગૌહત્યા અંગે કયો કાયદો અમલમાં છે?
ભારતમાં ગૌહત્યા અંગે એક સમાન કેન્દ્રીય કાયદો નથી. પશુઓની કતલ અને ગૌવંશના સંરક્ષણ અંગે કાયદા બનાવવાની જવાબદારી મુખ્યત્વે રાજ્ય સરકારોની છે. આથી દેશનાં અલગ-અલગ રાજ્યોમાં ગૌહત્યા અંગે અલગ-અલગ નિયમો અને સજાની જોગવાઈઓ છે.
ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ ધરાવતાં રાજ્યો: ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ઝારખંડ, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સહિતનાં રાજ્યોમાં ગૌહત્યા પર પ્રતિબંધ છે. દિલ્હી, ચંદીગઢ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં પણ ગૌવંશની કતલ સામે કાયદાકીય પ્રતિબંધો છે.
આ રાજ્યોમાં કાયદાના ઉલ્લંઘન બદલ અલગ-અલગ પ્રકારની સજા અને દંડની જોગવાઈ છે. ગુજરાતમાં ગૌહત્યા માટે આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.
આંશિક પ્રતિબંધ ધરાવતાં રાજ્યો: આસામમાં પ્રમાણપત્ર વિના પશુઓની કતલ કરવા તેમજ પ્રતિબંધિત વિસ્તારોમાં માંસના વેચાણ સામે કાયદાકીય જોગવાઈઓ છે. ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ પ્રમાણપત્ર વિના પશુઓની કતલ કરવા પર નિયંત્રણો છે.
બિહારમાં ગાય અને વાછરડાંની કતલ પર (India Beef Laws) પ્રતિબંધ છે. જોકે કાયદા હેઠળ નિર્ધારિત શરતોને આધીન કેટલાક અન્ય પશુઓની કતલની મંજૂરી છે. તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ગોવા અને પુડુચેરી સહિતનાં રાજ્યોમાં પણ પશુઓની ઉંમર, આરોગ્ય અને અન્ય શરતોના આધારે કતલ અંગે અલગ-અલગ નિયમો છે.
ગૌહત્યા પર અલગ પ્રતિબંધ ન ધરાવતાં રાજ્યો: કેરળ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, લક્ષદ્વીપ અને મણિપુરમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકતો ગુજરાત જેવો વિશેષ કાયદો નથી. જોકે તેનો અર્થ એવો નથી કે ત્યાં પશુઓની કતલ પર કોઈ નિયમો જ નથી. પશુસંરક્ષણ અને કતલખાનાં સંબંધિત અન્ય કાયદાઓ લાગુ પડી શકે છે.
આમ, ભારતમાં ગૌહત્યા અંગે એકસરખા નિયમો નથી. દરેક રાજ્યના (Cow Slaughter Case) કાયદા અને તેમાં કરવામાં આવેલા સુધારા પ્રમાણે ગુનાની ગંભીરતા, સજા અને દંડ નક્કી થાય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગૌહત્યા કેસના 3 દોષિતોને આજીવન કેદ, જજે કર્યો વેદોનો ઉલ્લેખ
આ પણ વાંચો: અમદાવાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ગૌહત્યારાને ફટકારાઈ 7 વર્ષની સજા
આ પણ વાંચો: ગાંધીનગરના ભાઈજીપુરામાં નીલગાયની ગોળી મારી હત્યા, બાઈકસવાર ત્રણ શખસ સામે વન વિભાગની તપાસ શરૂ
