Udaipur Murder Case/ ઉદયપુરમાં ઈન્ટરનેટ સેવા બંધ કર્યા બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો, બંને આરોપીઓની ધરપકડ, રાજ્યભરમાં એલર્ટ

રાજસ્થાનના ઉદયપુરમાં ભાજપની હકાલપટ્ટી કરાયેલી પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા સ્ટેટસ પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી

Top Stories India
2 1 31 ઉદયપુરમાં ઈન્ટરનેટ સેવા બંધ કર્યા બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો, બંને આરોપીઓની ધરપકડ, રાજ્યભરમાં એલર્ટ

રાજસ્થાનના ઉદયપુરમાં ભાજપની હકાલપટ્ટી કરાયેલી પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા સ્ટેટસ પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. મૃતકનું નામ કન્હૈયા લાલ હતું, જે દરજી હતો અને પોતાની દુકાન ચલાવતો હતો. તેણે ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. આરોપી કપડા સિલાઇ કરાવવાના બહાને તેની દુકાને આવ્યો હતો. આરોપીઓએ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવીને વાયરલ કર્યો હતો. આ હત્યાને લઈને સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો, ત્યારબાદ ઉદયપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સાથે જ સીએમ અશોક ગેહલોતે તમામ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

હત્યા બાદ સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો. જે બાદ માલદાસ ગલી વિસ્તારની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. ઉદયપુર જિલ્લામાં આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. રાજસમંદના ભીમ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ભીમ પોલીસ સ્ટેશન ઉદયપુરને અડીને આવેલો વિસ્તાર છે. હત્યા બાદ થયેલા હંગામા બાદ ઉદયપુરના ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ઉદયપુર જિલ્લાના ધનમંડી, ઘંટાઘર, હાથીપોલ, અંબામાતા, સૂરજપોલ, ભૂપાલપુરા અને સવિના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 144 અને કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જે આગામી આદેશ સુધી લાગુ રહેશે. રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એડીજી (એલ એન્ડ ઓર્ડર) એ કહ્યું કે તમામ એસપી અને આઈજીને રાજ્યવ્યાપી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમે વધુ નિર્ણય લેવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે વધારાની 600 પોલીસ ફોર્સ ઉદયપુર મોકલવામાં આવી છે. ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. હાલમાં મૃતદેહ તે જ સ્થળે છે. જનતાને ઉશ્કેરતી આ ઘટના છે અને વીડિયો વાયરલ થયા બાદ મામલો વધુ સંવેદનશીલ બન્યો હતો. પોલીસ અધિકારીઓને પોતપોતાના વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા માટે કહેવામાં આવ્યું છે તો અધિકારીઓને શક્ય તેટલું ફિલ્ડમાં ઉતરવાનું કહેવામાં આવ્યું છે. રાત સુધીમાં વધુ ફોર્સ પણ મોકલવામાં આવશે.

રાજસ્થાન રાજભવન તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે ઉદયપુરની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ લોકોને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી. જિલ્લા વહીવટી તંત્રને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

રાજસ્થાનમાં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે અમે સીએમ સાથે વાત કરી છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને પીડિત પરિવારને મદદ કરવામાં આવે. આ ઘટના કોઈ એક વ્યક્તિના કારણે શક્ય નથી, કોઈપણ સંસ્થાના કારણે બની શકે છે. આ ભયાનક અને વહીવટીતંત્રની નિષ્ફળતા છે. રાજસ્થાનના સીએમએ કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ કોઈ નાની ઘટના નથી, જે થયું તે કોઈની કલ્પના બહાર છે, દોષિતોને બક્ષવામાં આવશે નહીં.

વધુમાં કટારિયાએ કહ્યું કે દેશમાં આજે તણાવપૂર્ણ વાતાવરણ છે. પીએમ અને અમિત શાહ રાષ્ટ્રને કેમ સંબોધતા નથી? લોકોમાં તણાવ છે. પીએમએ જનતાને સંબોધીને કહેવું જોઈએ કે આવી હિંસા સહન કરવામાં આવશે નહીં અને શાંતિની અપીલ કરવી જોઈએ.

જયારે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ઉદયપુરમાં થયેલી ઘાતકી હત્યા નિંદનીય છે. આવી હત્યાનો બચાવ કોઈ કરી શકે તેમ નથી. અમે હંમેશા હિંસાનો વિરોધ કર્યો છે. અમારી સરકાર પાસે માંગ છે કે તેઓ દોષિતો સામે કડક કાર્યવાહી કરે. કાયદાનું શાસન જાળવવું પડશે. ઉદયપુરની ઘટના બાદ યુપીના તમામ જિલ્લાઓની પોલીસને એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.