Mumbai Vadodara Highway Accident: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુર નજીક મુંબઈ-વડોદરા હાઈવે પર એક ઝડપી BMW કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે યુવાનોના મોત થયા છે, જ્યારે કાર ચલાવી રહેલો યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી અને તેનું એન્જિન ઘટનાસ્થળથી લગભગ 30 મીટર દૂર જઈને પડ્યું હતું.
પોલીસે મૃતકોની ઓળખ 26 વર્ષીય યોગેશ નેગી અને 24 વર્ષીય રેબેકા જેકબ તરીકે કરી છે. બંને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં રહેતા હતા. અકસ્માત સમયે કારમાં હાજર BMWના માલિક અંગદને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હાલ તેની સારવાર કલ્યાણ સ્થિત ફોર્ટિસ હોસ્પિટલમાં ચાલી રહી છે.
જન્મદિવસની ઉજવણી બાદ નીકળ્યા હતા હાઈવે પર
પોલીસના જણાવ્યા અનુસાર, યોગેશ નેગીનો શનિવારે જન્મદિવસ હતો. યોગેશ, રેબેકા અને અંગદે બદલાપુર (પશ્ચિમ) વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ તેઓ કાર લઈને હાઈવે તરફ નીકળ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને લગભગ 9 હજાર રૂપિયાનું બિલ પણ મળ્યું છે.
250 કિમી પ્રતિ કલાકની ઝડપે કાર દોડાવ્યાનો વીડિયો તપાસ હેઠળ
અકસ્માત બાદ પોલીસને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલ એક વીડિયો મળ્યો છે, જેમાં કારને લગભગ 250 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવાતી હોવાનું દેખાઈ રહ્યું છે. આ વીડિયો મૃતક યોગેશ નેગીના સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાયેલ હોવાની માહિતી સામે આવી છે. પોલીસે વીડિયોની સત્યતા અને અકસ્માત સાથેના સંબંધની તપાસ શરૂ કરી છે.
બેરિકેડથી બચવાના પ્રયાસમાં ગુમાવ્યો કાબૂ શંકા
પ્રાથમિક તપાસ મુજબ, હાઈવે પર મૂકવામાં આવેલા કોંક્રિટ બેરિકેડથી બચવાનો પ્રયાસ કરતી વખતે ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હોવાની શંકા છે. ત્યારબાદ કાર મધ્ય ડિવાઈડર સાથે અથડાઈ હતી. જોરદાર ટક્કરના કારણે કાર હવામાં ઉછળી ગઈ અને ડિવાઈડરના બે ભાગ વચ્ચે ફસાઈ ગઈ.
સ્થળ પર હાજર વ્યક્તિએ વર્ણવી ભયાનક ઘટના
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, શનિવારે મોડી રાત્રે તે વોક કરી રહ્યો હતો ત્યારે કાર બે વખત અત્યંત ઝડપે તેની પાસેથી પસાર થઈ હતી. ત્રીજી વખત અચાનક જોરદાર ટક્કરનો અવાજ સંભળાયો. ઘટનાસ્થળે પહોંચતા કારના ફુરચા ઉડી ગયા હતા. યુવતીનું શરીર અકસ્માત સ્થળથી દૂર ફંગોળાઈ ગયું હતું, જ્યારે એક યુવકને ગંભીર માથાની ઈજાઓ પહોંચી હતી.
હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે બેદરકારીપૂર્વક વાહન ચલાવવું અને સ્ટંટબાજીને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: વડોદરા NH-48 પર અકસ્માત : કારની ટક્કરથી ટેમ્પોના બે ટુકડા, વેપારીનું મોત
આ પણ વાંચો: અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર મીની બસ રોડ નીચે ખાબકી: એક મહિલાનું મોત, 22 મુસાફરો ઈજાગ્રસ્ત
આ પણ વાંચો: ચાર મિત્ર કામ પતાવી ઘરે પરત ફરતાં અકસ્માત નડ્યો, સાળા-બનેવીના મોત, બે યુવાન ઘાયલ
