Morbi News: મોરબી જિલ્લાના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલન (Farmers Protest Morbi)ને વધુ મજબૂતી ત્યારે મળી જ્યારે જાણીતા લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર હકાભા ગઢવી (Hakabha Gadhvi) ખેડૂતોના સમર્થનમાં ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન યોજાયેલા લોક ડાયરામાં તેમણે ખેડૂતોની સમસ્યાઓને લઈને સરકાર સમક્ષ ભાવુક અપીલ કરી હતી.
ખેડૂતોના આંદોલનમાં પહોંચ્યા Hakabha Gadhvi
ખેડૂતો છેલ્લા ઘણા સમયથી જમીન અને પૂરતા વળતરની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે. આંદોલનના ભાગરૂપે છેલ્લા ચાર દિવસથી આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા અને આજે તેનો પાંચમો દિવસ ચાલી રહ્યો છે. ઉપવાસી છાવણીમાં યોજાયેલા લોક ડાયરામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મંચ પરથી સંબોધન કરતાં હકાભા ગઢવી (Hakabha Gadhvi)એ જણાવ્યું હતું કે, આજના સમયમાં એક-એક ખેડૂત પર સરેરાશ પાંચ-પાંચ લાખ રૂપિયાનું દેવું છે. ખેડૂતો આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે અને તેમની માંગણીઓ લાંબા સમયથી અધૂરી છે. તેમણે સરકારને અપીલ કરી કે ખેડૂતોની માંગણીઓ વહેલી તકે સ્વીકારી લેવામાં આવે, કારણ કે હવે ખેડૂતોની સહનશક્તિ ખૂટી રહી છે.
હકાભા ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ ખેડૂતોના હિત માટે કોઈપણ પ્રકારની ફી લીધા વગર આ કાર્યક્રમમાં જોડાયા છે. ચાર મહિના પહેલાં મળેલી એક ચેલેન્જનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ખેડૂતો માટે ડાયરો કરવા બદલ બમણું મહેનતાણું આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આજે તેઓ એક પણ રૂપિયો લીધા વગર ખેડૂતોના સમર્થનમાં ઊભા છે.
તેમણે ખેડૂતોને ખાતરી આપી કે ભવિષ્યમાં પણ ખેડૂતોના હક માટે જરૂર પડશે તો આવા અનેક કાર્યક્રમોમાં નિઃસ્વાર્થ રીતે જોડાશે. હકાભા ગઢવી (Hakabha Gadhvi)એ પોતાના સંબોધનમાં રાજકારણથી દૂર રહેવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. તેમના નિવેદનને ઉપસ્થિત ખેડૂતો અને લોકો દ્વારા તાળીઓના ગડગડાટ સાથે આવકારવામાં આવ્યું હતું.
જેતપરનું આ આંદોલન હવે સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચી રહ્યું છે. ખેડૂતોની માંગણીઓ અને તેમના પ્રશ્નોને લઈને સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
આ પણ વાંચો:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલે છે ધુપ્પલ! હકાભા ગઢવીને થયો કડવો અનુભવ
આ પણ વાંચો:જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ: 15 ખેડૂતોએ મુંડન કરાવ્યું, 9 ખેડૂતોના આમરણ ઉપવાસને મળ્યું સમર્થન
આ પણ વાંચો:જેતપરમાં ખેડૂતોનું ઉપવાસ આંદોલન શરૂ, મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા પણ જોડાયા
